Sun Sep 06 2026

Logo

સુરતના વરાછામાં ધોળે દિવસે બેંકમાં લૂંટ: હથિયારધારી લૂંટારુઓ ₹ 50 લાખ લૂંટી ફરાર

2026-04-27 17:07:00
Author: Devayat Khatana
સુરતના વરાછામાં ધોળે દિવસે બેંકમાં લૂંટ: હથિયારધારી લૂંટારુઓ ₹ 50 લાખ લૂંટી ફરાર

સુરત: ડાયમંડ સિટી સુરતના વરાછા વિસ્તારમાં આજે ધોળા દિવસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટના ઘટતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ચારેક જેટલા હથિયારધારી લૂંટારુઓએ પિસ્તોલ સાથે બેંકમાં ધસી આવીને અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના સમયે જ્યારે બેંકની કામગીરી ચાલુ હતી ત્યારે ચાર અજાણ્યા શખસો હથિયારો સાથે અંદર ઘૂસી આવ્યા હતા. આ લૂંટારુઓએ બેંકના કર્મચારીઓને બંદૂકની અણીએ ડરાવી-ધમકાવીને એક ખૂણામાં બંધક બનાવી દીધા હતા ત્યાર બાદ હથિયારના જોરે કેશ કાઉન્ટર અને સ્ટ્રોંગ રૂમમાંથી આશરે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળેથી રફુચક્કર થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા વરાછા, પુણા, કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત એસીપી અને ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક બેંક પર દોડી આવ્યો હતો. 
હાલમાં પોલીસે બેંકની આસપાસના તમામ રસ્તાઓ કોર્ડન કરી લીધા છે અને શહેરભરમાં નાકાબંધીના આદેશ આપ્યા છે. પોલીસ દ્વારા બેંકના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને લૂંટારુઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.