Fri May 01 2026

Logo

NCERT પુસ્તકમાં ભ્રષ્ટાચારના મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમઃ સીજેઆઈએ કહ્યું નામ આપો, એક્શન અમે લઈશું...

2026-02-26 15:27:00
Author: Tejas Rajpara
Article Image

નવી દિલ્હી: NCERTના આઠમા ધોરણમાં પાઠ્યપુસ્તકમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર'ના એક પ્રકરણને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારવતીથી ઉપસ્થિત રહેલા સોલિસિટર જનરલને એનસીઈઆરટીવતીથી માફી માગવાની વાતને ફગાવી હતી અને કોર્ટે સરકારને કહ્યું હતું કે આ કોણે કર્યું છે એનું નામ બતાવો એક્શન અમે લઈશું.

સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ (CJI)ની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલાને ગંભીર ગણાવતા કહ્યું કે વિદ્યાર્થીઓને નાની ઉંમરે આવી એકતરફી વાતો શીખવવી તે સંસ્થાકીય માળખા માટે જોખમી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ માત્ર ટીકાનો મુદ્દો નથી, પરંતુ શિક્ષણની પવિત્રતા અને સત્યતા જાળવવાનો સવાલ છે. સરકાર તરફથી માફી માંગવામાં આવી હોવા છતાં કોર્ટે આ કેસ બંધ કરવાનો ઇનકાર કરી દીધો છે.

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્વીકાર્યું હતું કે આ પ્રકરણ અયોગ્ય છે અને NCERT આ બદલ બિનશરતી માફી માંગે છે. જોકે, ચીફ જસ્ટિસે સવાલ કર્યો કે જ્યારે આ પુસ્તકો બજારમાં અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે, ત્યારે માફીનો શું અર્થ? 
કોર્ટે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, જેમણે પણ આ પ્રકરણ તૈયાર કર્યું છે તેમના નામ જાહેર કરવામાં આવે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કોર્ટ પોતે કરશે. કોર્ટે તો ત્યાં સુધી કહ્યું કે આ મામલે શા માટે કોર્ટના તિરસ્કાર (Contempt of Court)નો કેસ ન ચલાવવો જોઈએ?

સુપ્રીમ કોર્ટે NCERTને કડક આદેશ આપ્યો છે કે આ પુસ્તકની તમામ હાર્ડ કોપી અને સોફ્ટ કોપી તાત્કાલિક અસરથી બજાર અને શાળાઓમાંથી પાછી ખેંચી લેવામાં આવે. ડિરેક્ટરની જવાબદારી નક્કી કરવામાં આવી છે કે તેઓ શાળાઓમાં પહોંચેલા પુસ્તકો જપ્ત કરે અને બે અઠવાડિયામાં તેનો પાલન રિપોર્ટ ફાઇલ કરે. 
આ ઉપરાંત, પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ ડિજિટલ કોપીને પણ તમામ પ્લેટફોર્મ પરથી હટાવવા જણાવાયું છે. કોર્ટે આ પુસ્તકના ઉત્પાદન અને વિતરણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.

સુપ્રીમ કોર્ટે આ ઘટનાને ન્યાયતંત્ર પર થયેલી ગોળીબાર સમાન ગણાવી છે. CJI એ ટિપ્પણી કરી હતી કે જ્યારે ન્યાયતંત્ર પર ચારેબાજુથી હુમલા વધ રહ્યા છે, ત્યારે એક ઊંડા કાવતરાના ભાગરૂપે આવું લખાણ છાપવામાં આવ્યું હોય તેમ જણાય છે. 
સોલિસિટર જનરલે ખાતરી આપી હતી કે જવાબદાર વ્યક્તિઓને ભવિષ્યમાં કોઈ પણ સરકારી કામગીરીમાં સામેલ કરવામાં નહીં આવે. હવે આ ગંભીર મામલાની આગામી સુનાવણી 11 માર્ચના હાથ ધરવામાં આવશે, જેમાં કોર્ટ નક્કી કરશે કે NCERTની માફી સ્વીકારવી કે નહીં.

વકીલ અભિષેક મનુ સિંઘવીએ આરોપ મૂકતા કહ્યું કે ઓનલાઈન સર્ક્યુલેશન હાર્ડ કોપીથી વધુ છે. સીજેઆઈએ કહ્યું કે આ મુદ્દે અમે વધુ તપાસ કરવા ઈચ્છીએ છીએ. અમને એ પણ જાણ થાય કે કોણ છે જવાબદાર અને કોણ કોણ છે. આ કેસમાં સજા મળવી જોઈએ અમે લોકો કેસ બંધ કરીશું નહીં.