નવી મુંબઈઃ થાણે-બેલાપુર રોડ પર રબાલે વિસ્તારમાં એમએમઆરડીએ દ્વારા ચાલી રહેલા પુલના કામને કારણે 27 મેથી રાત્રિ દરમિયાન ટ્રાફિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ભારત બિજલી અને સિમેન્સ કંપની વિસ્તારમાં પુલ પર ગર્ડર બેસાડવાનું કામ હાથ ધરવાનું હોવાથી 27 મેના રાત્રે 11 વાગ્યાથી 4 જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી દરરોજ ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવશે.
આ સમયગાળા દરમિયાન થાણે-બેલાપુર રોડના કેટલાક ભાગો અસ્થાયી રૂપે બંધ રહેશે, તેથી ટ્રાફિક પોલીસે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી હતી કે સલામતીના કારણોસર ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. રાત્રિના સમયે થાણે-બેલાપુર રોડ પર ભારે ટ્રાફિક રહેતો હોવાથી ટ્રાફિક જામ ટાળવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
થાણેથી બેલાપુર જતા ભારે વાહનોને મુકુંદ કંપનીથી એમઆઈડીસીના આંતરિક રસ્તાઓ તરફ વાળવામાં આવશે. જયારે નાના વાહનો માટે ભારત બિજલી ચોકથી ફાયર બ્રિગેડ ચોક અને ત્યાંથી ખેડેકર ચોક સુધી વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.
બેલાપુરથી થાણે જતા વાહનો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનોને રબાળે નાકાથી જમણી તરફ વાળવામાં આવશે અને એમઆઈડીસી ના આંતરિક રસ્તાઓ દ્વારા મુકુંદ કંપની થઈને આગળ વધવા દેવામાં આવશે. થાણે જતા વાહનોને રબાળે નાકા, દિવાગાંવ સર્કલ અને ટી-પોઈન્ટ થઈને આગળ વધવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
આ કાર્યને કારણે થાણે-બેલાપુર રોડ તેમજ રબાળે, મહાપે અને ઘનસોલી વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ટ્રાફિક જામ થવાની શક્યતા છે. ટ્રાફિક પોલીસે એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અથવા લાંબા અંતરની મુસાફરી માટે બહાર નીકળનારાઓને તેમની મુસાફરીનું આયોજન તે મુજબ કરવાની અપીલ કરી છે. વહીવટીતંત્રે ટ્રાફિક જામ ટાળવા માટે શક્ય હોય તો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી છે.