Sun Sep 13 2026

Logo

અહીં દરેક બાળક 1.28 લાખના દેવા સાથે જન્મે છે, CM વિજયની સરકારે કર્યો મોટો ખુલાસો

2026-06-17 09:38:00
Author: Vimal Prajapati
અહીં દરેક બાળક 1.28 લાખના દેવા સાથે જન્મે છે, CM વિજયની સરકારે કર્યો મોટો ખુલાસો

તમિલનાડુ સરકારે કથળતી આર્થિક સ્થિતિને લઈને ‘શ્વેત પત્ર’ જાહેર કર્યો

ચેન્નાઈ: તમિલનાડુની નવી સરકારે રાજ્યની કથળતી આર્થિક સ્થિતિને લઈને એક સત્તાવાર ‘શ્વેત પત્ર’ (White Paper) જાહેર કર્યો છે. મુખ્ય પ્રધાન વિજયના નેતૃત્વ વાળી આ નવી સરકારના નાણા પ્રધાન એન. મેરી વિલ્સને (N. Marie Wilson) જણાવ્યું કે રાજ્ય આ સમયે અભૂતપૂર્વ અને ભારે દેવાના સંકટનો સામનો કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, તમિલનાડુમાં જન્મ લેનારા દરેક બાળક પર હવે સરેરાશ 1.28 લાખ રૂપિયાનું દેવું છે. એટલે કે, આ રાજ્યમાં કોઈ પણ બાળકનો જન્મ થાય તેના ભારે 1.28 લાખનું દેવું આવે એટલું દેવું અત્યારે તમિલનાડું રાજ્ય પર છે. 

5 વર્ષમાં દેવું બમણાથી પણ વધી ગયું

આ સરકારી અહેવાલમાં અગાઉની એમ.કે. સ્ટાલિન (M.K. Stalin) સરકારની આર્થિક નીતિઓ અને કામકાજ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટની વાત કરવામાં આવે તો, પાંચ વર્ષ પહેલાં રાજ્ય પર આશરે 4.8 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું, જે હવે વધીને લગભગ 10 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જો આમાં અન્ય તમામ નાના-મોટા સરકારી દેવાં, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ (PSUs) ની લોન અને સરકારી ગેરંટીઓને જોડી દેવામાં આવે, તો રાજ્ય પર કુલ આર્થિક બોજ 13.18 લાખ કરોડ રૂપિયા પર પહોંચી જાય છે.

નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ ખર્ચ નથી કરવામાં આવ્યો!

નાણા પ્રધાન એન. મેરી વિલ્સને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પાછલા 5 વર્ષોમાં સરકારે એટલું દેવું લીધું છે જેટલું વિતેલા 60 વર્ષોમાં પણ લેવાયું નહોતું. સૌથી મોટી ચિંતા એ છે કે આ નાણાંનો ઉપયોગ કોઈ નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર (જેમ કે રસ્તા, હોસ્પિટલ કે સ્કૂલ) બનાવવાના બદલે રોજબરોજના સરકારી ખર્ચાઓ પૂરા કરવા માટે કરવામાં આવ્યો છે.

સરકારી તિજોરીની વર્તમાન સ્થિતિ

તમિલનાડુ સરકાર જે પણ 1 રૂપિયો કમાય છે, તેમાંથી 22.8 પૈસા તો માત્ર જૂના દેવાનું વ્યાજ ચૂકવવામાં જ વપરાઈ જાય છે. રાજ્યના મુખ્ય આર્થિક આંકડાની સ્થિતિની વાત કરવામાં આવે તો, રાજ્યની ખાધ 46,538 કરોડ રૂપિયાથી વધીને 78,324 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ટેક્સ દ્વારા થતી કમાણીમાં માત્ર 5.45% નો વધારો થયો છે, જે રાજ્યના રોકેટ ગતિએ વધતા ખર્ચ સામે ઘણો ઓછો છે. તમિલનાડુનું દેવું તેના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) ના 28.3% એ પહોંચી ગયું છે.

આ મુદ્દે વિપક્ષનું શું કહેવું છે?

ગયા મહિને મુખ્ય પ્રધાન પદ સંભાળ્યા બાદ વિજય સરકારનું આ પ્રથમ સૌથી મોટું આર્થિક પગલું છે. જોકે, આ સત્તાવાર રિપોર્ટ સામે આવે તે પહેલાં જ ડીએમકે (DMK) પ્રમુખ એમ.કે. સ્ટાલિને આ આરોપોનો જવાબ આપતા દાવો કર્યો હતો કે તમિલનાડુ પર દેવું નિર્ધારિત મર્યાદાની અંદર જ છે. તેમણે કહ્યું હતું કે, રાજ્ય પાસે ફંડની કોઈ અછત નથી, બસ યોગ્ય રીતે સરકાર ચલાવવાની દાનત હોવી જોઈએ. હાલમાં આ નવો શ્વેત પત્ર જાહેર થયા બાદ ડીએમકે તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, પૂર્વેની સરકાર અને નવી સરકારના દેવા અંગેના અહેવાલોમાં વિપરીતતા જોવા મળી રહી છે.