સ્થાપત્યનું વાઈ-ફાઈ - હેમંત વાળા
આ એક રસપ્રદ રચના છે જે સૂર્યની ગતિના સિદ્ધાંતને અનુસરે છે. આની રચના-નિર્ધારણમાં સૂર્ય અને સમુદ્રનું પ્રભુત્વ છે. આ બે પરિબળોને આધારે જ આ રચના આ રીતે સૂચિત થઈ છે. સ્થાપત્ય રચનાના મોટાભાગના નિર્ણયો આ બે પરિબળો દ્વારા જ લેવાયાં હોય તેમ જણાય છે. ચીનના ઉત્તર પૂર્વમાં આવેલા દરિયાકાંઠાના શહેર યાનતાઈની આ એક સૂચિત - નિર્માણાધીન રચના છે જે પૂર્ણતાને પામશે ત્યારે તેની ગણના વિશ્વના ઉલ્લેખનીય સ્થાપત્યમાં થશે તે વિશે કોઈ બેમત નથી.
આશરે 5000 ચોરસ મીટરના બાંધકામ તથા 50 મીટરની ઊંચાઈવાળી, ઓપન આર્કિટેક્ચર નામની સ્થાપત્ય-સંસ્થા દ્વારા નિર્ધારિત કરાયેલ આ રચના હજી પૂર્ણ થઈ નથી પણ અત્યારથી જ તેણે ઘણી ચર્ચાને વેગ આપેલો છે. જાતજાતના પતરાં જડીને સ્થાપત્યને નિર્ધારિત કરવાનું જે વલણ પ્રચલિત છે તેની સામે આ એક નિખાલસ રજૂઆત છે.
અહીં જોવાં માટે ગેલેરી - ઓબ્ઝર્વેશન ડેક, પુસ્તકાલય, ઓપન એર થિયેટર, સામાન્યજન માટેની વેધશાળા, જરૂરિયાત મુજબ ઓફિસ, જાહેર તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટેની સુવિધા, વ્યક્તિગત સ્વતંત્રતા માટેના સ્થાન અને સામાન્ય ખાણીપીણીની સવલતો ઉભી કરાઈ છે. મકાનની વિવિધ ઉપયોગીતાને વધુ રસપ્રદ બનાવવા અહીં જે તે સ્થાને છીછરા હોજ અને કલાત્મક ફુવારા ગોઠવાયા છે. અહીંની અર્ધ-ખુલ્લી વ્યૂઇંગ ગેલેરી ઉપરના એક વિશાળ છિદ્ર - ઓક્યુલસમાંથી વરસાદનું પાણી આવી શકે તેવી વ્યવસ્થા છે જે તેની નીચે આવે એક શાંતિ-પુલમાં એકત્રિત થાય છે. આને કારણે આ સ્થાનની અનુભૂતિ રોમાંચક બની રહે છે. સમુદ્રના ઘુઘવાટની વાત કરીએ તો, અહીં સમુદ્રની સન્મુખ ટાવરનો અંતર્મુખ આંતરિક શેલ સમુદ્રના અવાજને વિસ્તૃત કરે છે, જેનો પડઘો તેની આગળના ભાગમાં રચાયેલ એમ્ફી થિયેટર સુધી પહોંચે છે. આ એક અનેરો અનુભવ કહેવાય. આનાથી જ્યારે સમુદ્ર દ્રષ્ટિથી દૂર હોય ત્યારે પણ તેની હાજરીની પ્રતીતિ થતી રહે.
આ ટાવરનો સૌથી મહત્ત્વનો હેતુ કુદરત સાથે સંપર્ક સાધવાનો છે, સૂર્યની મહત્તાને સમજવાનો છે, સમુદ્રના અસ્તિત્વને માન આપવાનો છે. સાંપ્રત સમયમાં આમ પણ માનવી કુદરત સાથે સકારાત્મકતા અનુભવે તે જરૂરી છે. તેથી જ સમગ્ર રચનામાં વિષુવવૃતનું આગવું મહત્ત્વ છે. અહીં સૂર્યને જેટલી ગંભીરતાથી લેવામાં આવ્યો છે તેટલી જ ગંભીરતાથી સમુદ્રને પણ સ્થાન અપાયું છે. અહીં સમુદ્ર અને સૂર્યનું જોડાણ ભવ્યતાને પામે છે. અહીં સૂર્યોદયનું પણ મહત્ત્વ છે અને સૂર્યાસ્તનું પણ.
