Thu Jun 25 2026

Logo

સિક્કાની ત્રીજી બાજુ: જાપાની બાળકોની જેમ આપણાં બાળકોને પણ આ બધું શીખવાડીએ તો કેમ?

2026-05-27 15:55:35
Author: જયવંત પંડ્યા
Article Image

જયવંત પંડ્યા

તાજેતરમાં એક સમારંભમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે `જ્યારે શાળામાં બાળકો પાસે શ્રમદાન કરાવવામાં  આવે છે તો મીડિયા કહેવા લાગે છે કે જુઓ, બાળકો પાસે કામ કરાવાય છે. યોગીજીએ ઉમેર્યું કે `આમાં ખોટું શું છે? બાળકો `કામ' કરે છે એવો વીડિયો વાયરલ થાય પછી શિક્ષણ વિભાગ શિક્ષકો પાસે સ્પષ્ટીકરણ માગે છે. ખરેખર તો બાળકોને પડકાર માટે તૈયાર કરતા આવા શિક્ષકોનું સન્માન કરાવું  જોઈએ.' 

યોગીજીની વાત સાચી છે. શ્રીકૃષ્ણના સાંદીપનિ આશ્રમમાં ઘડતર અને કાર્યની વાત જો આજના સંદર્ભમાં જોવાય તો, વસુદેવ અને દેવકી કેવી-કેવી ફરિયાદ કરે? મારા કુંવરને તમે જંગલમાં લાકડી કાપવા મોકલ્યો? જંગલમાં ભયંકર વરસાદ આવવા લાગ્યો. મારા બાળકને કંઈ થઈ ગયું હોત તો કોણ જવાબદાર થાત? ગુરુ દક્ષિણામાં તમે હીરા-આભૂષણો માગી લો, સુવર્ણ મુદ્રા માગી લો, પણ  અમારુંં  બાળક યમલોકમાં પહોંચી ગયું હોત તો?

આજે બાળકની દિનચર્યા કેવી બનાવી દેવામાં આવી છે? સવારે છ-સાડા છએ બસ આવી જાય. એટલે સવારે માતા ઊઠે, બાળકને નવડાવવાથી માંડીને વાળ ઓળી દેવા, બૂટ પહેરાવવા, બૅગ તૈયાર કરી દેવી... આ બધું કરી બાળકની બૅગ ઉપાડી બસ સુધી મૂકી જાય. સ્કૂલ બસ આઠેક વાગ્યે શાળાએ પહોંચે. બાળક એક વાગ્યા સુધી ભણે. વળી, બસમાં ઘરે બે-અઢીએ વાગ્યે પહોંચે. મા બસના થોભવાના સ્થાને ઊભી હોય. 

બાળક ઘરે આવે એટલે એક જૂતું અહીં ને બીજું જૂતું ત્યાં. એક મોજું અહીં ને બીજું ત્યાં. સીધું ફ્રીજ પાસે પહોંચે અને ગંદા હાથે પાણીની બૉટલ કાઢે. બૉટલ સીધી મોંઢે જ માંડવાની.

પછી હાથ-પગ ધોવા અને ગણવેશ બદલી ઘરનાં કપડાં પહેરવાં માતા કેટલી આજીજી કરે ત્યારે બાળક કપડાં બદલે. પછી ટીવી કે ફોન જોતાં-જોતાં બાળક જમીને થોડી વાર રમે ત્યાં ટ્યુશનનો સમય થઈ જાય... ટ્યુશનથી આવીને બાળકને શાળાનું અને ટ્યુશનનું ગૃહ કાર્ય કરવાનું હોય. તે માંડમાંડ કરે ત્યાં રાત્રે જમવાનો સમય થઈ જાય. બાળક જમે અને પછી ટીવી પર એકાદ બે કાર્ટૂન સિરિયલ જુએ... આવા એના રોજિંદા ક્રમ વચ્ચે જો માતા થોડી કડક થવા જાય તો પિતા કે દાદા/દાદી બાળકનો પક્ષ લેશે. જો પિતા કડક થવા જશે તો માતા બાળકનો પક્ષ લેશે. ...

હા, જો માર્ક ઓછા આવ્યા કે બાળકના તોફાનની ફરિયાદ આવી તો તારા કારણે જ બાળક બગડ્યું છે તેમ પિતા જરૂર કહેશે... આપણે ત્યાં આ ઘરઘર કી કહાની છે. 

આની સામે ચીનમાં બાળકને નાનું હોય ત્યારથી બિન્દાસ્ત સ્વિમિંગ પૂલમાં નાખવામાં આવે છે. દડાની રમત સાથે મગજ વિકસે તેવી રમત રમાડાય છે. અમસ્તું, ઑલિમ્પિક અને એશિયાઈ રમતોમાં ચીનનો ક્રમ પહેલા ત્રણમાં નથી આવતો.

જાપાનમાં પણ બાળકો પાસે શૌચાલય, વર્ગખંડ, બ્લૅક બોર્ડ વગેરેની સાફસફાઈ કરાવવામાં આવે છે. આ સાફસફાઈને ઓસોજી (Osoji) કહે છે. જૂતાં પહેરીને વર્ગખંડમાં બેસાડાતા નથી. શિક્ષક બાળક સાથે બેસીને જમે છે. જમવાનું પૌષ્ટિક અપાય છે. શાળાની અંદર હૉસ્પિટલ પણ હોય છે.

શિક્ષકને નમન કરવાનું હોય છે. ઊભા થઈને `ગુડ મૉર્નિંગ ટીચર' જેવી પશ્ચિમી રીતભાત નથી. વર્ગ પૂરો થાય પછી સહાધ્યાયીઓનો આભાર માનવાનો હોય છે. આ રીતે બાળકમાં માનસન્માન, સહાધ્યાયીનો આદર, સાફસફાઈ વગેરે ગુણો નાનપણથી સ્વયંભૂ કોઈ ઉપદેશ વગર આવી જાય છે. બાળકને એક ક્લાર્ક બનાવવા કરતાં તે ઉદ્યમી સાહસિક (એન્ટરપ્રિન્યોર) બને તે પ્રકારે શાળા અને ઘરે ઘડતર કરાય છે. આથી જ જાપાન પણ રમતોથી લઈને અર્થતંત્રમાં ટોચના પાંચ દેશમાં આવે છે.
સવાલ એ છે કે જાપાન-ચીનનાં બાળકોને અપાતું આ પ્રકારનું શિક્ષણ આપણાં બાળકોને કેમ અપાતું નથી?