Fri May 15 2026

Logo

હત્યા બાદ સિવિલ એન્જિનિયરનું શબ ડ્રમમાં ભરી નાળામાં ફેંક્યું: નર્સ અને તેના ભાઈની ધરપકડ

2026-05-15 18:00:52
Author: Yogesh C. Patel
Article Image

થાણે: ખંડણી માટે હત્યા કર્યા બાદ સિવિલ એન્જિનિયરનું શબ ડ્રમમાં ભરીને વસઈના નાળામાં ફેંકી દેવાનો કેસ મહિના બાદ ઉકેલાયાનો દાવો કરી પોલીસે નર્સ અને તેના ભાઈની ધરપકડ કરી હતી.
મુંબ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ખંડણી માટે અરબાઝ ખાન (24)ની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જણાયું હતું.

ડોમ્બિવલીની ખાનગી કંપનીમાં કામ કરતો ખાન કામનું પેમેન્ટ લેવા માટે ત્રીજી એપ્રિલે દાદર જવા નીકળ્યા પછી ગુમ થઈ ગયો હતો. તેના પિતાએ મિસિંગની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. ખાનના મોબાઈલ કૉલ ડેટા તપાસી પોલીસ નર્સ મેહઝબીન શેખ સુધી પહોંચી હતી. ખાન અને મેહઝબીન વચ્ચે પ્રેમ હતો, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ખાનના મોબાઈલ ફોનનું છેલ્લું લૉકેશન વસઈમાં ટ્રેસ થયું હતું અને એ જ સમયે મેહઝબીન પણ વસઈ પરિસરમાં હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસને ખાનનો કોહવાયેલો મૃતદેહ મુંબઈ-અમદાવાદ હાઈવે પર વિરાર ફાટા પાસેના નાળામાંથી પાંચમી એપ્રિલે મળી આવ્યો હતો.

મેહઝબીને ખાનને અમુક નાણાં આપ્યાં હતાં, જે તે પાછાં માગી રહી હતી. ખંડણી વસૂલવાને ઇરાદે મેહઝબીન અને તેના કુટુંબીજનોએ ખાનને વસઈના નિર્જન પરિસરમાં બોલાવ્યો હતો. હાથ-પગ બાંધ્યા પછી પીવીસી પાઈપથી ફટકારતાં ખાનનું મૃત્યુ થયું હતું. બાદમાં આરોપીઓએ ખાનના શબને ડ્રમમાં ભર્યું હતું અને નાળામાં ફેંકી દીધું હતું, એવું અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ તપાસ બાદ મેહઝબીન અને તેના ભાઈ તારીક શેખની ધરપકડ કરી હતી. મેહઝબીનનો પતિ હસન અને તેનો સાથી મુજઝમ તાલિબ ખાન ફરાર હોવાથી તેમની શોધ ચલાવાઈ રહી છે, એમ મુંબ્રા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અનિલ શિંદેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)