Sun Mar 08 2026

Logo

"લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધતા પહેલા સાવધ રહો": સુપ્રીમ કોર્ટની લાલબત્તી સમી ટિપ્પણી...

2 weeks ago
Author: Devayat
Article Image

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે લગ્નના લાલચ આપી દુષ્કર્મના એક કેસમાં જામીન અરજી પર સુનાવણી કરતા લગ્ન પહેલાના શારીરિક સંબંધો અંગે અત્યંત ગંભીર અને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની ખંડપીઠે આવા સંબંધોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોર્ટે એક એવા વ્યક્તિની અરજી પર સુનાવણી કરી હતી, જેણે પોતે પરિણીત હોવા છતાં એક મહિલાને લગ્નનું વચન આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને બાદમાં અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા.

સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, લગ્ન પૂર્વે શારીરિક સંબંધ બાંધતા પહેલા ગંભીરતાથી વિચારવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, "કદાચ અમે જૂના વિચારો ધરાવતા હોઈએ, પરંતુ લગ્ન પહેલાં યુવક અને યુવતી એકબીજા માટે અજાણ્યા હોય છે. સંબંધોમાં ગમે તેટલા ઉતાર-ચઢાવ આવે, પણ લગ્ન પૂર્વે શારીરિક નિકટતા કેવી રીતે કેળવી શકાય તે સમજની બહાર છે." કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે લગ્ન પહેલા કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ.

સમગ્ર મામલાની વિગત મુજબ, પીડિત મહિલાની મુલાકાત વર્ષ 2022માં એક મેટ્રિમોનિયલ વેબસાઈટ દ્વારા આરોપી સાથે થઈ હતી. મહિલાનો આરોપ છે કે આરોપીએ લગ્નનું ઝાંસુ આપી દિલ્હી અને દુબઈમાં તેની સાથે અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં, મહિલાની સંમતિ વિના તેના વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. બાદમાં જાણવા મળ્યું કે આરોપીએ જાન્યુઆરી 2024માં પંજાબમાં અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા, જેના આધારે આ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.