નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સગીર વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટના ઉપયોગને લઈને કેન્દ્ર સરકારને એક મહત્વપૂર્ણ અને કડક કદમ ઉઠાવવા માટે નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓ માટે સગીરોના એકાઉન્ટ અંગેની વર્તમાન વ્યવસ્થાને માત્ર માર્ગદર્શિકા (ગાઈડલાઈન) પૂરતી સીમિત ન રાખવી જોઈએ, પરંતુ તેને ભારતીય કાયદા હેઠળ વધુ અસરકારક બનાવવી જોઈએ.
કોર્ટે સરકારને કહ્યું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સ્વતંત્ર રીતે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ન બનાવી શકે તેવો નિર્દેશ તમામ કંપનીઓને આપવામાં આવે. હાલમાં ઇન્ટરમીડિયરી રૂલ્સમાં આ બાબતનો ઉલ્લેખ છે, પરંતુ કોર્ટે આ વ્યવસ્થાને કાયદાકીય રીતે વધુ પ્રભાવશાળી રીતે લાગુ કરવા પર ભાર મૂક્યો છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી પર સુનાવણી દરમિયાન સગીરોની ઓનલાઈન સુરક્ષા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ કેસમાં અરજદાર વતી વરિષ્ઠ વકીલ એચ. એસ. ફૂલકાએ મહત્વની દલીલ રજૂ કરતા જણાવ્યું હતું કે ભારતીય કાયદા મુજબ 18 વર્ષથી નાની ઉંમરના બાળકો સ્વતંત્ર રીતે કોઈ પણ કરાર કરવા માટે સક્ષમ નથી.
આમ છતાં, તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિયમો અને શરતો સ્વીકારીને સરળતાથી પોતાનું એકાઉન્ટ બનાવી લે છે. કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરવા જણાવ્યું છે કે સગીરો દ્વારા પ્લેટફોર્મ સાથે થતા કરાર પર પ્રતિબંધ મૂકતી વ્યવસ્થાને કાયદાકીય રૂપ આપવામાં આવે.
આ અરજીમાં માત્ર બાળકોને ડિજિટલ દુનિયાથી સંપૂર્ણપણે દૂર રાખવાની વાત નથી કરવામાં આવી, પરંતુ એક એવા અભિગમ અપનાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ડિજિટલ પ્લેટફોર્મથી સાવ અલગ કરવાને બદલે, માતા-પિતા અથવા કાનૂની વાલીની સંમતિ અને કડક દેખરેખ હેઠળ એક નિયત ઉંમર પછી મર્યાદિત ઉપયોગની છૂટ આપવી જોઈએ.
હાલના ઈન્ટરમીડિયરી નિયમો હેઠળ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ માટે ઘણા નિયમો અસ્તિત્વમાં છે, પરંતુ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સગીરોના એકાઉન્ટ બનાવતા રોકવા માટે હાલમાં કોઈ પ્રભાવશાળી અને સમાન એજ-વેરિફિકેશન સિસ્ટમ ઉપલબ્ધ નથી.
કોર્ટ અગાઉ પણ સગીરોની ઓનલાઈન સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂકી છે અને આ માટે નક્કર દિશાનિર્દેશોની જરૂરિયાત પર જોર આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં થયેલી એક સુનાવણી દરમિયાન પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારતમાં બાળકોને સાયબર સ્પેસમાં સુરક્ષિત રાખવા માટે પૂરતા સુરક્ષા ઉપાયો હોવા અત્યંત આવશ્યક છે.