સૈકાઓ પહેલાં વિદેશી આક્રમણખોરો આપણાં ધર્મસ્થાનોને લૂંટી જતાં. આજે પણ એ બેફામ લૂંટફાટ ચાલુ જ છે. મંદિરો પણ આપણાં ને લૂંટારુઓ પણ ઘરના! આવી ‘ધન જિહાદ’ સામે આપણે ચૂપ કેમ છીએ?
કવર સ્ટોરી - વિજય વ્યાસ
આ વાતની શરૂઆત ફ્લૅશબૅકથી કરીએ...
હાલના અફઘાનિસ્તાનમાં આવેલા ગઝનીના સુલતાન અબુ અલ-કાસિમ મહમૂદ ઈબ્ન સાબુક્તિગિન ઉર્ફે મહમૂદ ગઝનીએ ઈસવી સન 1026માં 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી એમ સળંગ 3 દિવસ સુધી સોમનાથ પર આક્રમણ કર્યું હતું. સોલંકી યૌદ્ધા અને સોમનાથના બ્રાહ્મણોએ જોરદાર પ્રતિકાર કરીને બે વાર ગઝનીની સેનાને પીછેહઠની ફરજ પાડી, પણ છેવટે ગઝનીની સેના જીતી. 50 હજાર હિંદુઓની હત્યા કર્યા પછી ગઝનીની સેના ભગવાન સોમનાથ મહાદેવના મંદિરમાં પ્રવેશી.
મહમૂદ પણ મંદિરમાં પ્રવશ્યોે અને શિવલિંગને તોડી નાખ્યું. ગઝનીની સેનાએ મંદિરમાં ભારે લૂંટ ચલાવી. સોમનાથ મંદિર સોનાનું બનેલું હતું એવું કહેવાય છે. મંદિરમાં હીરા-ઝવેરાતનો મોટો ખજાનો હતો ને હજારો સોનાના સિક્કા હતા. મહમૂદ આ બધું લૂંટીને ગઝની લઈ ગયો. ભગવાનના શિવલિંગને પણ તોડીને પોતાની સાથે લઈ ગયો અને પોતાના મહેલનાં પગથિયાંના પથ્થરોમાં શિવલિંગ જડાવ્યું કે જેથી રોજ તેના પર પગ મૂકીને મહેલમાંથી બહાર નીકળે ને મહેલમાં પ્રવેશે.
મહમૂદ ગઝની ભારતમાં મંદિરો લૂંટનારો પહેલો આક્રમણખોર હતો પણ છેલ્લો નહોતો. ભારતમાં મંદિરો તોડીને લૂંટવાનો ઇતિહાસ બહુ લાંબો છે. ગઝની પછી અલ્લાઉદ્દીન ખિલજી, ઉલુઘ ખાન, મલિક કાફુર, ઔરંગઝેબ સહિતના ઘણા આક્રમણખોરોએ હિંદુ મંદિરો તોડ્યાં અને લૂંટ્યાં. મહમૂદ ગઝની સોમનાથ મંદિરમાંથી એ જમાનામાં 2 કરોડ દિનારનો ખજાનો લૂંટી ગયેલો એવા ઐતિહાસિક સંદર્ભ મળે છે. બીજા આક્રમણખોરો શું લૂંટી ગયા તેની વિગતો બહુ મળતી નથી પણ આ રકમ બહુ મોટી જ હશે એ ઉમેરવાની જરૂર નથી.
કટ ટુ પ્રેઝન્ટ...
ભારતમાં આ ગઝની, ખિલજી કે ઔરંગઝેબની ઔલાદો હજુ જીવે છે ને હિંદુ બનીને જીવે છે...! સાંભળીને આઘાત લાગશે પણ હમણાં હમણાંથી હિંદુ મંદિરોમાં બેફામ લૂંટની ઘટનાઓ બહાર આવી રહી છે એ જોતાં એવું જ લાગે છે.
અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાંથી અબજો રૂપિયાના દાનની ઘટના બહાર આવી એ પછી એક પછી એક મંદિરમાંથી દાન-ચોરીની વાતો બહાર આવી રહી છે એ જોયા પછી એવું જ લાગે કે ગઝની સહિતના મુસ્લિમ આક્રમણખોરો ભલે સદીઓ પહેલાં મરી ગયા, પણ તેમની ઔલાદો કે નાજાયજ ઔલાદોને અહીં છોડી ગયા છે. એ સિવાય કોઈ હિંદુ પોતાના જ ધર્મના મંદિરમાં કઈ રીતે લૂંટ ચલાવી શકે?
