તમે દુનિયાભરના અનોખા અને વિચિત્ર કાયદાઓ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કારનો દરવાજો જોરથી પછાડવો એ પણ ગુનો હોઈ શકે? જી હા, દુનિયામાં એક એવો દેશ છે જ્યાં જો તમે તમારી પોતાની કારનો દરવાજો પણ જોરથી બંધ કરો, તો તમારે જેલની હવા ખાવી પડી શકે છે અથવા મોટો દંડ ભરવો પડી શકે છે. જી હા, સાંભળવામાં ભલે વિચિત્ર લાગતું હોય, પરંતુ હકીકતમાં આવો કાયદો અસ્તિત્વમાં છે.
આપણે ત્યાં સામાન્ય પણે કોઈ વખત આપણે ઉતાવળમાં હોઈએ કે પછી ગુસ્સામાં હોઈએ ત્યારે કારનો દરવાજો જોરથી અફડાવીને બંધ કરી દઈએ છીએ. ભારત જેવા દેશોમાં આ ખૂબ જ સામાન્ય અને ધ્યાનમાં ન લેવાય એવી બાબત છે. પરંતુ જો તમે સ્વિટ્ઝરલેન્ડ (Switzerland)માં હોવ અને કારનો દરવાજો જોરથી અફડાવીને બંધ કરો તો તમે મુસીબતમાં મુકાઈ શકો છો. ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ...
સ્વિટ્ઝરલેન્ડનો અનોખો કાયદો
સ્વિટ્ઝરલેન્ડ એ ધરતીનું સ્વર્ગ ગણાય છે. આ નાનકડો પણ એકદમ સુંદર દેશ તેની કુદરતી સુંદરતાની સાથે સાથે ત્યાં મળતી અનોખી શાંતિ માટે પણ જાણીતું છે. આ શાંતિ જાળવી રાખવા માટે ત્યાંની સરકારે અત્યંત કડક નિયમો બનાવ્યા છે. સ્વિટ્ઝરલેન્ડમાં રાતના સમયે કારનો દરવાજો જોરથી પછાડવો (Slamming a car door) ગેરકાયદેસર માનવામાં આવે છે. સરકારનું માનવું છે કે આનાથી 'ધ્વનિ પ્રદૂષણ' ફેલાય છે અને લોકોની ઊંઘમાં ખલેલ પહોંચે છે. સરકાર દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ માટે કાયદામાં સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
રાતે 10 વાગ્યા પછી તો...
સ્વિટ્ઝરલેન્ડમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી 'શાંતિનો સમય' (Quiet Hours) જાહેર કરવામાં આવેલો છે. પરિણામે આ સમયગાળા દરમિયાન તમે કોઈ જોડે કે ફોન પર જોર-જોરથી વાત કરી શકતા નથી, આ સિવાય લૉનમાં ઉગેલું ઘાસ કાપવાનું મશીન ચલાવી શકતા નથી અને કારનો દરવાજો પછાડવો તો ખૂબ જ દૂરની વાત છે. અરે તમને જાણીને નવાઈ લાગશે કે તમે તમારા ટોઈલેટમાં ફ્લશનો અવાજ પણ જોરથી કરી શકતા નથી અને આ માટે પણ કાયદામાં સજાની જોગવાઈ કરવામાં આવી છે..
આવો વિચિત્ર કાયદો બનાવવા પાછળનું કારણ શું છે?
સ્વિસ કલ્ચરમાં શાંતિ અને શિષ્ટાચારને ઘણું મહત્વ આપવામાં આવે છે. રાત્રિના સમયે લોકોની શાંતિ જાળવવી એ ત્યાં સામાજિક જવાબદારી ગણાય છે. જોરથી દરવાજો પછાડવાથી પેદા થતો અવાજ પડોશીઓને પરેશાન કરી શકે છે, તેથી તેને 'અસામાજિક વર્તન' ગણીને ગુનાની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.
કેટલી થઈ શકે છે સજા?
વાત કરીએ કારનો દરવાજો જોરથી અફડાવવાના ગુના હેઠળ થનારી સજાની તો જો કોઈ પડોશી તમારી ફરિયાદ કરે અથવા પોલીસ તમને આવું કરતા પકડી પાડે, તો તમારે સ્થળ પર જ મોટો દંડ ભરવો પડી શકે છે. જો આ ભૂલ વારંવાર કરવામાં આવે, તો તે જેલની સજા સુધી પણ લઈ જઈ શકે છે. દંડની રકમ ગુનાની ગંભીરતા અને સમય પર આધારિત હોય છે.
છે ને એકદમ ચોંકાવનારી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી જાત જાતની અને અનોખી માહિતી જાણવા અને વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો...