Thu Jun 25 2026

Logo

મોર્નિંગ મ્યૂસિંગ:પલ્પ ફિક્શનનો પાઠક યુગ:  300 હિન્દી પોકેટ બુક્સ પાછળનો ક્રાઇમ કિંગ

2026-06-07 09:07:00
Author: Raj Goswami
Article Image

- રાજ ગોસ્વામી
 

સુરેન્દ્ર મોહન પાઠક

 

આજકાલ ‘એમેઝોન મેક્સ પ્લેયર’ પર ‘વિમલ ખન્ના’ નામની વેબ સિરીઝ ધૂમ મચાવી રહી છે. તેમાં સુરિન્દર સિંહ સોહલ નામનો એક સાધારણ એકાઉન્ટન્ટ ખોટી રીતે તેના ભાઈની હત્યામાં ફસાઈ જાય છે. તે જીવ બચાવવા માટે ભાગી જાય છે અને વિમલ ખન્ના બની જાય છે. તે અમૃતા દાસ નામની એક અમીર વારસદારના નિવાસસ્થાને તેના અપંગ પિતાના સેવક તરીકે નોકરી મેળવે છે.

 

વેબ સિરીઝના એક એપિસોડમાં એક દિલચસ્પ દૃશ્ય છે. વિમલ તે પથારીવશ બુઝુર્ગનું મનોરંજન કરવા માટે એક હિન્દી રહસ્યકથા વાંચી સંભળાવે છે. તે પુસ્તકનું નામ છે ‘પુરાને ગુનાહ, નયે ગુનેહગાર.’ આ પુસ્તકમાં એક લૂંટ કેસની વાત હતી. 

પોલીસની નજરમાં આ દીવા જેવો કેસ હતો અને અપરાધી વિરુદ્ધ જડબેસલાક પુરાવા હતા, પરંતુ  રિપોર્ટર સુનીલની દખલઅંદાજી પછી પોલીસને કેસમાં બીજાં જ સગડ મળે છે.

 

વેબ સિરીઝમાં આ દૃશ્ય કેમ દિલચસ્પ છે? કારણ કે આ જે રહસ્યકથાની વાત થાય છે, તે ‘પુરાને ગુનાહ, નયે ગુનેહગાર,’ હિન્દી પોકેટ બુક્સની દુનિયાના બેતાજ બાદશાહ સુરેન્દ્ર મોહન પાઠકની પહેલી નવલકથા છે, જે 1963માં પ્રગટ થઇ હતી. અને આ દૃશ્ય જેમાં આવે છે તે ‘વિમલ ખન્ના’ પણ સુરેન્દ્ર મોહન પાઠકની સૌથી લોકપ્રિય ‘વિમલ જાસૂસી સિરીઝ’નું વેબ વર્ઝન છે.

 

  હિન્દી પોકેટ બુક્સની દુનિયામાં સુરેન્દ્ર મોહન પાઠકની લોકપ્રિયતા કેટલી બરકરાર છે તે આ એપિસોડ પરથી ખબર પડે છે. 1963થી શરૂ કરીને લેખક સુરેન્દ્ર મોહન પાઠકે અનેક જાસૂસોને જન્મ આપ્યા હતા. જેમ કે- સુનીલ, સુધીર, જીત સિંહ, પ્રમોદ, મુકેશ માથુર, વિવેક અગાશે વગેરે. એમાં સૌથી લાડકો બન્યો હતો વિમલ ખન્ના- જેને કેન્દ્રમાં રાખીને તેમણે કુલ 48 વાર્તાઓ લખી છે. વેબ સિરીઝમાં તેનો આ પહેલો અવતાર છે.

 

86 વર્ષના પાઠક અત્યારે ઉત્તર પ્રદેશના નોઇડામાં પરિવાર સાથે રહે છે, તેમની દંતકથા બની ગયેલી સુનીલ અને વિમલ સિરીઝમાં વાર્તા લખે છે. સુરેન્દ્ર મોહન પાઠક કેમ સૌથી સફળ હિન્દી પોકેટ બુક્સ લેખક ગણાય છે તેના થોડા આંકડા: તેમણે 300થી વધુ નવલકથાઓ લખી છે. તેમનું એક પણ પુસ્તક 40 હજારથી ઓછી નકલોમાં છપાતું નથી. તેમની વિમલ સિરીઝની 42 પોકેટ બુક્સ લગભગ એક કરોડથી વધુ વેચાઈ છે. તેમની સુનીલ સિરીઝ હેઠળ 122થી વધુ પુસ્તકો આવી ગયાં છે. 

