Thu Sep 10 2026

Logo

સુરતમાં ₹ 116 કરોડના પોલીસ આવાસોનું લોકાર્પણ: પોલીસ માટે 20,000 નવા મકાન બનાવવામાં આવશે

2026-03-26 18:17:48
Author: Devayat Khatana
સુરતમાં ₹ 116 કરોડના પોલીસ આવાસોનું લોકાર્પણ: પોલીસ માટે 20,000 નવા મકાન બનાવવામાં આવશે

સુરતઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રૂ. 116 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત પીપલોદ પોલીસ લાઇન ખાતે 192 આવાસો, રાંદેર પોલીસ લાઇન ખાતે 40 આવાસો, ભેસ્તાન પોલીસ સ્ટેશન અને હજીરા ખાતે મરીન ટાસ્ક ફોર્સના રહેણાંક તથા બિન-રહેણાંક મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કમ્યુનિટી હોલનું લોકાર્પણ અને કિચનર્સ બેરેકનું ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત સરકારે પોલીસ વિભાગના માધ્યમથી રાજ્યના કોન્સ્ટેબલ પરિવારો માટે એકસાથે 20 હજારથી વધુ મકાનો બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર પોલીસ આવાસો માટે સમગ્ર રાજ્યમાં એકસમાન 'ફ્લેટ એલોટમેન્ટ સ્કીમ' અમલમાં મૂકવા જઈ રહી છે. 

પોલીસ દળની કાર્યક્ષમતા અને સુખાકારી વધારવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં તમામ પોલીસ કર્મીઓને શુભેચ્છાઓ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, આ આધુનિક સુવિધાઓ પોલીસ પરિવારો માટે સુખાકારીનો નવો અધ્યાય સાબિત થશે.

આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય પ્રધાને સી.આર. પાટીલે એક મહત્વની વાત કરી હતી. તેમણે હર્ષ સંઘવીને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, પોલીસકર્મીઓ અત્યારે 8 કલાકથી વધુ સમય સુધી નોકરી કરે છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય અને કૌટુંબિક જીવન પર માઠી અસર પડે છે. જો યોગ્ય આયોજન કરવામાં આવે તો 70થી 80 ટકા કર્મચારીઓને 8 કલાકની ફિક્સ ડ્યુટી આપી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું.