Thu Aug 27 2026

Logo

થાણે-મુલુંડ વચ્ચે બનનારા નવા રેલવે સ્ટેશનનું નામ 'ધર્મવીર આનંદ દિઘે' રાખવાની માગણી

2026-03-17 18:16:15
Author: Mumbai Samachar Team
થાણે-મુલુંડ વચ્ચે બનનારા નવા રેલવે સ્ટેશનનું નામ 'ધર્મવીર આનંદ દિઘે' રાખવાની માગણી

મુંબઈ: મહારાષ્ટ્રના થાણે અને મુલુંડ વચ્ચે આગામી રેલવે સ્ટેશનનું નામ પક્ષના દિવંગત નેતા આનંદ દિઘેના નામ પર રાખવામાં આવે એવી માંગણી શિવસેનાના સંસદ સભ્ય નરેશ મ્હસ્કેએ કરી જણાવ્યું હતું કે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે નવા સ્ટેશનના નિર્માણ માટે 250 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે અને આ પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે. 

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદે વતી  મ્હસ્કેએ  સોમવારે સંસદમાં માગણી કરી હતી કે થાણે અને મુલુંડ વચ્ચેના નવા સ્ટેશનનું નામ 'ધર્મવીર આનંદ દિઘે સ્ટેશન' હોવું જોઈએ. દિઘે શિવસેનાના વરિષ્ઠ નેતા અને શિંદેના માર્ગદર્શક હતા.

મુસાફરોના મુદ્દાઓ પર પ્રકાશ પાડતા મ્હસ્કેએ જણાવ્યું હતું કે થાણેની લગભગ 26 લાખની વસ્તી માટે રેલવે પરિવહનનું પ્રાથમિક માધ્યમ છે. નવું સ્ટેશન વ્યસ્ત થાણે રેલવે સ્ટેશનની ભીડ ઘટાડવામાં મદદ કરશે.

મ્હસ્કેએ થાણે સ્ટેશનના અપગ્રેડેશન માટે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રજૂ કરાયેલ 949 કરોડ રૂપિયાની દરખાસ્તને વહેલી તકે મંજૂરી આપવા પણ વિનંતી કરી હતી. થાણે સ્ટેશન પર ઈમરજન્સી મેડિકલ ક્લિનિક ફરીથી ખોલવા અને કોવિડ -19 રોગચાળા દરમિયાન બંધ કરવામાં આવેલી વરિષ્ઠ નાગરિકોની છૂટછાટોને ફરી શરૂ કરવા સહિત અન્ય ઘણી માંગણીનો સમાવેશ થાય છે. 

સંસદસભ્યએ મુંબઈ અને ચિપલુણ (રત્નાગિરી જિલ્લામાં) વચ્ચેની સેવાઓ અને થાણેને કસારા, કરજત અને ખોપોલી (રાયગઢ જિલ્લામાં) સાથે જોડતી વધારાની શટલ સ્થાનિકો સહિત વિશેષ અને ઉપનગરીય ટ્રેનો વધારવાની માંગ કરી હતી. 
(પીટીઆઈ)