Tue Jul 14 2026

Logo

નાસિરનગર ડિમોલિશનઃ કમિશનરે આદેશ આપ્યા હોવાનો સસ્પેન્ડેડ એન્જિનિયરનો કોર્ટમાં આક્ષેપ

2026-07-14 19:49:59
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ખૂબ જ વિવાદાસ્પદ બનેલા સુરતના નાસિરનગર ડિમોલિશનમાં સસ્પેન્ડ થયેલા એન્જિનિયરે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને ડિમોલિશનના આદેશ સુરત મનપા કમિશનરે આપ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે સોમવારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી સસ્પેન્ડ કરાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિના આક્ષેપો પર જવાબ માંગ્યો હતો. 

અહેવાલો અનુસાર સુરતના નાસિરનગર ઝૂંપડપટ્ટીના ૩૦ મેના રોજ થયેલા ડિમોલિશન અંગે થયેલી તપાસ બાદ પ્રજાપતિને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટ સમક્ષ આપેલા સોગંદનામામાં, સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે કોઈ પણ સરકારી એજન્સીએ આ વિસ્તારમાં ડિમોલિશનનો આદેશ આપ્યો નથી અને દાવો કર્યો હતો કે તેઓ આ અંગે જાણતા નથી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે ફરિયાદો મળ્યા બાદ, તેમણે તપાસ શરૂ કરી હતી અને પ્રજાપતિ સહિત પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

પોતાના સસ્પેન્શનને પડકારતા, પ્રજાપતિએ હાઇકોર્ટ સમક્ષ એક વોટ્સએપ ચેટ રજૂ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે કમિશનરે તેમને રસ્તો પહોળો કરવા અને અતિક્રમણ દૂર કરવા માટે નિર્દેશ આપ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કમિશનરના નિર્દેશો કોઈના કહેવા પર જારી કરવામાં આવ્યા હતા, તેમણે કમિશનર તરફથી મળેલા ફોરવર્ડ કરેલા સંદેશનો ઉલ્લેખ કર્યો હોવાની માહિતી અહેવાલ દ્વારા મળી હતી.

તેમના વકીલે સંદેશ વાંચ્યો હતો. પ્રજાપતિએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે કમિશનરે તેમને કામ જેમ બને તેમ જલદી કરવા જણાવ્યું હતું. તેમણે કમિશનર પર અન્ય આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે પછીથી કમિશનરે કોર્ટની સામે પોતે અજાણ હોય તેવું વર્તન કર્યું હતું. 

હવે આગામી સુનાવણી 20મી જુલાઈએ થશે. સુરત મનપાને પ્રજાપતિની અરજી મુદ્દે આવતા અઠવાડિયે જવાબ આપવા જણાવ્યું હોવાની માહિતી અહેવાલ દ્વારા મળી હતી.