AIADMKના 30 બળવાખોર ધારાસભ્ય વિજયની પાર્ટી TVKને ટેકો આપે તેવી શક્યતા
ચેન્નઈઃ તમિલનાડુમાં સત્તા માટેનો સંગ્રામ હજુ શાંત થયો નથી. આગામી ફ્લોર ટેસ્ટ દરમિયાન AIADMKના હરીફ જૂથો વચ્ચે તણાવ અપેક્ષિત મનાય રહ્યો છે. એક તરફ વિજય ફ્લોર ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે, તો બીજી તરફ, તે AIADMKના બળવાખોર નેતાઓની વ્યક્તિગત મુલાકાત અને બેઠક યોજી રહ્યા છે, જેમણે તેમને ટેકો આપવાનું વચન આપ્યું છે. આ બેઠકો TVK ને ટેકો આપવાની જાહેરાત કર્યાના થોડા કલાકો પછી જ થઈ હતી. સામેલ લોકોમાં 30 ધારાસભ્યો - ધારાસભ્યો એસ. પી. વેલુમાણી અને શનમુગમના નેતૃત્વમાં છે જે પક્ષમાં પલાનીસ્વામીના નેતૃત્વનો વિરોધ કરી રહ્યા છે.
પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો
શનમુગમે કહ્યું હતું કે, તેઓ વિજયને સમર્થન આપશે.ટીવીકેને સરકાર બનાવવા માટે સમર્થન આપશે. અમે આ પાર્ટીની સ્થાપના ડીએમકેના વિરોધમાં કરી હતી. છેલ્લા 53 વર્ષથી પાર્ટી ડીએમકેનો વિરોધ કરી રહી છે. એક એવો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે, ડીએમકેના સમર્થનથી AIADMKની સરકાર બનાવવામાં આવે. પણ અમારા મોટા ભાગના સભ્યોએ આ પ્રસ્તાવનેને ફગાવી દીધો હતો.
AIADMK નેતા અગ્રિ એસ.એસ. કૃષ્ણમૂર્તિએ બળવાખોર ધારાસભ્યોને ચેતવણી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે પક્ષના નિર્દેશોની વિરુદ્ધ કાર્ય કરનારા કોઈપણ સામે કાર્યવાહી કરવામાં આવશે. કૃષ્ણમૂર્તિએ નોંધ્યું હતું કે AIADMK એ તેના તમામ ધારાસભ્યોને સૂચનાઓ જારી કરી છે, જેમાં તેમને તમિલનાડુ વિધાનસભામાં યોજાનારી ફ્લોર ટેસ્ટ દરમિયાન T.V.K. વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, આ પક્ષની સૂચનાઓનો અનાદર કરનારા કોઈ પણ ધારાસભ્ય સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ફરી આવી આંતરિક અસંતોષની વાત
આ દરમિયાન પલાનીસ્વામીના નજીકના સહયોગી ઓ.એસ. મણિયને આ બાબત અંગે જણાવ્યું હતું કે, AIADMK ના તમામ 47 ધારાસભ્યોએ EPS ને વિધાનસભા પક્ષના નેતા તરીકે સમર્થન આપવાનું વચન આપ્યું છે. AIADMKના તમામ 47 ધારાસભ્યોએ ઔપચારિક રીતે તેમના વિધાનસભા પક્ષના નેતા તરીકે એડપ્પાડી કે. પલાનીસ્વામીને તેમનો ટેકો આપ્યો છે. આ ધારાસભ્યોના સમર્થનના પત્રો સ્પીકર જે.સી.ડી. પ્રભાકરનને સુપરત કરવામાં આવ્યા છે. હવે તમિલનાડુમાં સૌની નજર વિજય પર છે.
વેલુમાનીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, આ પગલું પાર્ટીમાં વિભાજનનો સંકેત આપતું નથી. પલાનીસ્વામી ડીએમકેના સમર્થનથી સરકાર બનાવવા માંગતા હતા. આ પણ હકીકત હતી. અમે તે નિર્ણયનો વિરોધ કર્યો હતો. એઆઈએડીએમકેની સ્થાપના ખાસ કરીને ડીએમકેને હરાવવા માટે કરવામાં આવી હતી. શનમુગમના નેતૃત્વમાં એઆઈએડીએમકેના ધારાસભ્યોના એક જૂથે પ્રો-ટેમ સ્પીકર એમ.વી. કરુપ્પિયાને પત્ર સુપરત કરીને વેલુમાનીને વિધાનસભા પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાની માંગણી કરી ત્યારે આંતરિક અસંતોષ સામે આવ્યો.