કિશોર વ્યાસ
માત્ર ઇશ્વર મહાન છે. કોઇ પણ સદ્કાર્ય માટે એ માણસને નિમિત બનાવે છે. ઇશ્વર પાસે સદ્કાર્ય સિવાય કંઇ જ નથી. એટલે જ એક ચોવકમાં સનાતન સ્વરૂપે વણી લેવામાં આવ્યું છે કે, કરણવારી કુદરત માડૂ નીમીત માતર ચોવકમાં જે ‘કરણવારી’ શબ્દનો પ્રયોગ થયો છે, તેનો અર્થ ‘કરવાવાળી’ થાય છે. પણ કચ્છની જુદી જુદી જ્ઞાતિમાં અને પ્રદેશમાં ‘કરણવારી’ના બદલે ‘કે વારી’, ‘કરેવારી’ વગેરે શબ્દો પ્રયોજાય છે. જેનો અર્થ પણ ‘કરવાવાળી’ જ થાય છે. અર્થ અને ભાવાર્થ સ્પષ્ટ છે કે, કરવાવાળી તો કુદરત છે, મનુષ્ય માત્ર નિમિત્ત જ બને છે!
કુદરત પર આ રીતે શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો દર્શાવતી બીજી પણ એક ચોવક છે: ‘અંધેજી મા જ અલ્લા રખવારો’. ‘અંધેજી’ એટલે આંધળાની, રખવારોનો અર્થ થાય છે, આધાર કે સંભાળ લેનાર. પુત્ર આંધળો હોય બને યા નિરાધાર બની ગઇ હોય તેની સંભાળ ભગવાન રાખે છે, એમ ચોવકને કહેવું છે. બીજો એવો પણ અર્થ થઇ શકે કે, ‘જેનું કોઇ નથી હોતું તેનો ભગવાન છે.’
છઠ્ઠીના લેખ! આપણે આસ્થાપૂર્વક માનીએ છીએં કે, આપણા સુખ-દુ:ખનો તમામ હિસાબ એ લેખ-લખેલો હોય છે. છઠ્ઠીના લેખમાં લખ્યા મુજબની ઘટના જ ક્રમસર માનવ જીવનમાં બનતી રહે છે. પણ દુ:ખથી પરેશાન કોઇ પણ વ્યક્તિની વ્યથા અને આક્રોશ આ ચોવક વ્યક્ત કરે છે: ‘જ મિલે વિધાતા રોડે વઢીયાં નક’ જબરદસ્ત આક્રોશ છે. આ ચોવકમાં, અર્થ એવો થાય છે કે, ‘જો મળે વિધાતા તેનું નાક કાપી નાખું’! ‘રોડે’ શબ્દનો અર્થ છે. સખત પ્રહાર કરીને ! ‘વઢીયાં’ એટલે વાઢી નાખું કે કાપી નાખું અને ‘નક’ એટલે નાક.
તેમ છતાં પણ આપણા જીવનમાં શ્રદ્ધાનું સ્થાન બહુ જ મહત્ત્વનું છે. ઇશ્વર પર અપાર શ્રદ્ધા રાખને કરેલું કાર્ય પાર પડે જ, એટલા શ્રદ્ધાવાન આપણે છીએ. શ્રદ્ધા ખરેખર તો ‘બળ’ આપે છે અને ઇશ્વર ‘કળ’ આપે છે. કચ્છી એટલે જ આ ચોવક છે : ‘જુકો જેડી ધારે માલક તેડો તેં કેડો પારે’ શ્રદ્ધાની પરીસીમાં દર્શાવતી આ ચોવક છે. સીધો અર્થ એવો થાય છે કે , ‘કોઇ જેટલી અને જેવી શ્રદ્ધા ઇશ્વરમાં ધરાવે, તેટલા પ્રમાણમાં જ ઇશ્વર તેની ઇચ્છા પૂરી કરે! ‘જેડી’ એટલે જેવી અને ‘ધારે’ એટલે કે શ્રદ્ધા રાખે. ‘માલક’ એટલે ઇશ્વર. ‘પારે’નો અર્થ છે, પાળે કે ઇચ્છા પૂરી કરે.
વળી પાછું બીજી એક ચોવક એમ પણ કહે છે કે ‘ડેવ તેડા થાર’ જેવા દેવ તેવો થાળ! બહુ અર્થી આયામ ધરાવે છે આ ચોવક. દેવની કક્ષા નક્કી કરનારા આપણે કોણ? તો ભાવાર્થ એવો હોઇ શકે કે, આપણી શક્તિ-ક્ષમતા કે સગવડ મુજબ દેવને થાળ ધરાવાય! આવી પાત્રતા દર્શાવતી બીજી પણ ચોવક કચ્છીમાં વપરાય છે : ‘ડેવ તેડયૂં અઠાઇયું’ અર્થ એ જ થાય કે, જેવા દેવ તે પ્રમાણે તેના પૂજા-પાઠ કે વ્રત જાપ કરવા જોઇએ!
એટલે જ કહેવાય છે કે, ઇશ્વર પર મૂકેલી શ્રદ્ધા કયારેય અફલિત રહેતી નથી. બધાને કહેતા ન ફરાય કે દુઆ કરજો! શ્રદ્ધા સ્થાન એક જ અને બળવત્તર શ્રદ્ધાવાળું હોવું જોઇએ. એ પ્રકારનો નિર્દેશ આપતી ચોવક પણ પ્રચલિત છે: ‘ડેવ ડેવસ્થાન છડે, ને ખેતરપારજી ન થીયે’ મતલબ કે દેવ-દેવસ્થાનાં છોડીને ક્ષેત્રપાળની ભક્તિ ન કરાય.
ક્ષેત્રપાળ એ ક્ષેત્ર રક્ષક છે, પણ એ દેવ-દેવી કે દેવસ્થાનાંની ઉપરવટ ન જઇ શકે! ક્ષેત્રપાળ શેષનાગનું સ્વરૂપ છે. આપવા વાળો કે પ્રાર્થનાનું પરિણામ આપનારો ઇશ્વર જ છે અને દરેકને તેની પાત્રતા મુજબ એ આપતો રહે છે. ‘ભગવાન સઉં ત નિત નઉં’ અહીં ‘સઉં’નો અર્થ કૃપા અને ‘નઉં’ એટલે નવું. મતલબ કે હોય જો ઇશની કૃપા તો રોજ નિત નવનીત મળે!