Thu Jun 11 2026

Logo

સુરતમાં મિત્રને ચોથા માળેથી ફેંકી દેનારો હત્યાનો આરોપી 14 વર્ષે બિહારથી ઝડપાયો

2026-06-11 19:35:50
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત:
સુરત ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2012ના ચકચારી મર્ડર કેસના મુખ્ય સૂત્રધાર ભોલાસિંહને આશરે 14 વર્ષ બાદ બિહારથી ઝડપી પાડ્યો હતો. વર્ષ 2012માં સુરતમાં બનેલી આ ઘટના બાદથી જ આરોપી સતત ફરાર હતો, જેના કારણે અદાલતે તેની સામે નોન-બેલેબલ વોરંટ પણ જાહેર કર્યું હતું. 

સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ગાઝિયાબાદમાં છુપાયેલો આ શખસ હાલમાં બેરોજગારીના કારણે બિહારના ભોજપુર જિલ્લાના ઈશ્વરપુરા ગામે આવ્યો છે. આ સચોટ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક બિહાર પોલીસની મદદથી ગામને ઘેરીને આરોપીને દબોચી લીધો હતો અને ટ્રાન્સફર વોરંટ આધારે સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે અમરોલી પોલીસને સોંપ્યો હતો.

આ સમગ્ર મામલાની વિગત એવી છે કે 2012માં આરોપી અને તેનો પરિચિત રોજગારી માટે બિહારથી સુરત આવ્યા હતા અને અમરોલી વિસ્તારમાં આવેલા એક મિત્રના ઘરે આશરો લીધો હતો. બંને મિત્રો અમરોલી સ્ટેશન રોડ પર આવેલી એક પ્રિન્ટિંગ મિલમાં મજૂરી કામ કરતા હતા. 

આ દરમિયાન રૂમનું ભાડું ચૂકવવા અને ઘરના અન્ય ખર્ચના પૈસા બાબતે ભોલાસિંહ અને મોહિતસિંહ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. આ આર્થિક વિવાદ એટલો વધી ગયો કે એક દિવસ ભોલાસિંહે તેના અન્ય એક સાથીદાર અમિત સિંહ સાથે મળીને કોસાડ ખાતે એસએમસી આવાસના ચોથા માળની અગાશી પર મોહિતસિંહને ઘેરી લઈને માર મારીને અગાશી પરથી નીચે ફેંકી દીધો હતો, જેથી ગંભીર ઈજાઓ થવાના કારણે મોહિતસિંહનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 

આ ઘટના બાદ પોલીસે તપાસના શરૂઆતના તબક્કામાં સાગરીત અમિત સિંહની ધરપકડ કરી લીધી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર ભોલાસિંહ પોલીસને ચકમો આપીને તાત્કાલિક સુરતથી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ભાગી ગયો હતો. 

કાયદાના સકંજામાંથી બચવા માટે તે છેલ્લા 14 વર્ષથી ઉત્તર પ્રદેશ સહિત અલગ-અલગ રાજ્યોમાં પોતાની અસલી ઓળખ છુપાવીને અને સતત રહેઠાણ તેમ જ નોકરીઓ બદલીને છૂટક મજૂર તરીકે જીવન ગુજારતો હતો, પરંતુ આખરે તે કાયદાના સકંજામાં આવી ગયો હતો.