સુરત: સુરત ગ્રામ્ય એલ.સી.બી. (LCB) એ ટેક્સ ચોરી અને છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સુરત સ્થિત "સદ્દગુરુ શિવમ ટ્રાવેલ્સ" ના માલિક અજયકુમાર વામજા સરકારી ટેક્સ બચાવવા માટે પોતાની અલગ-અલગ પેસેન્જર બસો પર એક જ રજીસ્ટ્રેશન નંબર લગાવીને ગેરકાયદેસર રીતે પરિવહન કરી રહ્યા છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ના પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી કડોદરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.
પોલીસની ટીમે કડોદરા ખાતેથી નાશિક-સુરત રૂટની બસને અટકાવી હતી. આ જ સમયે બાતમી મળી હતી કે આ જ નંબરની બીજી બસ અમરેલીથી સુરત તરફ આવી રહી છે, જેથી પોલીસે સુરત શહેરમાં રેઈડ કરી બીજી બસ પણ ઝડપી પાડી હતી. આશ્ચર્યજનક રીતે, બંને બસોમાં એક જ રજીસ્ટ્રેશન નંબર હોવા ઉપરાંત તેના એન્જિન અને ચેસિસ નંબર સાથે પણ ચેડા કરી તેને એકસરખા બનાવ્યા હોવાનું રેકેટ બહાર આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સરકારને લાખો રૂપિયાનો પેસેન્જર ટેક્સ ન ચૂકવવો પડે તે માટે માલિક દ્વારા આ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી.
આ કામગીરીમાં પોલીસે બસ ચાલક બિજલભાઈ પુનાભાઈ ભુરખીયા (રહે. ભાવનગર) ની ધરપકડ કરી છે, જ્યારે ટ્રાવેલ્સના માલિક અજયભાઈ રમેશભાઈ વામજા (રહે. વરાછા, સુરત) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બંને લક્ઝરી બસો જપ્ત કરી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.