Thu Jun 25 2026

Logo

ખારા રણમાં મીઠી વીરડી...

2026-04-05 08:48:57
Author: આશુ પટેલ
Article Image

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

બિહારના મોતિહારીના અમિત દુબે મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા, પરંતુ વર્ષો અગાઉ તે પ્રેમમાં પડ્યા અને તેમના લગ્ન થયાં. એ વખતે તેમની પત્ની પ્રીતિની તબિયત ખરાબ રહેતી હતી, પરંતુ લગ્ન કર્યા એ પછી તો પ્રીતિની તબિયત વધુ લથડી. તે ઘર પણ સંભાળતી હતી અને બેન્કની નોકરી પણ કરતી હતી. એ સમયમાં દુબે હિમાચલ પ્રદેશમાં નોકરી કરતા હતા અને પ્રીતિ બિહારમાં એક બેન્કમાં ક્લર્ક તરીકે ફરજ બજાવતી હતી. એ સ્થિતિમાં પ્રીતિએ વિચાર્યું કે હું નોકરી છોડી દઉં. અમિત અને પ્રીતિ એ વિશે વાત કરવા બેઠાં. ઘર ચલાવવા માટે તે બંનેમાંથી એકે તો નોકરી છોડવી જ પડે એમ હતી. અમિતે કહ્યું, ‘તું નોકરી ન છોડ. હું નોકરી છોડી દઈશ અને હાઉસ હસબન્ડ તરીકે ફરજ બજાવીશ.’

તેમણે મક્કમ રીતે નિર્ણય લઈને નોકરી છોડી દીધી અને ઘરની બધી જવાબદારી સંભાળી લીધી. એ દિવસથી અમિત તેમની પત્નીની કરીઅર માટે, તેને તેની ઇચ્છા પ્રમાણે જિંદગી જીવવા દેવા માટે હાઉસહસબન્ડ બની ગયા!

એ પછી થોડા સમય બાદ પ્રીતિની બદલી એ બેન્કની કોલકાતા બ્રાન્ચમાં થઈ. અમિત તેની સાથે કોલકાતા રહેવા ચાલ્યા ગયા. પ્રીતિ બેન્કમાં નોકરી કરે છે એટલે તેની જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે હાઉસવાઈફ પતિની સાથે જતી હોય એ જ રીતે, હાઉસહસબન્ડ તરીકે અમિત તેની સાથે જ જાય છે. પ્રીતિ ઓડિશાના ભુવનેશ્વર સહિત દેશના અન્ય અનેક શહેરોમાં નોકરી કરી ચૂકી છે. અને એ દરેક જગ્યાએ અમિત તેની સાથે હાઉસહસબન્ડ તરીકે તેની બાજુમાં ઊભા રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી દુબે હાઉસહસબન્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ઘર ચલાવવાની જવાબદારી સંભાળી રહ્યા છે. તે  સવારે વહેલા ઊઠીને ઘરનું કામ શરૂ કરી દે છે.  રસોઈ બનાવે છે, પત્ની અને પુત્રી માટે ટિફિન તૈયાર કરી આપે છે. એ પછી આખો દિવસ ઘરનાં બધાં જ કામ તે કરે છે. પાંચ વર્ષની દીકરીની સંપૂર્ણ જવાબદારી પણ તેમણે સંભાળી લીધી છે.

અમિત મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી છોડીને ઘરની જવાબદારી સંભાળી એને કારણે ‘પોતાને નીચાજોણું થયું છે’ એવું દુબે માનતા નથી. ઊલટું, તેઓ હાઉસહસબન્ડ બનવા માટે ગૌરવ અનુભવે છે. તેમણે ‘હાઉસહસબન્ડ અમિત’ નામથી એક ઈન્સ્ટાગ્રામ પેજ પણ શરૂ કર્યું છે. જેમાં તે વીડિયો મૂકતા રહેતા હોય છે અને ઘણા લોકો તેમની પ્રશંસા કરતા હોય છે.

અમિત દુબે પાસેથી બીજા પુરુષોએ પણ પ્રેરણા લેવી જોઈએ. પતિ - પત્ની બંને નોકરી કરતા હોય અને બેમાંથી એકે નોકરી છોડવી પડે એવી સ્થિતિ ઊભી થાય ત્યારે લગભગ દરેક કિસ્સામાં એવું જ બનતું હોય છે કે પત્ની નોકરી છોડી દે અને ઘર સંભાળી લે. આપણા દંભી સમાજમાં તો એવા પણ કિસ્સા બનતા હોય છે કે કોઈ યુવતીનાં લગ્ન કોઈ યુવાન સાથે નક્કી થાય ત્યારે તેનો ભાવિ પતિ અને ભાવિ સાસુ-સસરા એવી સ્પષ્ટ ખાતરી આપતા હોય કે ‘લગ્ન પછી અમે તને નોકરી કરવા દઈશું.’ ઘણા તો એ ખાતરી એવી રીતે આપતા હોય છે કે જાણે કોઈ ઉપકાર કરી નાખતા હોય! તે કહે છે કે ‘અમે તને આ છૂટ આપીશું, પેલી છૂટ આપીશું.’ પણ છૂટ આપવાની શા માટે? દરેક વ્યક્તિનું સ્વાતંત્ર હોય એમ દરેક સ્ત્રીનું પણ સ્વાતંત્ર હોય જ. હોવું જ જોઈએ, પરંતુ એવી ખાતરી આપતી વખતે ઘણા નફ્ફટ પુરુષો અને સાસુ-સસરા પહેલેથી જ વિચાર કરીને બેઠા હોય છે કે એક વખત લગ્ન થઈ જાય પછી તે ક્યાં જશે?અને લગ્ન થઈ ગયાં પછી થોડા દિવસમાં જ સાસુ કે સસરા ડાઈનિંગ ટેબલ પર ઘરનાં બધાં જમતાં હોય એ વખતે પુત્રવધૂને આદેશ આપતા હોય છે કે ‘હવે નોકરી છોડી દે. આપણે આર્થિક રીતે સધ્ધર છીએ,આપણો વ્યવસાય છે’ (અથવા તો ‘અમારો દીકરો ખૂબ કમાય છે એટલે પૈસાની જરૂર નથી) એટલે હવે નોકરી છોડી દે.’

