Sat Apr 18 2026

Logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, AAPની મોટી જાહેરાત; આ દિગ્ગજ નેતાને ઉતાર્યા મેદાનમાં

2026-04-07 13:07:00
Author: MayurKumar Patel
Article Image


અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ઘણા ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી. આ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાને મેદાનમાં ઉતારાશે.
 
આ ઉપરાંત ઈસુદાન ગઢવીએ કહ્યું, સુરતમાં AAP એ 5 વર્ષ સુધી વિપક્ષ તરીકે ખુબ મજબુતીથી કામ કર્યું છે, હવે સુરતમાં ઉમેદવારો જાહેર થતા જ લોકો ખુબ ઉત્સાહમાં છે અને જનતાની માંગ છે કે સુરતમાં પાર્ટીમાંથી કોઈ મોટા નેતાને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે જેને ધ્યાને રાખી પાર્ટીએ આ નિર્ણય કર્યો છે. અમને પૂરો વિશ્વાસ છે કે સુરતની જનતા આમ આદમી પાર્ટીનો મેયર બનાવવા તૈયાર છે.

https://x.com/AAPGujarat/status/2041406264463524030

ઈસુદાન ગઢવીએ વીડિયોમાં કહ્યું, આમ આદમી પાર્ટી સારા, ભણેલા ગણેલા, હોશિયાર, મહેનતુ, વફાદાર અને પ્રજાના કામો કરનારા ઉમેદવારો પસંદ કરી રહી છે. આજે સુરતની જનતા પણ ઈચ્છી રહી હતી, કેટલાય ફોન આવ્યા કે મનોજભાઈ સોરઠીયાને તમે અહીંયા ઉતારો, લડાવો. આજે સુરતનો જે માહોલ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ભણેલા ગણેલા, હોશિયાર અને 2012થી પાર્ટી માટે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ પાર્ટીને ઉભી રાખનાર એવા મજબૂત લીડર, સંગઠનના માહિર અને લોકોના હિતની વાત કરનારા મનોજભાઈ સોરઠીયાને આજે અમે ઉમેદવાર તરીકે જાહેર કરતા મને બહુ આનંદની લાગણી અનુભવું છું.

મનોજ સોરઠિયાને અભિનંદન આપું છું કે સુરતની જનતા તમારો ઈંતજાર કરે છે અને જલ્દી ચૂંટાઈ અને સુરતમાં સારું સુશાસન આપો.  વિપક્ષ તરીકે પાંચ વર્ષમાં પણ આમ આદમી પાર્ટીએ ખૂબ કામ સારા કર્યા છે ત્યારે હવે મેયર પદ જ્યારે લોકો સુરતના આપશે તો એમાં પણ સુરતને સુંદર બનાવવા માટેની આ ટીમ મજબૂતાઈથી કામ કરશે એવી મને આશા છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો પૈકી 75 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.  જેમાં પાયલ સાકરિયા, રચના હિરપરા સહિત મોટાભાગનાને રિપિટ કરવામાં આવ્યા હતા.

2021માં સુરતમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકો પર જીત થઈ હતી. સુરતની 120 બેઠકોમાંથી બાકીની 93 બેઠકો પર ભાજપની જીત થઈ હતી.  સુરતમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી.