Wed Jun 17 2026

Logo

સૌરાષ્ટ્રમાં માવઠાના આગાહી, મહારાષ્ટ્રથી પરથી ટળ્યું કમોસમી વરસાદનું સંકટ

2026-02-26 08:46:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદ/નવી દિલ્હીઃ હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનું અનુમાન છે અને અમરેલી, ભાવનગરમાં માવઠાની શકયતા છે. અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, તાપી, ડાંગમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં મિશ્ર ઋતુની અસર રહેશે અને મહતમ તાપમાનમાં થયો વધારો થઈ રહ્યો છે. વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિગ્રી, અમદાવાદમાં 36.4, ગાંધીનગરમાં 35.6 ડિગ્રી, વડોદરામાં 35.8 ડિગ્રી, રાજકોટમાં 36 ડિગ્રી, સુરતમાં 35.5 ડિગ્રી, ભાવનગરમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે માવઠાનો માર રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 48 કલાકમાં વાદળછાયું અને વરસાદી વાતાવરણ રહેવાનું અનુમાન છે.

મહારાષ્ટ્રમાં કેવો રહેશે મોસમનો મિજાજ

મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યું છે અને હવામાન વિભાગે 26 ફેબ્રુઆરીના રોજ મુખ્યત્વે સૂકું અને ગરમ વાતાવરણ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેશે. આના કારણે બપોરે તડકાનો અનુભવ થશે.

દેશના અન્ય રાજ્યોનું હવામાન

ઉત્તર ભારતમાં ધીમે ધીમે ગરમી વધવા લાગી છે. ભારતીય હવામાન વિભાગ મુજબ, 3 રાજ્યોમાં વરસાદની સાથે તોફાની પવન પરેશાની વધારશે. પહાડી રાજ્યોમાં બરફવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. આઈએમડીના લેટેસ્ટ અપડેટ મુજબ, ઉત્તર ભારતના ત્રણ રાજ્ય અને દક્ષિણના બે રાજ્યમાં વરસાદની આગાહી છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, તેલંગાણા અને કર્ણાટકમાં વરસાદ પડી શકે છે. 

 

દિલ્હીમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ પ્રમાણે દિલ્હીમાં આજે વરસાદની સંભાવના નથી. દિવસના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં પણ ગરમીનો પારો વધી રહ્યો છે. આકરા તાપ અને વધતા તાપમાનથી લોકો અત્યારથી જ પરેશાન થઈ ગયા છે. બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.