  એ વખતે છેતરપિંડીનો ભોગ બનેલી યુવતી પર જાણે વીજળી પડી હોય એવો આઘાત તેને લાગતો હોય છે, પરંતુ એ વખતે તેનો પતિ ય નફ્ફટાઈપૂર્વક હાથ ઊંચા કરી દેતો હોય છે કે ‘મમ્મી- પપ્પા કહે છે એમ કરવું પડશે.’ આવા નપુસંક પતિની મોટી સંખ્યા આપણા દેશમાં છે. આ શબ્દ ઘણા પુરુષોને આકરો લાગશે, પણ બોલીને ફરી જનારા, કોઈ સ્ત્રીની જિંદગી સાથે રમત કરનારા, માતા- પિતા ખોટા હોય ત્યારે પણ તેમના દબાણ હેઠળ આવી જનારાઓ માટે આ શબ્દ પણ ઘણો હળવો ગણાય.

એક ગુજરાતી ડોક્ટર યુવતીનો કિસ્સો યાદ આવે છે. એક ડોક્ટર યુવતીનાં લગ્ન નક્કી થયાં એ વખતે તેના ભાવિ પતિ અને ભાવિ સાસુ-સસરાએ તેને કહ્યું હતું કે ‘તું લગ્ન પછી ડોક્ટર તરીકે તારી પ્રેક્ટિસ ચાલુ રાખજે. અને અત્યારે તું બીજા કોઈની હોસ્પિટલમાં નોકરી કરે છે એને બદલે અમે તારા માટે હોસ્પિટલ જ બનાવી આપીશું.’ તેમના શબ્દો પર વિશ્વાસ રાખીને તે યુવતી પરણી ગઈ. એ પછી થોડા દિવસો માટે તે પતિ સાથે વિદેશમાં હનીમૂન પર ગઈ. તે પાછી આવી એના બીજા જ દિવસે તેના સાસુ- સસરાએ કહી દીધું કે ‘તારે હવે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. આપણને પૈસાની કોઈ કમી નથી. આપણી પાસે પૂરતા પૈસા છે એટલે તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. હવે ઘર સાચવીને બેસી જા.’ એ પછી તેને ઘરની બહાર જવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી. 

તે ડોક્ટર યુવતીએ વિરોધ કર્યો તો તેને તેના શિક્ષિત સાસુ- સસરા અને પતિના વાસ્તવિક ચરિત્રનો અનુભવ થયો. તેમણે તેને ખૂબ ગાળો આપી, તેના પર હાથ ઉપાડી લીધો. તેનાં માતા- પિતાને પણ કોલ કરીને ખૂબ સંભળાવ્યું કે ‘તમે તમારી છોકરીને કેવા સંસ્કાર આપ્યા છે કે તે અમારા નિર્ણયની સામે અવાજ ઉઠાવે છે.’ 

ત્યારે  યુવતીના માતા- પિતાએ તેમને વિનંતી કરી કે ‘લગ્ન નક્કી થયાં એ વખતે તો તમે કહ્યું હતું કે ‘તમે તેને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ ચાલુ રાખવા દેશો.’ તો સાસુ- સસરાએ પુત્રવધૂના માતા- પિતાને પણ બેફામ ગાળો આપી. તે ડોક્ટર યુવતી બિચારી ડિપ્રેશનમાં સરી પડી. 
આ આપણા સમાજની કડવી અને આઘાતજનક વાસ્તવિક્તા છે, જેમાં સ્ત્રીઓને હંમેશાં પુરુષ કરતાં ઊતરતી ગણવાની વિકૃતિ ચાલતી રહી છે. કોઈ પુરુષ પોતાની પત્નીને ઘરના કામમાં મદદરૂપ બનતો હોય તો તેનાં સગાંવહાલાં અને મિત્રો,પાડોશીઓ કે પરિચિતો તેની પાછળથી મજાક ઉડાવતા હોય છે (અથવા તેના મોઢે પણ કહેતા હોય છે કે ‘તું બાયલો છે’)

આવા કિસ્સાઓ આપણા દેશમાં બનતા રહે છે ત્યારે અમિત દુબેનો કિસ્સો ‘ખારા રણમાં મીઠી વીરડી’ સમાન છે. આવી સ્થિતિમાં અમિત દુબેએ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પતિ સમજદાર હોય તો પત્ની માટે સુખના પાસવર્ડ સમો સાબિત થઈ શકે.