Mon Oct 05 2026

Logo

સુરતના ક્યા ડાયમંડ કિંગને અલ કાયદાના આતંકી ઉઠાવી ગયા?  44 કરોડ રૂપિયા આપીને પરિવારે છોડાવ્યા

2026-07-17 09:20:28
Author: Mayur Patel
સુરતના ક્યા ડાયમંડ કિંગને અલ કાયદાના આતંકી ઉઠાવી ગયા?  44 કરોડ રૂપિયા આપીને પરિવારે છોડાવ્યા

સુરતઃ ડાયમંડ કિંગ ધીરુ રામાણીને અલ કાયદાના આતંકી ઉઠાવી ગયા હતા. જે બાદ પરિવારજનોએ 44 કરોડ રૂપિયા આપીને તેમનો છૂટકારો કરાવ્યો હતો.

અપહરણકારોએ હીરાના 75 વર્ષીય વેપારી ધીરુ રામાણી સાથે અન્ય બે ભારતીય – તેમના રસોઇયા અને ઇલેક્ટ્રિશિયનનું ત્રણ મહિના પહેલાં અપહરણ કર્યું હતું અને તેઓને છોડવા માટે રૂપિયા 100 કરોડ માગ્યા હતા. આમ છતાં, છેવટે અંદાજે રૂપિયા 44 કરોડ ચૂકવીને તેઓને છોડાવવામાં સફળતા મળી હતી.

પરિવારજનો હતા ચિંતિત

હીરા બજારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખંડણીની માગ કર્યા બાદ પરિવારજનો ખૂબ જ ચિંતિત હતા. પૈસાની વ્યવસ્થા કરવા માટે દોડધામ કરી હતી. તેમજ અમેરિકામાં રહેતા પરિવારે પોતાના સ્વજનને છોડાવવા માટે અપહરણ કરનારનો સંપર્ક કર્યો હતો.

 બે વર્ષ પહેલાં માલી શિફ્ટ થયા હતા

ધીરુ રામાણી સોનાની ખાણના પ્રૉજેક્ટ માટે બે વર્ષ પહેલાં માલી શિફ્ટ થયા હતા. રામાણી પરિવારના એક નજીકના સગાએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે તેમને છોડાવવાની આખી કામગીરી પરિવારે જ સંભાળો હતી. તેમાં કોઇ સરકારી એજન્સીની સહાય નથી લેવાઇ. તેમની હીરાની નિકાસ કરતી કંપની અને ન્યુ યોર્કમાં શોરૂમ્સ છે. સુરતના હીરા-મજારમાં તેમનું નામ ઘણું મોટું છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા વિદેશ મંત્રાલય દ્વારા એક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટતા કરાઈ હતી કે, માલી જેવા દેશમાંથી અપહરણ અને લાપતા થવાની વધી રહેલી ઘટનાઓ અંગે એલર્ટ રહેવા માટે ખાસ ભારતીયોને સૂચના આપવામાં આવી હતી.