દર વર્ષે સુરેન્દ્ર મોહન ચારથી પાંચ પુસ્તકો લખે છે (હવે ગતિ ઓછી થઇ છે).

 

પોકેટ બુક્સ એટલે જે ખિસ્સામાં આવી જાય તે. લોકો બસ, ટ્રેન કે પ્લેનમાં લાંબો પ્રવાસ કરતા હોય ત્યારે ટાઈમ પાસ કરવા માટે ‘સસ્તી’ ચોપડીઓ વાંચતા. અંગ્રેજીમાં તેને એરપોર્ટ અથવા પલ્પ ફિક્શન પણ કહેવાય છે. દ્વિતીય મહાયુદ્ધમાં પલ્પ ફિક્શનને બહુ વાચકો મળેલા. તે વખતે કાગળ પર અંકુશ મુકાઇ ગયેલો એટલે પ્રકાશકોએ સસ્તા કાગળ પર ચોપડીઓ છાપવાનું શરૂ કરેલું. બીજું, લેખકોને પણ યુદ્ધની યાતનામાંથી અનેકાનેક કહાનીઓ સૂઝવા    લાગેલી. એ પછી લોકો વિમાનોમાં ઊડાઊડ કરતા થયા એટલે એરપોર્ટ પર આવી ટાઇમપાસ ચોપડીઓ પણ બહુ વેચાવા લાગી. ભારતમાં ‘એ. એચ. વ્હીલર એન્ડ કંપની’ એ રેલવે બુક સ્ટોલ પર આવી પોકેટ બુકને લોકપ્રિય બનાવી દીધી હતી.

 

1950માં અલ્હાબાદમાંથી અકરમ અલ્લાબાદી નામનો લેખક ઉર્દૂમાં ‘જાસૂસી પંજા’ નામની પત્રિકા બહાર પાડતો હતો. એના પરથી પ્રેરણા લઇને ડાયમંડ બુક્સે 1958માં એક રૂપિયાની પુસ્તક સિરીઝ શરૂ કરી હતી. તે પછી હિન્દી પોકેટ બુક્સે જથ્થાબંધ લૂગદી સાહિત્ય છાપવાનું શરૂ કર્યું. એમાંથી જ લોકોને રેલવે તથા બસ ડેપોના બુક સ્ટોલ્સ પર ગુલશન નંદા, વેદ પ્રકાશ શર્મા, રાનૂ, રાજવંશ, ઓમપ્રકાશ અને કર્નલ રણજિત જેવાં નામો વાંચવા મળ્યાં. એમાંનું જ એક નામ એટલે સુરેન્દ્ર મોહન પાઠક.

1947માં પરિવાર સાથે લાહોરથી હિજરત કરીને દિલ્હી આવેલો સુરેન્દ્ર મોહન નામનો છોકરો મજબૂરીમાં લેખક બની ગયેલો. 1964માં તે દિલ્હી જેવા ખર્ચાળ શહેરમાં ઇન્ડિયન ટેલિફોન કંપનીમાં 200 રૂપિયાની નોકરી કરતો હતો. એ વખતે તેણે એક્સ્ટ્રા પૈસા માટે ઇઆન ફ્લેમિંગની જેમ્સ બોન્ડ અને જેમ્સ હેડલી ચેઝની કથાઓને હિંદીમાં અનુવાદિત કરવાનું કામ શરૂ કરેલું. એમાં ને એમાં પાઠકને ક્રાઇમ અને જાસૂસી પર એવો હાથ બેસી ગયો કે પોતાની ‘જેમ્સ બોન્ડ સિરીઝ’ ચાલુ કરી. આ અદ્દલ અશ્વિની ભટ્ટ જેવું.