મહમૂદ ગઝની સહિતના આક્રમણખોરો બહારના હતા, ધર્માંધ કટ્ટરવાદી અને હિંદુ વિરોધી હતા તેથી મંદિરો તોડીને ખજાનો લૂંટી ગયા તેમાં નવાઈ નથી, પણ હિંદુઓ હિંદુ મંદિરોમાં લૂંટ ચલાવીને અબજો રૂપિયા ઘરભેગા કરી નાખે તેના માટે બીજું શું કારણ હોઈ શકે? એ જ કે તેમની નસોમાં વહેતું લોહી હિંદુનું નથી પણ ગઝની, ખિલજી કે ઔરંગઝેબ જેવા કોઈ કટ્ટરવાદી મુસલમાનનું છે.
પહેલાં દાણચોરો દક્ષિણ ભારતનાં ચૌલ, પલ્લલ, પાંડ્યા વંશના શાસન દરમિયાન બનેલાં મંદિરોમાંથી ભવ્ય મૂર્તિઓની ચોરી કરાવીને વિદેશોમાં કરોડોમાં વેચતા. આ ચોરી અને દાણચોરીનો ધંધો ચોરીછૂપીથી ચાલતો જ્યારે અત્યારે તો સીધી મંદિરને મળતા દાનની રકમ અને કીંમતી ભેટો પર જ ધાપ મરાય છે. અયોધ્યાના રામલલ્લાના મંદિરમાં મરાયેલી ધાપનો આંકડો તો 400 કરોડની આસપાસ હોવાનું કહે છે. આ ચોરી માટે ઉત્તર પ્રદેશ સરકારે રચેલી સ્પશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ 8 લોકોની ધરપકડ પણ કરી છે ને આ બધાં હિંદુ જ છે. તપાસ હજુ ચાલુ જ છે ને હજુ બીજાની ધરપકડ પણ થશે ને એ બધા પણ હિંદુ જ હશે કેમ કે અયોધ્યાના મંદિરમાં વહીવટથી માંડીને દાનની રકમ ગણવા સુધીનાં કામોમાં હિંદુઓ જ સામેલ છે.
અયોધ્યાના મંદિરની ચોરીને પગલે બીજાં મંદિરોમાં થયેલી ચોરીની ઘટનાની વિગતો પણ બહાર આવી રહી છે. ગુજરાતમાં શક્તિપીઠ મા અંબાજીના તીર્થધામ દાનની રકમની ચોરી બદલ 3 લોકોની ધરપકડ કરાઈ છે. મા કાલિકાના ધામ પાવાગઢના મંદિરમાં ભક્તોએ ચઢાવેલી ચાંદી બદલીને નકલી ચાંદી ચડાવી દેવાઈ હોવાનો મામલો તો હાઈ કોર્ટ સુધી પહોંચેલો છે.
ઉત્તરાખંડમાં ચાર ધામ પૈકીના એક બદરીનાથ મંદિરમાં પણ દાનની રકમની ચોરીના કેસમાં મંદિરના જ ભૂતપૂર્વ કર્મચારી રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ થઈ છે. કેરળના જગવિખ્યાત સબરીમાલા મંદિરમાં દરવાજા પર લગાવાયેલાં સોનાનાં પતરાં અને પવિત્ર મૂર્તિનું સોનું પણ ગાયબ થઈ ગયું છે. આ ચોરી બદલ મંદિરના જ પૂજારીની ધરપકડ થઈ છે. રાજસ્થાનના નાગોરનાં 500 વર્ષ જૂના ચતુરદાસજી મહારાજ મંદિરમાંથી લગભગ 23 કરોડ રૂપિયાના દાનની ચોરી થઈ છે. આ બધી ચોરીમાં સત્તાવાર રીતે પોલીસ ફરિયાદો થઈ છે ને ધરપકડો પણ થઈ છે તેથી ખાલી હવામાં વાતો નથી.
આ બધાં પણ છેલ્લા કેટલાક મહિનાઓમાં બહાર આવેલી ઘટનાઓ છે. બહાર નહીં આવેલી ઘટનાઓની સંખ્યા કેટલી હશે એ તો આપણને પણ ખબર નથી, પણ આ બધી ઘટનાઓ જ સાબિત કરે છે કે આ દેશના હિંદુઓમાં પણ ગઝનીની ઔલાદો છે કે જેમને પોતાનાં ધર્મસ્થાનોમાં ચોરી કરતાં નથી કોઈ શરમ કે નથી ભગવાનનો ડર. ગઝનીએ તલવારના જોરે સોમનાથ મંદિર લૂંટેલું ને અત્યારના ગદ્દારો હિંદુ હોવાનો ગેરફાયદો ઉઠાવીને ભગવાનને લૂંટી રહ્યા છે.
