Wed Sep 02 2026

Logo

ધોરણ 8ના પુસ્તકમાં ભ્રષ્ટાચારના પાઠ ભણાવાતા સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, CJIએ કહ્યું- 'આ બદનામ કરવાનું કાવતરું'

2026-02-25 13:14:00
Author: Tejas Rampara
ધોરણ 8ના પુસ્તકમાં ભ્રષ્ટાચારના પાઠ ભણાવાતા સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, CJIએ કહ્યું- 'આ બદનામ કરવાનું કાવતરું'

નવી દિલ્હી: ભારતીય ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડતા લખાણો સામે સુપ્રીમ કોર્ટે આકરો મિજાજ અપનાવ્યો છે. બુધવારે સર્વોચ્ચ અદાલતે NCERTના ધોરણ 8ના એક પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેના વિવાદાસ્પદ કન્ટેન્ટ પર સ્વતઃ સંજ્ઞાન (Suo Motu) લીધું હતું. ચીફ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે ન્યાયતંત્ર જેવી બંધારણીય સંસ્થાને બદનામ કરવાના કોઈપણ પ્રયાસને ગંભીરતાથી લેવામાં આવશે અને કાયદો પોતાનું કામ કરશે.

આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી. સિબ્બલે જણાવ્યું કે, "ધોરણ 8ના નાના બાળકોને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વિશે ભણાવવામાં આવી રહ્યું છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે." આ સાંભળીને ચીફ જસ્ટિસે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, "સંસ્થાના વડા તરીકે મેં મારી ફરજ બજાવી છે અને આ મામલે સંજ્ઞાન લીધું છે. હું કોઈને પણ આ સંસ્થાને બદનામ કરવાની પરવાનગી આપીશ નહીં."

સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ અવલોકન કર્યું હતું કે પાઠ્યપુસ્તકમાં કરવામાં આવેલો આ ઉલ્લેખ બંધારણના મૂળભૂત માળખા (Basic Structure) ની વિરુદ્ધ જણાય છે. કોર્ટે માન્યું છે કે આ કોઈ ભૂલ નહીં પણ જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય હોઈ શકે છે. આ લખાણના કારણે માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં, પરંતુ તમામ હાઈકોર્ટના ન્યાયાધીશો અને કાયદાકીય આલમમાં પણ ભારે નારાજગી અને ચિંતા જોવા મળી રહી છે.

NCERTના નવા પુસ્તકમાં શું છે વિવાદ?

NCERTની ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની નવી ટેક્સ્ટબુકમાં 'ન્યાયતંત્ર સામેના પડકારો' નામના વિભાગમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર, કેસોનો ભરાવો અને ન્યાયાધીશોની અછત જેવી ગંભીર સમસ્યાઓ છે. વધુમાં, પુસ્તકમાં ન્યાયાધીશો માટેની આચારસંહિતા (Code of Conduct) વિશે પણ લખવામાં આવ્યું છે, જે કોર્ટની અંદર અને બહાર તેમના વર્તનને નિયંત્રિત કરે છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર કન્ટેન્ટને સંસ્થાની છબી ખરાબ કરનારું ગણાવ્યું છે.

ચીફ જસ્ટિસે ખાતરી આપી છે કે તેઓ આ ગંભીર બાબતની વ્યક્તિગત રીતે તપાસ કરશે. તેમણે કહ્યું કે, "બાર અને બેન્ચ તમામ આ મુદ્દે પરેશાન છે. કૃપા કરીને થોડા દિવસ રાહ જુઓ, હું આ મામલો જાતે જોઈશ." સુપ્રીમ કોર્ટની આ કડક કાર્યવાહી બાદ હવે NCERT અને શિક્ષણ મંત્રાલયમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે આગામી દિવસોમાં પાઠ્યપુસ્તકમાંથી વિવાદાસ્પદ લખાણ હટાવવા અથવા તેમાં સુધારો કરવાના આદેશો અપાય તેવી પ્રબળ શક્યતા છે.