 

એકવાર તેમણે કહ્યું હતું, ‘હું દાયકાઓથી નિયમિત લખતો રહ્યો છું. 34 વર્ષની નોકરીમાં મેં માત્ર ત્રણ જ વાર રજા લીધી હતી. એક વાર મારાં લગ્ન માટે, બીજી વાર માતાનું અવસાન થયું ત્યારે, અને ત્રીજી વાર પિતાજી ગયા ત્યારે. રવિવારે ઓફિસ બંધ હોય એટલે હું સવારે સાત વાગ્યાથી લઈને રાતના બાર સુધી લગાતાર લખતો. ના હું કોઈને મળતો કે ના હું ક્યાંય જતો.’

 

મશહૂર અંગ્રેજી ચોપડીઓનો હિન્દી અનુવાદ કરીને આખા ને આખા પ્લોટ કે પાત્રોની ‘તફડંચી’ કરવાનું શીખીને લોકપ્રિય થઇ ગયેલા સુરેન્દ્ર મોહન પાઠક એ હકીકતને ગર્વથી બયાન કરે છે કે એમની હિન્દી ચોપડીઓના હવે અંગ્રેજીમાં અનુવાદ થાય છે. સુરેન્દ્ર મોહન પાઠકની શોહરતનું અનુમાન એના પરથી પણ લગાવી શકાય છે કે 2010માં ટાઇમ પત્રિકાએ એમને ‘પલ્પ ફિક્શન માસ્ટર’ જાહેર કર્યા હતા.

 

પાઠકનું હિન્દી, ઉર્દૂ, પંજાબી અને અંગ્રેજી એટલું સરળ, સીધું અને શાનદાર છે કે ટેલિવિઝનના પત્રકારોને હિન્દી ‘ઠીક’ કરવા માટે સુરેન્દ્ર મોહનને વાચવાની સલાહ અપાય છે.

 

સુરેન્દ્ર મોહન પાઠકે તેમની પહેલી ટૂંકી વાર્તા 1959માં લખી હતી: 57 સાલ પુરાના આદમી. 1963માં ‘પુરાને ગુનાહ, નયે ગુનેહગાર’ અને 1969માં પહેલી પૂરા કદની નવલકથા ‘ઓપરેશન બુડાપેસ્ટ’ આવી. એ પછી ‘પીલા ગુલાબ,’ ‘સફેદ ખૂન’ અને ‘નીલી તસવીર’ જેવાં અજીબો ગરીબ ટાઇટલો ધરાવતાં ટેક્નિકલર જેકેટ્સની ભરમાર લાગી ગઇ. 30થી 50 રૂપિયાની આ ચોપડીઓમાં પાઠક બ્રાન્ડની હત્યા, સેક્સ અને જાસૂસીની વાર્તા પૂરા ભારતમાં વેચાતી હતી અને તેના માટે પાઠકને ચાર લાખ રૂપિયા એડવાન્સમાં મળતા હતા.

 

દસેક વર્ષ પહેલાં તે પૂર્વ દિલ્હીના ક્રિષ્ણા નગરમાં રહેતા હતા. તે વખતે એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું : ‘ હું હાથમાં પેન ન પકડું ત્યાં સુધી કોઇ વાક્ય ન સૂઝે. કમ્પ્યુટર તો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા છે, લખવા માટે નહીં.’

 

જન્મથી જ આંશિક બધિરાંધ સુરેન્દ્ર મોહન પાઠકે અભિમાનથી કહ્યું હતું કે ‘મારા ગયા પછી ભારતમાં ક્રાઇમ ફિક્શન નહીં રહે... મારા કારણે આ ઇન્ડસ્ટ્રી ચાલે છે.!’ 

 

આપણે અહીં  ‘વિમલ ખન્ના’ સિરીઝના એક દૃશ્યની વાત કરી એવો જ એક દિલચસ્પ કિસ્સો પાઠક સાથે પણ થયો હતો. એક વાર તે શેરિંગમાં મેરઠ જઈ રહ્યા હતા. તેમની સાથે ટેક્સીમાં એક માણસ તેમની જ એક પોકેટ બૂક વાંચી રહ્યો હતો. તે  સંકોચવશ તેની સાથે વાત ન કરી શક્યા, અને પેલો બસ સ્ટેન્ડ આવ્યું એટલે ઉતરી ગયો.

 

‘તમે એને કેમ ન પૂછ્યું કે વાર્તા કેવી છે’ના જવાબમાં પાઠકે હસીને કહ્યું હતું : 

 

‘તેણે વાર્તા બેકાર છે એવું કહ્યું હોત તો?!’