આ તો દેખીતી લૂંટ થઈ, પણ હિંદુ મંદિરોમાંથી બીજી પણ એક લૂંટ થઈ રહી છે કે જે આપણને દેખાતી નથી. ધર્મભીરુ હિંદુઓ મંદિરોમાં યથાશક્તિ દાન આપવાથી પુણ્ય મળશે એવું માને છે તેથી આપણાં મંદિરોને દાનની લખલૂંટ આવક થાય છે. આ દેશમાં હજારો મંદિરો છે ને આ મંદિરોની દાનપેટીઓ આવાં દાનથી છલકાયા કરે છે. આ દાનનો પૈસો ક્યાં જાય છે એ હિંદુઓ કદી વિચારે છે? મીડિયામાં દેશનાં સૌથી ધનિક 10 મંદિર કયાંં ને 25 મંદિરો કયાં ને તેમની પાસે કેટલી સંપત્તિ છે તેની વિગતો છાસવારે છપાયા કરે છે પણ આ બધી સંપત્તિ ક્યાં જાય છે કદી કોઈએ વિચારે કર્યો છે ખરો? આ મંદિરોને મળતી રોકડ રકમ કે બીજી ચીજોનાં દાનમાંથી ઊપજતી રકમ પર હિંદુ સમાજનો અધિકાર છે, પણ આ રકમ ખરેખર હિંદુઓ માટે વપરાય છે કે નહીં તેની હિંદુઓ ચિંતા કરે છે ખરા?
આ દેશમાં કરોડો હિંદુઓ કારમી ગરીબીમાં સબડે છે ને બે ટંકનું ખાવાનું પણ નથી પામતા. કરોડો યુવાનો બેરોજગાર ફરે છે ને પોતાનો ખર્ચો ઉઠાવી શકે એવી નોકરી પણ નથી મેળવી શકતા. બહેન-દીકરીઓએ જીવતા રહેવા માટે શરીર વેચવા સહિતનાં ઘણાં ગંદાં કામ કુકર્મ કરવાં પડે છે. નિરાધાર વૃદ્ધોે લાચાર બનીને જીવે છે ને હિંદુઓ માટે પવિત્ર મનાતી ગાયો રસ્તે રઝળ્યા કરે છે. મંદિરો પાસેની અબજોની સંપત્તિ ને આવક આ હિંદુઓ પાછળ કેમ નથી ખર્ચાતી ?મંદિરોનો વહીવટ કરતા ટ્રસ્ટીઓ ને તેમના મળતિયા આ અબજોની આવક પર સાપ થઈને બેઠા છે, એ લોકો આ આવક પોતાના લાભાર્થે વાપરે છે- પોતે જલસા કરે છે. આ બહુ મોટી લૂંટ છે, પણ આ દેશના હિંદુઓની નસેનસમાં એ હદે કાયરતા ઘર કરી ગઈ છે કે હિંદુઓનું લોહી ઉઘાડી કે છૂપી કોઈ લૂંટ જોઈને ઊકળી ઊઠતું નથી.
આપણે ત્યાં લવ જિહાદ, લૅન્ડ જિહાદ સહિતની જાત જાતની જિહાદને લગતા શબ્દો છાસવારે ઊછળ્યા કરે છે, પણ આ ગઝનીની ઔલાદોની ધન જિહાદ સામે કોઈ કશું બોલતું નથી. કોઈ મુસ્લિમ છોકરો હિંદુ નામ ધારણ કરીને હિંદુ છોકરીને ફસાવે ત્યારે સોશ્યલ મીડિયા પર લવ જિહાદનો ઝંડો લઈને હિંદુ શૂરવીરો મેદાનમાં આવી જાય છે, વક્ફની જમીનોના નામે લૅન્ડ જિહાદ થાય છે એવા સાચા-ખોટા દાવા કરીને આક્રોશ ઠલવાય છે, પણ આ ધન જિહાદ સામે હિંદુ સમાજ સાવ ચૂપ છે. કોઈ હિંદુવાદી સંગઠન તેની સામે નથી બોલતો, કોઈ હિંદુવાદી નેતા નથી બોલતો.
આ કાયરતા હિંદુઓને ક્યાં લઈ જશે?
વિચારજો...