સમુદ્રની કોઈ છીપના આકાર પરથી પ્રેરણા લઈ આ મકાનની રચના કોંક્રીટના જાડા સ્તર વડે કરાઇ છે. આ બાહ્ય આવરણની વચ્ચે બધાંને પરસ્પર જોડવાં દાદર અને લિફ્ટ સાથે રેમ્પ અર્થાત ઢાળિયા રસ્તાનો પણ ઉપયોગ થયો છે. અહીંયાં વિશાળ બાંધકામ હોવાં છતાં બંધનની અનુભૂતિ નથી થતી. એ ઉપરાંત આ મકાનનો આકાર શંખ જેવો હોવાથી તેમાં ધ્વનિની રમત પણ આપમેળે શક્ય બની છે. સ્થાપત્યની પરિકલ્પનામાં માળખાકીય રચનાને ઉપયોગિતા સાથે સાંકળી લઇ વિશેષ પ્રકારની પ્રતિકાત્મક અનુભૂતિ સ્થાપિત કરવાનો આ સફળ પ્રયોગ છે. અહીં સમુદ્ર સાથે એક વિશેષ પ્રકારનો સંવાદ છે જેમાં વ્યક્તિગતતા અને સામૂહિકતા, બંનેને જાણે ન્યાય અપાયો છે. આમ જોવા જઈએ તો સમુદ્રની વિશાળતા સામે મકાન ક્ષુદ્ર ગણાય, પણ અહીં એમ નથી થતું. અહીં સમુદ્ર પોતાની ઓળખ જાળવી રાખે છે અને મકાન પોતાની ઓળખ ઊભી કરે છે. અહીં સમુદ્રનું મહત્ત્વ જળવાઈ રહે છે અને મકાન પણ પોતાના અસ્તિત્વની મહત્તા સ્થાપિત કરે છે.
સમુદ્રના વિવિધ સ્વરૂપને જેમ આ મકાનમાં પ્રતિભાવ અપાયો છે તેમ જુદી જુદી ઋતુમાં, જુદા જુદા સમયે આ મકાનમાં સૂર્યપ્રકાશની ભિન્ન ભિન્ન અદ્ભુત અનુભૂતિ થઈ શકે તે પ્રમાણેનું આયોજન કરાયું છે. આ માટે સ્થપતિએ સંવેદનશીલતાથી પ્રયત્ન કરેલો છે. આ રચનામાં સૂર્યના માર્ગની ભૌમિતિક સમજને આધારે સ્થાન-નિર્ધારણ કરાયું છે. સૂર્ય સાથે ઈચ્છનીય સંપર્ક સ્થપાય તે માટે વ્યવસ્થિત આયોજન કરી બારીઓ, ગોળાકાર છિદ્રો, પ્રેક્ષક ગેલેરી, ઊંચાઈમાં વધઘટ, આવનજાવનનો માર્ગ વિગેરે નિર્ધારિત કરાયા છે. જ્યારે વ્યક્તિ સમુદ્ર સાથે રસપૂર્વકનો દૃશ્ય સંપર્ક સ્થાપિત ત્યારે તેની અનુભૂતિમાં સૂર્યકિરણની હાજરી સહાયભૂત બનતી રહેતી હોય તેમ જણાય છે. સમુદ્ર અને સૂર્યની યથાર્થ સમજ થકી આ શક્ય બને. અહીં જેટલું મહત્ત્વ સૂર્યના માર્ગનું છે એટલું જ મહત્ત્વ સમુદ્રની સન્મુખતાનું છે.આ બંનેના સમન્વયથી ક્યારેક આ ટાવર દીવાદાંડી સમાન ભાસે છે.
આકર્ષક આકાર, યોજનાપૂર્વકનું વિભાગીકરણ, પ્રતિકાત્મક રજૂઆત, પરિસ્થિતિ સાથેનો ગાઢ સંબંધ, એક વિશાળ આકારમાં લાવવામાં આવેલી વિવિધતા, ઋતુ પ્રમાણે વ્યૂહાત્મક સ્થાનની ઉપયોગિતામાં રહેલી ભિન્ન ભિન્ન સંભાવના, બાંધકામ-યુક્ત અને બાંધકામ-મુક્ત વચ્ચેની વિભાવનાનું સંતુલન, સૂર્યની ગતિ સમજવામાં ભૌમિતિક ગણતરીની ચોકસાઇ, અનુભૂતિની વિવિધ પ્રકારની સંભાવનાનો સમાવેશ, માનવીની માનસિકતા માટે જરૂરી શાંતિને અપાયેલું મહત્ત્વ, આવન જાવનના માર્ગની અનુભૂતિમાં રહેલી વિવિધતા અને સમગ્રતામાં સ્થપાતી સુસંવાદિતતાને કારણે આ મકાન ઉલ્લેખનીય બને છે. સાંપ્રત સમયમાં અન્ય બધા જ આધુનિક મકાનો માટે કહેવાતું હોય છે તેમ અહીં પણ ઊર્જાની બચત, પર્યાવરણની અનુકૂળતા અને આધુનિક ટેકનોલોજી માટે દાવા કરાય છે