અમદાવાદ-નવી દિલ્હીઃ દેશમાં મોસમનો મિજાજ ફરી એક વખત બદલાયો છે. દિલ્હી-એનસીઆરથી લઈ ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે પવન, આંધી, વરસાદ અને વીજળી પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં હવામાન અસ્થિર રહેશે.
દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા અને ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થવાની સંભાવના છે. બીજી તરફ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં લૂ અને ગરમ હવા લોકોની મુશ્કેલી વધારી શકે છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ સહિત ઘણા શહેરોમાં આજે તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, કચ્છમાં હીટવેવના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી ચાર જિવસ સુધી આ પ્રકારનું જ વાતાવરણ રહી શકે છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહ્યું હતું. અનેક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઊંચું નોંધાયું હતું. સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. દક્ષિણ ગુજરાતના સુરત અને સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, પોરબંદર, કેશોદ, કંડલા એરપોર્ટ જેવા વિસ્તારોમાં હીટવેવેની સ્થિતિ અનુભવાઈ હતી. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાનમાં સામાન્ય કરતા નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
મહારાષ્ટ્રમાં કવો રહેશે મોસમનો મિજાજ
મહારાષ્ટ્રમાં થોડા દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બનશે અને ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠવાડા તેમજ વિદર્ભના અનેક જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજસ્થાનમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આ સપ્તાહે રાજ્યના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45-47 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિભાગોમાં આગામી દિવસોમાં ન્યૂનતમ અને અધિકતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.
પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં આગામી ચાર દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી-એનસીઆરમાં આંધી અને વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં વીજળીના કડકા ભડાકા સાથે ભારે વરસાદ અને કરા પડવાનું એલર્ટ છે.
બિહારના ઘણા વિસ્તારમાં આજે ભારે વરસાદ અને આંધીનું એલર્ટ છે. ઉપરાંત 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વીજળી પડવાની પણ શક્યતા છે. ઝારખંડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે.