Tue Jul 07 2026

Logo

સુરત પાણી-પાણી! 2 કલાકમાં સવાચાર ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 5 ડેમ હાઈ એલર્ટ પર

2026-07-06 21:36:16
Author: Devayat Khatana
Article Image

વીજળી પડતા બે લોકોનાં મોત, અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા

સુરત: દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક ભાગોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ડાયમંડ સિટી સુરતમાં બે જ કલાકમાં સવાચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં શહેર પાણી પાણી થઈ ગયું હતું. આ ઉપરાંત વાપીમાં 6 વાગ્યા સુધીમાં 4.13 ઇંચ જેટલો પડ્યો છે. તે સિવાય પારડીમાં 4.09 ઇંચ વરસાદ પડ્યો છે. આ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા હતાં. જો કે વરસાદમાં એક દુર્ઘટના પણ સર્જાય હતી, જેમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતાં. 

આજે વરસાદનું જોર દક્ષિણ ગુજરાત પર વધુ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વલસાડ અને સુરત જિલ્લાના અનેક ભાગોમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર,  સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરતમાં 4.41 ઇંચ, વાપીમાં 4.13 ઇંચ, પારડીમાં 4.09 ઇંચ, મહિસાગરના ખાનપુરમાં 3.86 ઇંચ, કામરેજમાં 3.31 ઇંચ, સાગબારામાં 3.11 ઇંચ, રાધનપુરમાં અને નાનાપોંઢામાં 2.99 ઇંચ, ઉમરગામમાં 2.76 ઇંચ, કપરાડામાં 2.56 ઇંચ અને વલસાડમાં 2.52 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 

રાજ્યમાં આજ સવારના 06 કલાક સુધીમાં કુલ એકંદર 156.87 મિમિ વરસાદ પડેલ છે. જે સરેરાશ વરસાદની સામે 17.26 % જેટલો થાય છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 23.33 ટકાથી વધારે વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં 20.83 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 12.35 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 10.42 ટકા અને કચ્છ ઝોનમાં સૌથી ઓછો માત્ર 0.42 ટકા વરસાદ વરસ્યો છે. 

રાજ્યના જળાશયોની સ્થિતિ
ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની વિપુલ આવકના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 216278 MCFT એટલે કે આશરે 64.74% જેટલો જળસંગ્રહ થયો છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ 215781 MCFT પાણીનો સંગ્રહ થયો છે.  

હાલ રાજ્યના 2 ડેમ સંપૂર્ણ 100% ભરાયા છે, 19 ડેમ 70 %થી વધુ, 19 ડેમ 50%થી વધુ, 51 ડેમ 25 %થી વધુ અને 115 ડેમ 25% કરતા ઓછા ભરાયેલા છે. વર્તમાન જળસપાટીને જોતાં 05 ડેમ 'હાઇ એલર્ટ' પર, 03  ડેમ 'એલર્ટ' પર અને 09  ડેમ 'વોર્નિંગ લેવલ' પર રાખવામાં આવ્યા છે.