હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે દોલગઢ પાટિયા પાસે પુરપાટ વેગથી દોડતી કારે પદયાત્રીઓના ગ્રૂપને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 12 પદયાત્રીઓને ગંભીર ઈજા પહોંચી છે. આ અકસ્મતામાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ અકસ્માતનો એક વિડિયો સામે આવ્યો છે, પુરપાટ વેગે ચાલતી કારે પહેલા પદયાત્રીઓને ટક્કર મારી હતી. આ જ રૂટ પર તે આગળ વધતા લોકોએ જ તેને અટકાવીને મેથીપાક ચખાડી દીધો હતો.
પીધેલી હાલતમાં પકડાયો ડ્રાઈવર
તા.21 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે પદયાત્રા કરીને અંબાજી જતા ભાવિકો પર દોલગઢ પાસે એક કાર ચાલકે પદયાત્રીઓને ટક્કર મારી હતી. અકસ્માત કર્યા બાદ તે ત્યાંથી ભાગવાના પ્રયાસમાં હતો.પણ પદયાત્રીઓ તથા સ્થાનિકઓએ એને અટકાવી, પકડી લીધો હતો. સમગ્ર ઘટનાની સૌથી મોટી અને ચોંકાવનારી વિગત એ છે કે, એની કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જ્યારે કાર ચાલક પણ પીધેલી હાલતમાં પકડાયો હતો. સ્થાનિકોએ એને પકડીને માર મારવાનું શરૂ કરી દીધુ હતું જ્યારે એની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા અને કારમાં તોડફોડ કરીને નુકસાન કરવામાં આવ્યું હતું. નશાની હાલમાં ભાનભૂલેલા ડ્રાઈવરનો પદયાત્રીઓએ જ વિડિયો બનાવીનો સોશિયલ મીડિયા પર શૅર કરી દીધો હતો. ટોળાએ જ એની કારને સળગાવી દીધી હતી. અકસ્માતની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા, સાબરકાઠા લોકસભાના સાંસદ શોભના બારૈયા, ક્લેક્ટર, મામલતદાર તથા એ ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતોના હાલ પૂછ્યા હતા.
જાહેરનામાનો ભંગ કર્યો
આ સમગ્ર કેસમાં પોલીસે તપાસ આગળ વધારી દીધી છે. જ્યારે કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનામાં મૃત્યું પામનાર વ્યક્તિનું નામ મોહન વાઘેલા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં કાર ચાલકે GRDના જવાન પર કાર ચઢાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હોવાની વિગત મળી છે. કાર ચાલક હિંમતનગર હોવાનું જાણવા મળ્યું છે. કારે બેરિકેટ મૂકેલા હતા ત્યાં પહેલા ટક્કર મારી હતી અને પછી પદયાત્રીઓને અડફેટે લીધા હતા. નવી કાર ખરીદી હતી અને ડ્રાઈવર નશાની હાલમાં અંબાજી તરફના રૂટ પર નીકળ્યો હતો. પોલીસે રાત્રી દરમિયાન જ વાહનવ્યવહાર શરૂ કરાવી દીધો હતો. જ્યારે પદયાત્રીઓને સુરક્ષા સાથે રવાના કર્યા હતા. જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, જાહેરનામું હોવાથી બેરિકેટ લગાવેલા હતા, કારે પહેલા ત્યાં ટક્કર મારી. પદયાત્રીઓના ગ્રૂપમાં બેથી અઢી કિમીના અંદર સુધી કાર અંદર ઘુસી હતી. સમગ્ર કેસની આગળની તપાસ ચાલું છે.