Mon Oct 05 2026

Logo

સુરત ફેમિલી કોર્ટમાં ખળભળાટ: ભરણપોષણના કેસમાં પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક

2026-03-13 18:11:13
Author: Devayat Khatana
સુરત ફેમિલી કોર્ટમાં ખળભળાટ: ભરણપોષણના કેસમાં પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક

Gemini AI Generated Image


(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરત:
સુરતના જિલ્લા સેવા સદનમાં આવેલી ફેમિલી કોર્ટમાં વર્ષોથી ચાલી રહેલા ભરણપોષણના કેસની સુનાવણી દરમિયાન એક વૃદ્ધ પતિએ પોતાની પત્ની પર એસિડ ફેંકીને તેને ગંભીર ઈજા પહોંચાડતા ચકચાર મચી જવા પામી હતી. 

આ હુમલામાં આગળની હરોળમાં બેઠેલી પત્ની દાઝી ગઈ હતી, જ્યારે નજીક બેઠેલા કેટલાક વકીલો પર પણ એસિડના છાંટા ઉડ્યા હતા. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, આ દંપતીની ઉંમર 65થી 70 વર્ષની આસપાસ છે. આરોપી પતિ વિનોદભાઈ અને ભોગ બનનાર પત્ની શારદાબેન વચ્ચે વર્ષ 2007થી કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો છે. 

એડવોકેટના જણાવ્યા અનુસાર, આરોપી પતિ અગાઉ પણ પત્નીની હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. એવું માનવામાં આવે છે કે ભરણપોષણની રકમ ચૂકવવી ન પડે તેવા ઈરાદા સાથે પતિએ કોર્ટરૂમમાં આ હુમલો કર્યો હતો.

એસિડ એટેક કર્યા બાદ આરોપી પતિએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે કોર્ટ સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી અને કોર્ટ સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
 
પોલીસે ઘટનાસ્થળે પહોંચી એસિડની બોટલ અને અન્ય વસ્તુઓ કબજે કરી તપાસ હાથ ધરી છે. હાલમાં પતિ અને પત્ની બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમજ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.