Wed Jun 17 2026

Logo

બાંગ્લાદેશમાં તારિકની જીત, જમાત ના ફાવી એ ભારતનો ફાયદો

2026-02-14 09:24:59
Author: Mumbaisamachar Team
Article Image

 

એકસ્ટ્રા અફેરઃ  ભરત ભારદ્વાજ

આખી દુનિયાની જેના પર નજર હતી એ બાંગ્લાદેશની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) એ સ્પષ્ટ બહુમતી મેળવતાં તારિક વડા પ્રધાન બનશે એ નક્કી થઈ ગયું છે. બાંગ્લાદેશ સંસદમાં કુલ 300 બેઠકો છે. બાંગ્લાદેશના ચૂંટણી પંચે સત્તાવાર રીતે કરેલી જાહેરાત મુજબ, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના નેતૃત્વ હેઠળના ગઠબંધને 181 બેઠકો તો જીતી લીધી છે તેથી સ્પષ્ટ બહુમતી તો છે જ. હજુ બીજી 40 બેઠકો પર બીએનપી આગળ છે એ જોતાં તારિક રહેમાનની પાર્ટી સરળતાથી બે તૃતીયાંશ બહુમતીના આંકડાને પાર કરી લેશે એ સ્પષ્ટ છે. 

શેખ હસીનાની બાંગ્લાદેશ અવામી લીગ પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ હોવાથી મુખ્ય જંગ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) અને બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામી વચ્ચે હતો. જમાતને 70 બેઠકો મળી છે અને સ્પષ્ટ બહુમતી માટે 150 બેઠકો જોઈએ એ જોતાં તારિક રહેમાન સામે કોઈ પડકાર જ નથી ને તેમનો તાજપોશીનો રસ્તો બિલકુલ સાફ છે. 

જમાત-એ-ઈસ્લામીએ ચૂંટણીમાં ગરબડના આક્ષેપો કર્યા છે પણ ચૂંટણી પંચે આ વાતોને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી છે તેથી તારિકની તાજપોશીને કોઈ રોકી નહીં શકે એ સ્પષ્ટ છે. વિદેશી સરકારોના વડાઓએ તારિક પર અભિનંદનની વર્ષા કરવા માંડી છે તેથી જમાત તેની સામે પડવાની હિંમત પણ નહીં કરે. આ સંજોગોમાં  મોટા ભાગે તો શનિવારે એટલે કે આજે જ  તારિકની શપથવિધી થઈ જશે ને બાંગ્લાદેશને નવી સરકાર મળી જશે. 

તારિક રહેમાન બાંગ્લાદેશમાં જીતના દાવેદાર મનાતા હતા પણ આવી જબરદસ્ત જીતની કોઈને આશા નહોતી. તારિકનો જબરદસ્ત ઉદય લોકોને નસીબમાં માનતા કરી નાખે એવો છે કેમ કે હજુ ત્રણ મહિના પહેલાં લગી તારિક રહેમાનને બાંગ્લાદેશની બહાર બહુ ઓછા લોકો ઓળખતા હતા. તારિક રહેમાન બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રમુખ ઝિયાઉર રહેમાન અને બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા વડા પ્રધાન ખાલિદા ઝિયાના મોટા પુત્ર છે. ખાલેદા ઝિયા અને શેખ હસીના એકબીજાનાં કટ્ટર રાજકીય હરીફ હોવાથી 2008માં હસીનાએ સત્તા કબજે કરી પછી તારિક બાંગ્લાદેશ છોડીને યુકે જતા રહેલા.
 
તારિકની ગેરહાજરીમાં તેમનાં માતા ખાલેદા સામે ભ્રષ્ટાચારનો કેસ ચાલેલો ને 2018માં દોષિત ઠેરવીને સજા પણ થઈ તેથી ખાલેદાએ જીંદગીનાં પાછલાં વરસ જેલમાં જ કાઢ્યાં. તારિક પણ બાંગ્લાદેશમાં રહ્યા હોત તો એ પણ જેલભેગા થઈ જ ગયા હોત. બાંગ્લાદેશમાં સત્તાપલટો થયો ને શેખ હસીનાએ ભાગવું પડ્યું પછી ખાલેદા જેલની બહાર આવી શક્યાં પણ જેલવાસના કારણે એકદમ ખખડી ગયેલાં તેથી લાંબું ના ખેંચી શક્યાં. 

ખાલેદાને અંતિમ સમય આવી ગયો હોવાની ખબર પડી ગયેલી તેથી તારિકને બાંગ્લાદેશ પાછા ફરવા કહેણ મોકલેલું.  બેગમ ખાલીદા ઝિયાનું 30 ડિસેમ્બરે નિધન થયું તેના બે દિવસ પહેલાં જ તારિક રહેમાન  અંતિમ શ્વાસ ગણી રહેલાં માતાના અંતિમ સમયે માતાની નજીક રહેવા માટે 17 વર્ષના સ્વૈચ્છિક દેશનિકાલ પછી બાંગ્લાદેશ પાછા ફરેલા. ખાલેદાના નિધનના અઠવાડિયા પછી 7 જાન્યુઆરીએ તારિક રહેમાન બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) ના પ્રમુખ બન્યા હતા અને દોઢ મહિનામાં તો બાંગ્લાદેશના વડા પ્રધાન બની જશે.

