Thu Jun 18 2026

Logo

‘રામ રાખે તેને કોણ ચાખે’: સુરત સ્ટેશન પર ટ્રેનના પૈડા નીચે 20 સેકન્ડ સુધી ફસાયેલા યુવકનો થયો આબાદ બચાવ, જુઓ વીડિયો

2026-04-04 14:24:00
Author: Mumbai Samachar Team
Article Image

સુરત: શહેરના રેલવે સ્ટેશન પર ગત રોજ નાનભૂલીથી મુસાફરનો જીવ જતા જતા બચ્યો હતો. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર 'અજમેર સ્પેશિયલ' ટ્રેન રવાના થઈ રહી હતી ત્યારે બનેલી આ ઘટનાએ ત્યાં હાજર તમામ લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. રેલવે તંત્રની વારંવારની ચેતવણી છતાં મુસાફરો દ્વારા કરવામાં આવતા જીવલેણ સાહસનું આ જીવંત ઉદાહરણ સુરત સ્ટેશન પર જોવા મળ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અજમેર સ્પેશિયલ ટ્રેન જ્યારે પ્લેટફોર્મ છોડી રહી હતી, ત્યારે એક મુસાફરે દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેનની ગતિને કારણે મુસાફર પોતાનું સંતુલન જાળવી શક્યો નહીં અને તેનો પગ લપસતા તે સીધો જ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યા જઈ ખાબક્યો. મુસાફર લગભગ ૨૦ સેકન્ડ સુધી ટ્રેનની નીચે ફસાયેલો રહ્યો હતો.

 

 

ઘટના બનતા જ સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી હતી. તાત્કાલિક ટ્રેનની સાંકળ ખેંચી ટ્રેનને ઉભી રખાવી હતી. ટ્રેન ઉભી રહેતા જ રેલવે પોલીસ અને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ ફસાયેલા મુસાફરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. સદનસીબે મુસાફરને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો. 'રામ રાખે તેને કોણ ચાખે’ તે ઉક્તિ અહીં સાર્થક થતી જોવા મળી હતી.

આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને કોઈપણ વ્યક્તિ થરથરી ઉઠે તેમ છે. સુરત રેલવે પ્રશાસને આ ઘટના બાદ ફરી એકવાર મુસાફરોને અપીલ કરી છે કે, ગમે તેટલી ઉતાવળ હોય પણ ક્યારેય ચાલુ ટ્રેનમાં ચઢવાનો કે ઉતરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તમારી થોડીક સેકન્ડો બચાવવાની ઉતાવળ આખા પરિવારને મુશ્કેલીમાં ધકેલી શકે છે.