Sat Apr 18 2026

Logo

રોકાણકારો સાથે 4.31 કરોડ રૂપિયાની છેતરપિંડી: કંપનીના ડિરેક્ટર્સ વિરુદ્ધ ગુનો

2026-04-17 20:51:20
Author: Yogesh C Patel
Article Image

થાણે: વિવિધ સ્કીમ્સમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચે રોકાણકારો પાસેથી 4.31 કરોડ રૂપિયા પડાવીને કથિત છેતરપિંડી કરવા બદલ કંપની અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કથિત કૌભાંડની તપાસ આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ વિવિધ સ્કીમ્સ રોકાણકારો સામે મૂકી હતી. આ સ્કીમમાં રોકાણ કરેલી રકમ પર ઊંચા વળતરની લાલચ આપવામાં આવી હતી. 2017થી 2022 દરમિયાન આ સ્કીમ્સ હેઠળ આરોપીઓએ રોકાણકારો પાસેથી નાણાં પડાવ્યાં હતાં.

રોકાણકારો પાસેથી મોટી રકમ લીધા પછી આરોપીઓ વળતર ચૂકવી શક્યા નહોતા. એ સિવાય પાકતી મુદતે મૂળ રકમ પણ ચૂકવી નહોતી. વારંવાર પૂછપરછ કરતાં રોકાણકારોને ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા, એવું ફરિયાદમાં જણાવાયું હતું.

આ પ્રકરણે એક રોકાણકારે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. એ રોકાણકારે 24.82 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. બાદમાં અન્યા રોકાણકારો પણ સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં 4.31 કરોડ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે 13 એપ્રિલના થયેલી ફરિયાદની પ્રાથમિક તપાસ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની તપાસ આર્થિક ગુના શાખા કરી રહી છે. (પીટીઆઈ)