ભારત માટે આ પરિણામ હકારાત્મક છે કેમ કે શેખ હસીનાની પાર્ટીની ગેરહાજરીમાં બાંગ્લાદેશ નેશનલ પાર્ટી જ ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ બચતો હતો. બીએનપીની હરીફ જમાત-એ-ઈસ્લામી પાકિસ્તાનની આર્મી અને આઈએસઆઈનું બગલબચ્ચુ છે અને બાંગ્લાદેશના કટ્ટરવાદી મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માગે છે. જમાત તો ઈસ્લામના સાતમી સદીના નિયમો પ્રમાણે બાંગ્લાદેશનો કારભાર કરવા માગે છે કે જ્યાં મહિલાઓને કોઈ છૂટ ના હોય ને મુસ્લિમ સિવાયના ધર્મનાં લોકોને કોઈ અધિકાર ના હોય. 

આ સંજોગોમાં જમાતની સરકાર આવી હોત તો બાંગ્લાદેશનીઓનું જીવવું તો હરામ થઈ જ ગયું હોત અને આપણી હાલત પણ બગડી ગઈ હોત કેમ કે બાંગ્લાદેશ કટ્ટરવાદીઓનો અ઼ડ્ડો બની ગયું હોત. કટ્ટરવાદનો પ્રભાવ વધે તો શું થાય તેનો પરચો પાકિસ્તાનના કિસ્સામાં આપણને મળેલો જ છે. હવે બીજો પાડોશ પણ એ જ રવાડે ચડે તો આપણે બંને બાજુથી આતંકવાદનો માર ખાવો પડે પણ સદનસીબે જમાત હારી જતાં આપણે બચી ગયા છીએ. પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ શેખ હસીના રવાના થયાં તેનો લાભ લઈને બાંગ્લાદેશમાં ઘૂસી તો ગયાં જ છે તેથી ભારતે સતર્ક રહેવું પડે પણ જમાતના રાજ જેવી હાલત નહીં થાય. 

તારિક તો વરસોથી વિદેશ જ રહ્યા તેથી તેમનું રાજકારણ અને ભારત તરફનું વલણ કેવું હશે તેની તો નિવડ્યે જ ખબર પડે પણ તેમનાં માતા બેગમ ખાલિદા ઝિયા ભારત તરફી નહોતાં તો સાથે સાથે પાકિસ્તાનતરફી પણ નહોતાં. તારિક રહેમાન બીજું કંઈ ના કરે ને પોતાનાં માતાના રસ્તે પણ ચાલે તો પણ ઘણું છે કેમ કે તેના કારણે બાંગ્લાદેશમાં ફરી શેખ હસીનાની અવામી લીગની ચૂંટણી લડવાનો રસ્તો મોકળો થઈ શકે છે.  

ખાલિદા ઝિયા દિલથી લોકશાહીનાં સમર્થક હતાં. ખાલિદા  ઝિયાએ બાંગ્લાદેશમાં લોકશાહીની ફરી સ્થાપના માટે જે જંગ ખેલ્યો એવો જંગ બહુ ઓછાં લોકો ખેલી શકે. જનરલ ઈરશાદના સરમુખત્યારશાહી શાસન સામે શેખ હસીના સહિતનાં બધાંએ ઘૂંટણ ટેકવી દીધાં હતાં ત્યારે ખાલિદા લડતાં હતાં અને બાંગ્લાદેશમાં ફરી લોકશાહીની સ્થાપના કરાવીને જ તેમણે ઝંપ લીધો.જનરલ ઈરશાદે ખાલિદાને દબાવી દેવા માટે બહુ ફાંફાં મારી જોયાં પણ ખાલિદાએ મચક નહોતી આપી.
 
સાત વર્ષમાં સાત વાર તો ખાલિદાને જેલભેગાં કરી દેવાયાં. ખાલિદા નજરકેદ તો કેટલો સમય રહ્યાં કે કોઈ હિસાબ જ નથી. બીજા અત્યાચારો તો અલગ પણ ખાલિદા ના નમ્યાં તે ના જ નમ્યાં. ઈરશાદે 1986માં તમાશારૂપ ચૂંટણી કરી ત્યારે શેખ હસીનાની અવામી લીગ સહિતની પાર્ટીઓએ ઘૂંટણ ટેકવીને ચૂંટણીમાં ભાગ લીધેલો  પણ ખાલિદાએ ચૂંટણીનો બહિષ્કાર કરીને મર્દાના મિજાજનો પરચો આપ્યો હતો. વિદેશ નીતિમાં પણ ખાલિદાએ પાકિસ્તાન કે ચીનને બાંગ્લાદેશમાં ઘૂસવા નહીં દઈને  મર્દાના મિજાજ બતાવેલો. 

ખાલિદા ઝિયા કહેતાં કે, બાંગ્લાદેશની સાર્વભૌમત્વ અને સુરક્ષા સર્વોપરી છે. આ કારણે ભારત સાથે ટકરાવ પણ થતો પણ ભારત તરફ ખાલિદાએ કદી ખાર નહોતો બતાવ્યો કે, પાકિસ્તાન કે ચીનના ખોળામાં બેસીને ભારતને નુકસાન પણ નહોતું કર્યું.

આશા રાખીએ કે તારિકમાં માતા જેવો મર્દાના મિજાજ હોય. તારિક ખાલિદાની જેમ ભારતને પરેશાન કરવાના બદઈરાદાથી ઘૂસેલા પાકિસ્તાનને ખદેડીને ભારત સાથેના સંબંધો સામાન્ય કરે.