Mon Sep 14 2026

Logo

સગીરે બેફામ કાર દોડાવી સાઈકલિંગ માટે નીકળેલા બિઝનેસમૅનને અડફેટે લીધો

2026-03-26 17:56:00
Author: Yogesh C. Patel
સગીરે બેફામ કાર દોડાવી સાઈકલિંગ માટે નીકળેલા બિઝનેસમૅનને અડફેટે લીધો

કારે એટલી જોરદાર ટક્કર મારી કે સાઈકલ સાથે બિઝનેસમૅન હવામાં ફંગોળાયો: સગીર તાબામાં

થાણે: કલ્યાણમાં 17 વર્ષના સગીરે બેફામ કાર દોડાવી સાઈકલિંગ માટે નીકળેલા બિઝનેસમૅનને અડફેટે લેતાં તેનું મૃત્યુ થયું હતું. કારે એટલી જોરદાર ટક્કર મારી હતી કે સાઈકલ સાથે બિઝનેસૅમને હવામાં ફંગોળાઈને દૂર પટકાયો હતો. ઘટના બાદ ફરાર થઈ ગયેલા સગીરને પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી પકડી પાડ્યો હતો.

ખડકપાડા પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની રાતે આઠ વાગ્યાની આસપાસ કલ્યાણના રિંગ રોડ પર બની હતી. આ માર્ગનું કામ હજુ અધૂરું હોવાથી વાહનો સંભાળીને ચલાવવાં પડે છે.

અનેક ગાર્મેન્ટ સ્ટોર્સનો માલિક શ્રીનિવાસ તાંડલે (42)એ ફિટનેસ માટે સાઈકલિંગ શરૂ કર્યું હતું. સાઈકલિંગના પહેલા જ દિવસે આ ઘટના બની હતી. શ્રીનિવાસ સાઈકલ પર પસાર થતો હતો ત્યારે પુરપાટ વેગે આવેલી કારે તેને ટક્કર મારી હતી. ટક્કરને કારણે શ્રીનિવાસ હવામાં ફંગોળાઈને દૂર પટકાયો હતો. અકસ્માત બાદ સગીર કાર સાથે ઘટનાસ્થળેથી રવાના થઈ ગયો હતો.

ગંભીર રીતે ઘવાયેલા બિઝનેસમૅનને હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. દરમિયાન પોલીસે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે કારને ઓળખી કાઢી હતી. ટ્રેસ કરતાં કાર કલ્યાણની એક બિલ્ડિંગ નીચે પાર્ક હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ કારના માલિક સુધી પહોંચી ત્યારે ઘટના સમયે સગીર કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે સગીરને તાબામાં લઈ તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે ખડકપાડા પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)