Sun Jul 26 2026

Logo

થ્રિસુરના મંદિરમાં હાથી વિફર્યો: યુવકને સૂંઢમાં પકડી હવામાં ફંગોળ્યો, જુઓ વાયરલ વીડિયો

2026-02-26 17:57:00
Author: Mumbai Samachar Team
Article Image

થ્રિસુર: દક્ષિણ ભારતના મોટા ભાગના જાહેર મેળા-મહોત્સવમાં ખાસ કરીને ગજરાજોની હાજરી અનિવાર્ય માનવામાં આવે છે, પરંતુ ક્યારેક આ ગજરાજોનો આક્રોશ મોટી દુર્ઘટનામાં પરિણમે છે. થ્રિસુરમાં યોજાયેલા એક મંદિર ઉત્સવમાં પણ આવી જ ચોંકાવનારી ઘટના બની હતી, જ્યારે હજારો શ્રદ્ધાળુઓ ઉત્સવનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે એક શણગારેલો હાથી અચાનક આક્રમક બનીને યુવકને સૂંઢમાં પકડીને ફેંક્યો હતો. જોકે, આ આખી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ યુવકની સાથે હાથી પરના વધતા અત્યાચારો કે મહાવતની બેદરકારી મુદ્દે સવાલ કર્યા હતા.

મંદિર પરિસરમાં ચાલી રહેલી ધાર્મિક વિધિઓ દરમિયાન બનેલી આ ઘટનામાં વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક વ્યક્તિ હાથી પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન હાથીની બરાબર સામે ઉભેલો એક અન્ય યુવક ગજરાજની ચપેટમાં આવી ગયો હતો. હાથીએ પલકવારમાં તેને પોતાની સૂંઢમાં પકડી લીધો અને હવામાં ઊંચે ઉઠાવીને પૂરી તાકાતથી જમીન પર ફંગોળ્યો હતો. યુવકને જમીન પર પછાડાતા જ તે લોહીલુહાણ થઈ ગયો હતો અને ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હાથીના આ હુમલા બાદ ઉત્સવમાં અફડાતફડી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. લોકોએ જીવ બચાવવા આમ-તેમ દોડવા લાગ્યા હતા. જોકે, હાથીના મહાવતોએ તરત જ હિંમત બતાવીને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને ભારે જહેમત બાદ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત હાલ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

કેરળમાં મંદિર ઉત્સવો દરમિયાન હાથીઓ બેકાબૂ થવાની આ પહેલી ઘટના નથી. ભીડભાડવાળી જગ્યાએ ઘોંઘાટ અને ધમાલને કારણે ક્યારેક શાંત ગણાતા હાથીઓ પણ હિંસક બની જતા હોય છે. આ ઘટનાએ ફરી એકવાર ધાર્મિક ઉત્સવોમાં પ્રાણીઓના ઉપયોગ અને ભીડની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક પ્રશાસન હવે આ મામલે તપાસ કરી રહ્યું છે કે શું આ ઘટનામાં આયોજકો કે મહાવતની કોઈ બેદરકારી હતી કે કેમ.