Thu May 28 2026

Logo

થાણેની હોસ્પિટલમાં તબીબી બેદરકારીને કારણે નેતાની પત્નીનું મૃત્યુ, કોંગ્રેસનો આરોપ: કાર્યવાહીની માગણી

2026-05-28 18:34:01
Author: Vipul Vaidya
Article Image

થાણે: કોંગ્રેસે ગુરુવારે એવો આરોપ લગાવ્યો હતો કે થાણેના કલવામાં આવેલી પાલિકા સંચાલિત છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં તબીબી બેદરકારીને કારણે સ્થાનિક નેતાની પત્નીનું મૃત્યુ થયું હતું. 

પાર્ટીએ જણાવ્યું કે કલવા બ્લોક કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્ર શેટ્ટીના પત્ની સંગીતા શેટ્ટીનું 26મી મેના રોજ બીજી સુવિધામાં ખસેડતી વખતે મૃત્યુ થયું હતું. 

‘તેમને હોસ્પિટલના આનંદ દિઘે હૃદય રોગ કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ‘બેડ ઉપલબ્ધ ન હોવા’ના બહાના હેઠળ દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આયુષ્યમાન ભારત યોજનાની દસ્તાવેજી પ્રક્રિયામાં ફસાઈ જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું,’ એમ થાણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાહુલ પિંગલેએ જણાવ્યું હતું. 

પિંગલેએ હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું અને જવાબદાર ડોકટરો અને વહીવટી કર્મચારીઓ સામે ગુનાહિત હત્યાનો કેસ દાખલ કરવાની માગણી કરી હતી. 

મૃતકના પરિવારને વળતર તરીકે 25 લાખ રૂપિયા આપવા જોઈએ, એમ પણ પિંગલેએ જણાવ્યું હતું. 
‘જો થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન 6 જૂન સુધીમાં આ મામલે કાર્યવાહી નહીં કરે, જેમાં દોષિત સ્ટાફને બરતરફ કરવાનો પણ સમાવેશ થાય છે, તો કોંગ્રેસ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરશે,’ એમ પણ તેમણે કહ્યું હતું. 
પીડિતાના પતિને સંબોધિત પત્રમાં હોસ્પિટલના ડીન ડો. સ્વપ્નાલી કદમે જણાવ્યું હતું કે આંતરિક તપાસ ચાલી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે હોસ્પિટલ છઠી જૂન સુધીમાં તેના સત્તાવાર તારણો સાથે પરત ફરશે.