ભૂજઃ વૈશ્વિક સ્તરે ચીકુના ઉત્પાદનમાં ભારત અગ્રેસર સ્થાન ધરાવે છે. દેશમાં આ ફળના વિપુલ ઉત્પાદન તથા બજાર માંગમાં ગુજરાત મોખરે રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્ય અમેરિકા તથા મેક્સિકોની ‘પ્રોલીફિક’ અને ‘બ્રાઉન પ્રિન્સ’ તેમજ ફ્લોરિડાની મોટા કદવાળી ‘રસેલ’ અને ‘ઓક્સકાહ’ જેવી જાતો જાણીતી છે, જ્યારે થાઈલેન્ડ અને વિયેતનામમાં લંબગોળ અને સુવાળી ત્વચા ધરાવતા ચીકુની માંગ રહે છે. ભારતમાં ગોળ અને અત્યંત મીઠાસવાળા ચીકુ લોકપ્રિય છે, જેમાં પશ્ચિમ ભારતમાં સફળ નીવડેલી ‘કાલીપત્તી’, દડા જેવી મોટી ‘ક્રિકેટ બોલ’-કચ્છ-કલકત્તા ગોળ, ‘ભૂરીપત્તી’, ‘પીલીપત્તી’ તેમજ ભૌગોલિક ઓળખ જીઆઇ ટેગ ધરાવતી દક્ષિણ ગુજરાતની સુપ્રસિદ્ધ ‘અમલસાડ સ્થાનિક’ અને મહારાષ્ટ્રની ‘ઘોલવડ’ જાત પ્રમુખ છે.
હવામાનની માઠી અસર ચીકુના ઉત્પાદન પર
વર્તમાન સમયમાં વૈશ્વિક તાપમાનમાં વધારો અને બદલાતા હવામાનની સીધી પ્રતિકૂળ અસર ચીકુના પાક પર જોવા મળી રહી છે. કમોસમી વરસાદ, શિયાળામાં અસામાન્ય તાપમાન અને માર્ચ-એપ્રિલમાં વહેલી શરૂ થતી આકરી ગરમીના કારણે વૃક્ષો પરથી ફૂલો ખરી પડવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. વાતાવરણમાં ભેજ અને તાપમાનની અસમતુલાને લીધે જીવાતનો ઉપદ્રવ વધતાં દેશના મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં વાર્ષિક ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઉત્પાદનમાં થયેલા આ ઘટાડાની સીધી અસર સરહદી કચ્છ જિલ્લાના વડામથક ભુજની બજારમાં વર્તાઈ રહી છે. ભુજના અગ્રણી ફળ વિક્રેતા સાહિલ ખોજા અને શકીલ ખોજાના જણાવ્યા અનુસાર, હાલ સ્થાનિક કચ્છી ચીકુની ઋતુ શરૂ ન થઈ હોવાથી સ્થાનિક બજાર સંપૂર્ણપણે બહારની આવક પર નિર્ભર છે. હાલમાં મહારાષ્ટ્રના દહાણુ પટ્ટા અને દક્ષિણ ગુજરાતના વલસાડથી માલગાડી મારફતે ચીકુનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો છે.
મોંઘા પડી રહ્યા છે ચીકુ
લાંબા અંતરની હેરફેરને લીધે માત્ર પરિવહન ખર્ચ પેટે જ કિલોએ રૂપિયા 40 જેટલો વધારાનો બોજો પડે છે. મોંઘા ભાડાં, મર્યાદિત પુરવઠો અને આનુષંગિક ખર્ચના પરિણામે ઉત્કૃષ્ટ ગુણવત્તાના ચીકુનો છૂટક ભાવ રૂપિયા 300 પ્રતિ કિલોની ઐતિહાસિક સપાટીએ પહોંચતા સામાન્ય ગ્રાહકો માટે આ ફળ ખરીદવું મુશ્કેલ બન્યું છે. જોકે આગામી સમયમાં ગ્રાહકોને ભાવમાં મોટી રાહત મળવાની વકી છે. દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ ભેજવાળા વાતાવરણને લીધે બારેમાસ ઉત્પાદન મળતું રહે છે, જ્યારે કચ્છની અર્ધ-સૂકી આબોહવાનું પાક ચક્ર તદ્દન અલગ છે. માંડવી, મુન્દ્રા અને અંજાર પટ્ટામાં ચોમાસાની વિદાય બાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફૂલો બેસે છે અને દિવાળી પછીની ગુલાબી ઠંડી તેમજ સૂકી આબોહવામાં ફળ પરિપક્વ બની ખાસ મીઠાસ પકડે છે. આ વિશિષ્ટ હવામાનને કારણે ‘કચ્છી સ્થાનિક ચીકુ’ દિવાળીના તહેવારો બાદ બજારમાં પ્રવેશે છે. વેપારીઓના મતે, દિવાળી પછી સ્થાનિક પાકની આવક શરૂ થતાં પરિવહન ખર્ચ ઘટશે અને બજારમાં ચીકુના ભાવ નિયંત્રણમાં આવીને સામાન્ય વર્ગના બજેટને અનુકૂળ બનશે.
ઉત્સવ વૈદ્ય