Wed Sep 16 2026

Logo

તમિલનાડુ ચૂંટણી: NDAમાં સીટ વહેંચણી ફાઈનલ; AIADMKએ ભાજપને આપી 27 બેઠક

2026-03-23 20:04:27
Author: vim
તમિલનાડુ ચૂંટણી: NDAમાં સીટ વહેંચણી ફાઈનલ; AIADMKએ ભાજપને આપી 27 બેઠક

ચેન્નઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માટે એનડીએ (NDA)ના ઘટક દળો વચ્ચે સીટ વહેંચણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. AIADMK મુખ્યાલયમાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ સમજૂતી પર રાજી થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

AIADMKના મહાસચિવ અને પૂર્વ મુખ્ય પ્રધાન એકે પલાનીસામી અને ભાજપના વરિષ્ઠ નેતા તથા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલની હાજરીમાં આ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે, આ ચૂંટણીમાં કોણ બાજી મારશે!

AIADMKએ ભાજપને 27 બેઠક જ આપી!

વિગતે વાત કરવામાં આવે તો 23 એપ્રિલે તમિલનાડુ વિધાનસભાની કુલ 234 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. 234 બેઠકમાંથી AIADMKએ ભાજપને 27 બેઠક આપી છે. PMKને 18 સીટ આપવામાં આવી છે, જ્યારે AMMKના ફાળે 11 બેઠકો આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બાકીની  બેઠકો માટે હજી ચર્ચા વિચારણા ચાલી રહી છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની ટીએમકે પાર્ટી પણ આ વખતે મેદાનમાં હોવાથી એનડીએ આ ચૂંટણી માટે એડી ચોટીનું જોર લગાવવું પડશે. 

ભાજપ અને AIADMK કેવું પ્રદર્શન કરશે?

તમિલનાડુમાં ભાજપ અને AIADMK સાથેનું જૂનું જોડાણ ફરીથી મજબૂત થયું છે. બેઠક ફાળવણી અંગે વાત કરતા કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલે કહ્યું કે, આ ગઠબંધન વિકાસ, હિંદુ ધર્મ અને તમિલ સંસ્કૃતિના રક્ષણ માટે છે. PMK અને AMMK જેવા પ્રાદેશિક દળોની સાથે જોડાણથી ગ્રામીણ અને વનનિવાસી વિસ્તારોમાં મજબૂતી મળશે. આ સાથે ભાજપ નેતા તમિલિસાઈ સુંદરરાજને કહ્યું, "અમે ખૂબ ખુશ છીએ. અમે ખૂબ જ મજબૂત ગઠબંધન બનાવ્યું છે. અમારું ગઠબંધન ચૂંટણી જીતશે.