Mon Sep 07 2026

Logo

વિદેશથી સોનાનાં ઘરેણાં, મોબાઈલ ધરાવતું પાર્સલ આવ્યાનું જુઠ્ઠાણું ચલાવી વૃદ્ધા સાથે લાખોની ઠગાઇ

2026-04-30 18:11:00
Author: Yogesh D. Patel
વિદેશથી સોનાનાં ઘરેણાં, મોબાઈલ ધરાવતું પાર્સલ આવ્યાનું જુઠ્ઠાણું ચલાવી વૃદ્ધા સાથે લાખોની ઠગાઇ

Gemini Ai Generated Image


થાણે: વિદેશથી તમારા નામે સોનાનાં ઘરેણાં અને હાઇ-એન્ડ મોબાઇલ ધરાવતું પાર્સલ આવ્યાનું જુઠ્ઠાણું ચલાવી 61 વર્ષની વૃદ્ધા સાથે 15.76 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી, એમ પોલીસ અધકારીએ જણાવ્યું હતું.

થાણે રેલવે સ્ટેશનની નજીક રહેતી અને દુબઇમાં કેરટેકર તરીકે કામ કરતી વૃદ્ધાને તેના દુબઇના મોબાઇલ નંબર પર 14 એપ્રિલે બે વ્યક્તિએ કૉલ કર્યો હતો અને જણાવ્યું હતું કે તમારું સોનાનાં ઘરેણાં અને હાઇ-એન્ડ મોબાઇલ ધરાવતું પાર્સલ ઇટલીથી મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યું છે, એમ નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.

તેમણે વૃદ્ધાને જણાવ્યું હતું કે 22 એપ્રિલ સુધી આ ક્ધસાઇનમેન્ટ ક્લિયર કરવું જરૂરી છે અને જો તે ક્ધસાઇનમેન્ટ ક્લિયર કરવામાં નિષ્ફળ જશે તો તેને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે અને દુબઇ પાછી જવા દેવાશે નહીં, એવી ધમકી પણ વૃદ્ધાને આપી હતી.

આરોપીઓએ વૃદ્ધાને અલગ-અલગ મોબાઇલ નંબર પરથી અનેક કૉલ્સ કર્યા હતા અને વોટ્સઍપ પર બૅંક અકાઉન્ટ નંબર મોકલીને રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી.

ધરપકડના ડરથી અને દબાણ હેઠળ વૃદ્ધાએ તેને આપેલા વિવિધ બૅંક અકાઉન્ટમાં 15.76 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે ત્યાર બાદ પણ વૃદ્ધાને કૉલ કરીને વધુ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. પોતે છેતરાઇ હોવાનું ધ્યાનમાં આવતાં વૃદ્ધાએ નૌપાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને મંગળવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની શોધ આદરી હતી.

(પીટીઆઇ)