નવી દિલ્હીઃ બિહારમાં એસઆઈઆરને લઈને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એસઆઈઆરની પ્રક્રિયામાં કોઈ ખામી નથી અને આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે બંધારણીય છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ ચુકાદા સાથે હવે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણી પંચની સત્તાઓ અકબંધ રહેશે. એસઆઈઆરની પ્રક્રિયાને લઈને ચૂંટણી પંચ પર સવાલ થયા હતો, તેમાં હવે ચૂંટણી પંચ પર લાગેલો દાગ હવે સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે.
શું હતો સમગ્ર કેસ?
સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં બંધારણના અનુચ્છેદ 326 અને 1950ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ અને તેના હેઠળ રચાયેલા નિયમો હેઠળ, ચૂંટણી પંચ પાસે આટલા મોટા પાયે SIR કરવાનો અધિકાર નથી. આ કેસમાં સુનાવણી કરતી વખતે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે 29 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આજે બુધવારના રોજ પોતાનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે SIR પ્રક્રિયા સંપૂર્ણપણે માન્ય અને કાયદેસર છે.
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, એસઆઈઆર પ્રક્રિયા વૈધ છે અને તેના પર કોઈ પણ પ્રકારની પાબંધી લગાવી શકાશે નહી. એટલું જ નહીં પરંતુ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી આ પ્રાક્રિયા તેના બંધારણીય અધિકાર પ્રમાણે જ કરવામાં આવી છે તેવું પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. વધુમાં કોર્ટે કહ્યું કે, મતદાર યાદીમાંથી નામ દૂર કરતી વખતે નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું, અને વ્યક્તિઓને નોટિસ મેળવવા અને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી.
કોના કોના દસ્તાવેજ માન્ય રહેશે, તે નક્કી કરવાનો અધિકાર પણ ચૂંટણી પંચ પાસે છે. આધાર કાર્ટને પણ કોર્ટના આદેશ પછી દસ્તાવેજોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું, આ વ્યવસ્થા પણ મનમાની નથી. એટલે કે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહેલી આ સંપૂર્ણ કાર્યવાહી પણ બંધારણીય રીતે યોગ્ય છે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.
આ કેસમાં સુપ્રીમ કોર્ટે શું - શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના ખાસ સઘન સુધારા કરવાના અધિકારને સમર્થન આપ્યું
SIR વિરુદ્ધ દાખલ કરાયેલી 20 થી વધુ અરજીઓ ફગાવી દેવામાં આવી
બિહારમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારાનો આદેશ આપવાથી લોક પ્રતિનિધિત્વ કાયદાનું ઉલ્લંઘન થતું નથી
SIR મતદાર યાદીઓની ચોકસાઈ સુનિશ્ચિત કરે છે અને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓને સરળ બનાવે છે
ચૂંટણી પંચે SIRનો ઉપયોગ કરતી વખતે કોઈપણ વૈધાનિક સત્તાઓનું અતિક્રમણ કર્યું નથી
SIR એક માન્ય કવાયત છે, જે સામાન્ય સુધારાથી અલગ છે, અને તેને Ultra Vires ગણી શકાય નહીં
ચૂંટણી પંચ પાસે હંમેશા SIR લાગુ કરવાનો અધિકાર રહ્યો છે અને આમ કરવાથી, તે બંધારણીય કે વૈધાનિક જોગવાઈઓનું ઉલ્લંઘન કરતું નથી
મતદાર યાદીમાંથી નામ દૂર કરવાથી વ્યક્તિની નાગરિકતાની સ્થિતિ પર કોઈ અસર પડતી નથી.
નાગરિકતા સંબંધિત બાબતોનો નિર્ણય લેવાનો અધિકાર ચૂંટણી પંચ પાસે નથી
મતદાર યાદીમાંથી દૂર કરાયેલા નામો અંગેના નિર્ણયો સંબંધિત વહીવટી અથવા ન્યાયિક સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવશે
જે વ્યક્તિઓના નામ દૂર કરવામાં આવ્યા અથવા બાકાત રાખવામાં આવ્યા તેઓ નિર્ધારિત કાનૂની પ્રક્રિયા અનુસાર વ્યક્તિગત પડકારો દાખલ કરી શકે છે.