મુંબઈ: ગત મહીને બારમતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજીત પવારનું મોત નીપજ્યું હતું, ત્યાર બાદ અજીત પવારના પત્ની સુનેત્રા પવાર તેમના ઉત્તરાધિકારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનનું પદ સંભાળ્યું છે, હવે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(NCP)ના સંગઠનમાં પણ સુનેત્રા પવાર સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે, ટૂંક સમયમાં તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી શકે છે.
અહેવાલ મુજબ ગઈ કાલે સોમારે NCPના વરિષ્ઠ નેતાઓ અને વિધાનસભ્યોની એક બેઠક યોજાઈ હતી, જેમાં સુનેત્રા પવારને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવા માટે સર્વસંમતિ સધાઈ હતી. NCPના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ સભ્યોએ સમર્થન આપ્યું હતું, જો કે આ અંગે સત્તાવાર અંતિમ નિર્ણય હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
વિલીનીકરણ પર બ્રેક લાગી?
અજીત પવારના મૃત્યું પહેલા NCP અને NCP (શરદચંદ્ર પવાર)ના વિલીનીકરણની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. અહેવાલો હતાં જે અજીત પવાર તેમના પિતરાઈ બહેન સુપ્રિયા સુળે સાથે બંને પક્ષોના વિલીનીકરણ અંગે ચર્ચા કરી રહ્યા હતાં, આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવે એ પહેલા જ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી.
અજીત પવારના મૃત્યુ બાદ બંને પક્ષોના વિલીનીકરણ અંગે ચર્ચા લગભગ બંધ થઇ ગઈ છે. સોમાવરે યોજાયેલી બેઠકમ પક્ષોના વિલીનીકરણ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી. બેઠક દરમિયાન NCP વિધાનસભ્યોને કડક સૂચના આપવામાં આવી છે કે પક્ષોના વિલીનીકરણ અંગે જાહેરમાં કોઈ નિવેદન આપવામાં ન આવે.
26 ફેબ્રુઆરીએ મુંબઈમાં NCPની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાવાની છે, જ્યાં સુનેત્રા પવારને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવી શકે છે. ત્યાર બાદ તેઓ પાર્ટીની નીતિ અંગે મહત્વના નિર્ણયો લઇ શકે છે.