Mon Oct 05 2026

Logo

શ્રી દેવીની ચેન્નાઈની મિલકત મુદ્દે સુપ્રીમ કોર્ટની બોની કપૂર અને બે પુત્રીઓને નોટિસ

2026-09-16 19:58:11
Author: Chandrakant Kanoja
શ્રી દેવીની ચેન્નાઈની મિલકત મુદ્દે સુપ્રીમ કોર્ટની બોની કપૂર અને બે પુત્રીઓને નોટિસ

નવી દિલ્હી: બોલિવૂડની સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રી દેવીની ચેન્નાઈની મિલકત અને કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. આ કેસ હવે છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. તેમજ આ કેસમાં કોર્ટે શ્રી દેવીના પતિ અને ફિલ્મ નિર્માતા બોની કપૂર અને બે પુત્રીઓ, જ્હાન્વી અને ખુશી કપૂરને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત  અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે મિલકતની વર્તમાન સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે.  

સ્થાવર મિલકત અંગે બંને પક્ષોને કડક નિર્દેશો આપ્યા 

સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી. અદાલતે ચેન્નાઈના ઈસ્ટ કોસ્ટ રોડ (ECR) વિસ્તારમાં આવેલી શ્રીદેવીની આ સ્થાવર મિલકત અંગે બંને પક્ષોને કડક નિર્દેશો આપ્યા હતા.  આ ઉપરાંત અદાલતે સૂચન પણ કર્યું હતું કે બંને પક્ષોએ પરસ્પર  મધ્યસ્થતાથી વિવાદનો ઉકેલ લાવવો જોઇએ. 

આગામી સુનાવણી 18 ડિસેમ્બરના રોજ 

આ અગાઉ કેસ મદ્રાસ હાઈકોર્ટ સમક્ષ હતો. જેણે એમ.સી. શિવગામી અને એમ.સી. નટરાજનના દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દઈને સંપૂર્ણપણે કપૂર પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટના તે ચુકાદાથી અસંતુષ્ટ થઈને એમ.સી. શિવગામી અને નટરાજને હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેના પગલે કોર્ટે કપૂર પરિવારને નોટિસ ઇસ્યુ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની આગામી સુનાવણી 18 ડિસેમ્બરના રોજ નિર્ધારિત કરી છે. 

એમ.સી. શિવગામી અને એમ.સી. નટરાજને વિવાદ ઉભો કર્યો 

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં  એમ.સી. શિવગામી અને એમ.સી. નટરાજનનો આરોપ છે કે વર્ષ  1988  તેમની માતા ચંદ્રભાનુ એ પિતા એમ.સી. ચંદ્રશેખરન મુદલિયારની જાણ બહાર આ જમીન ખોટી રીતે શ્રીદેવી અને તેમના પરિવારને વેચી દેવામાં આવી હતી. જોકે, મદ્રાસ હાઇકોર્ટે એમ.સી. શિવગામી અને એમ.સી. નટરાજન  અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે પિતા જીવતા હતા તે સમયે અરજી ન કરીને અત્યારે અરજી કરવાનો હેતુ જમીન હડપ કરવાનો છે.