Mon Sep 14 2026

Logo

રેલવે પરીક્ષા હુમલા કેસ: થાણે કોર્ટે મનસે પ્રમુખ રાજ ઠાકરેને કર્યા નિર્દોષ જાહેર

2026-05-21 20:17:23
Author: Mumbai Samachar Team
રેલવે પરીક્ષા હુમલા કેસ: થાણે કોર્ટે મનસે પ્રમુખ રાજ ઠાકરેને કર્યા નિર્દોષ જાહેર

MNS chief Raj Thackeray


મુંબઈઃ થાણેની એક કોર્ટે આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે સહિત તમામ આરોપીઓને 2008માં કલ્યાણ રેલવે સ્ટેશન પર રેલવે ભરતી બોર્ડના પરીક્ષાર્થીઓ પર મનસે કાર્યકરો દ્વારા કરવામાં આવેલા કથિત હુમલાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.

આ કેસમાં ઠાકરે સહિત આઠ વ્યક્તિઓને આરોપી ગણવામાં આવ્યા હતા. બે આરોપીઓનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. આરોપીઓનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ શૈલેષ સાદેકરે મીડિયાને જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. જો કે,વિગતવાર આદેશ હજુ સુધી આવ્યો નથી.

ટ્રાયલ દરમિયાન, બચાવ પક્ષે દલીલ કરી હતી કે ચાર્જશીટ કે મૌખિક પુરાવાઓથી 2008 માં કલ્યાણ ખાતે રેલવે ભરતી બોર્ડના પરીક્ષાર્થીઓ પર થયેલા કથિત હુમલાના સ્થળે ઠાકરેની હાજરી સાબિત થતી નથી. એવી પણ દલીલ કરી હતી કે ફરિયાદ પક્ષ મનસેના વડા દ્વારા કથિત રીતે કરવામાં આવેલા ઉશ્કેરણીજનક ભાષણોના કોઈ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે. ફરિયાદ પક્ષના સાક્ષીઓ પણ કથિત આરોપીને ઓળખી શક્યા નથી.

વધુમાં દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે લગભગ 150 વિદ્યાર્થીઓ રેલ્વે પરીક્ષામાં હાજર રહ્યા હતા, પરંતુ કોર્ટ સમક્ષ કોઈ પ્રવેશપત્ર, ઓળખ પુરાવા અથવા સંબંધિત રેકોર્ડ રજૂ કરવામાં આવ્યા નથી.