Mon Jul 27 2026

Logo

કૉલકાતાના રાજકારણને લાગ્યો ફિલ્મીરંગ, સિંઘમ VS પુષ્પાના નિવેદન પર CM એ માર્યો ટોણો

2026-05-17 15:50:24
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ચૂકી છે અને સુવેંદુ અધિકારીની સરકાર બની છે. મુખ્યમંત્રી તરીકે સુવેંદુ અધિકારીએ સત્તા સંભાળ્યા બાદ યુદ્ધના ધોરણે કેટલાક એક્શન લેવાના શરૂ કરી દીધા છે. અધિકારીએ ડાયમંડ હાર્બર લોકસભા વિસ્તાર અંતર્ગત આવનારી ફાલ્ટા વિધાનસભા બેઠક પર થયેલી પેટા-ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ તથા અભિષેક બેનર્જી પર શાબ્દિક વાર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેબાંગ્શુ પોંડાના સમર્થનમાં ફાલ્ટામાં એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી સુવેંદુ અધિકારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પણ કૉલકાતાના રાજકારણમાં ફિલ્મીટચ લાગી રહ્યો છે. 

મુખ્યમંત્રી બાદ પહેલી મોટી જનસભા

આ સભામાં અધિકારીએ સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને ભ્રષ્ટાચારને લઈને વાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ અધિકારીની આ પહેલી જનસભા હતી. આ સભામાં તેમણે TMCના ફાલ્ટાના ઉમેદવાર જહાંગીર ખાનને કુખ્યાત ગુનેગાર કહ્યા હતા. અધિકારીએ ઉમેર્યું કે, વર્ષ 2019 ની ચૂંટણી બાદ થયેલી હિંસા પર રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રાજ્યના 19 સૌથી કુખ્યાત ગુનેગારોની યાદી જાહેર કરી હતી.

જહાંગીર ખાનનું નામ આ જ યાદીમાં સામે હતું. જે પોતાના ભત્રીજાના શરણમાં આશરો લઈ બેઠા હતા.2011ની બેચના IPS અધિકારી અજયપાલ શર્માએ મતદાતાઓને ધમકાવવાની ફરિયાદ મુદ્દે જહાંગીર ખાનને ઘર કે ઓફિસ જતા અટકાવી દીધા હતા. 

ફિલ્મી અંદાજમાં ખેંચતાણ શરૂ

આ મામલે જહાંગીર ખાને કહ્યું હતું કે, જો એ સિંઘમ છે તો હું પુષ્પા છું. મુખ્યમંત્રીએ આ નિવેદનની નોંધ લઈને ટોણો માર્યો હતો. અધિકારીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, બંગાળના રાજકીય મેદાનમાં મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીનો ઉદય થઈ રહ્યો છે. છેલ્લા એક દાયકામાં ડાયમંડ હાર્બર અને ફાલ્ટાના લોકો સ્વતંત્ર રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા ન હતા.

તેમણે પ્રજાને આશ્વાસન આપતા કહ્યું હતું કે, હવે બંગાળનું રાજકીય ચિત્ર બદલી ચૂક્યું છે. ફાલ્ટા વિધાનસભાની બેઠક પર 21 મેના રોજ થનારા પેટા-ચૂંટણીના મતદાનમાં પ્રજાને મત આપવા માટે અપીલ કરૂ છું. લોકતંત્રમાં પોતાના મતાધિકારનો પ્રજા ઉપયોગ કરે.ફાલ્ટાની પ્રજાને અપીલ કરૂ છું કે, તે 1 લાખથી વધારે મતથી ભાજપને વિજયી બનાવી ખરા આશીર્વાદ આપે. આ સાથે તેમણે ભાજપના કાર્યકર્તાઓને કાયદો હાથમાં ન લેવાની અને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. 

પાંચ વર્ષ પહેલાના કેસ ખૂલશે

ફાલ્ટામાં 29 એપ્રિલના રોજ થયેલા મતદાનમાં ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ ઉપરાંત મતદાતાઓને ડરાવવા તથા ધમકાવવાની ફરિયાદ ઊઠી હતી. આ કારણે આ વોટિંગ રદ્દ કરી દેવામં આવ્યું હતું. મુખ્યમંત્રી અધિકારીએ કહ્યું કે, લિપ્સ એન્ડ બાઉન્ડ કંપનીઓ સાથે જોડાયેલી સંપત્તિઓની ફાઈલ મારા સુધી પહોંચી ચૂકી છે.

મેં કૉલકાતા નગરનિગમ પાસેથી ફાઈલ માગી હતી. હવે મારી પાસે દક્ષિણ પરગણા જિલ્લાના આમતાલામાં એક આલિશાન ઓફિસ સહિત કંપનીની 24 સંપત્તિઓની સમગ્ર યાદી તૈયાર છે. ટૂંક સમયમાં આ તરફ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવશે. 5 વર્ષ પહેલાના કેસ પણ હવે ખૂલશે.

સરકાર તમામની સુરક્ષા નક્કી કરશે પણ ચોક્કસ શરતને આધિન કાર્યવાહી કરવામાં આવશે. વર્ષ 2021માં ચૂંટણીમાં થયેલી હિંસામાં કુલ 57 કાર્યકર્તાઓની હત્યા થઈ હતી. 12 હજારથી વધારે FIR થઈ હતી. હવે આ યાદીમાંથી જે ફરાર લોકો છે એને ફરીથી બંગાળમાં આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.