Mon Jun 08 2026

Logo

અશોક ખરાતને જાહેરમાં ફાંસીએ લટકાવોઃ મુનગંટીવાર

2026-03-28 17:27:31
Author: Pooja Shah
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન સુધીર મુનગંટીવારે શનિવારે અશોક ખરાતને જાહેરમાં ફાંસી આપવામાં આવે, તેમ જણાવ્યું હતું. રાજ્યમાં બની બેઠેલા ધર્મગુરુ અશોક ખરાતનો મામલો ખૂબ ગરમાયો છે. તેમની સાથેના રાજકારણીઓના સંબંધોને લીધે આ મુદ્દાએ રાજકીય રંગ પણ લાગ્યો છે. ખરાતની છેલ્લા ત્રણ વર્ષમાં એક મહિલા પર વારંવાર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. 

જાતીય શોષણ, ખંડણી અને વાંધાજનક સામગ્રી ફેલાવવા અંગેની અનેક ફરિયાદો મળ્યા બાદ ૧૮ માર્ચે ધરપકડ કરાયેલા ખરાત સામે અત્યાર સુધીમાં 8 એફઆઈઆર નોંધાઈ છે. 
પત્રકારો સાથે વાત કરતા મુનગંટીવારે જણાવ્યું હતું કે હું કાયદાનું પાલન કરનાર નાગરિક છું, પરંતુ અશોક ખરાતના બર્બર કૃત્યો જોયા અને સાંભળ્યા પછી, એવું લાગે છે કે તેને કોઈ કાનૂની છૂટ ન મળવી જોઈએ. કોઈ કોર્ટ નહીં, કોઈ કાર્યવાહી નહીં. આવા વ્યક્તિને જાહેરમાં સજા થવી જોઈએ અને ફાંસી આપવી જોઈએ. તેણે છત્રપતિ શિવાજી મહારાજના વારસાનું અપમાન કર્યું છે અને મહિલાઓનું અપમાન કર્યું છે. આવા કૃત્યો મહારાષ્ટ્ર અને તેના મૂલ્યોનું અપમાન છે.


તેમણે કહ્યું કે કડક કાર્યવાહીથી અન્ય સ્વ-ઘોષિત ધર્મગુરુઓને સંદેશ જશે, તેમણે ઉમેર્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર, સાવિત્રીબાઈ ફૂલે અને શાહુ મહારાજ સહિતના સુધારકોના ઉપદેશો શાળાઓમાં આપવામાં આવતા હોવા છતાં, ધર્મને બદનામ કરતી આવી ઘટનાઓ બનતી રહે છે.મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ પદેથી એનસીપીનાં નેતા રૂપાલી ચાકણકરના રાજીનામા અંગે મુનગંટીવારે કહ્યું હતું  કે જ્યારે ગંભીર આરોપો સામે આવે છે ત્યારે રાજીનામાની માંગ કરવામાં કંઈ ખોટું નથી. આમ કરવાથી તપાસને અસર નહીં પડે તેની ખાતરી થાય છે. 
દરમિયાન, શિવસેના (યુબીટી) ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વર્ષોથી ખરાતની મુલાકાત લેનારા વિધાનસભ્યો અને પ્રધાનોના નામ જાહેર કરવા જોઈએ.

 


પત્રકારો સાથે વાત કરતા, રાજ્યસભાના સાંસદે નિર્દેશ કર્યો કે શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરે દાવો કર્યો હતો કે 40 વિધાનસભ્ય ખરાતની મુલાકાતે આવ્યા હતા અને પ્રશ્ન કર્યો હતો કે શા માટે તેમને એકલા નિશાન બનાવવામાં આવ્યા હતા.તેમણે ફડણવીસની ટીકા કરતા જણાવ્યું હતું કે એનસીપીના પ્રધાન નરહરી ઝીરવાલના ટ્રાન્સપર્સન સાથેના વિવાદાસ્પદ વીડિયોની ચકાસણી કરવાની જરૂર છે, તેવી ટીપ્પણી મુખ્ય પ્રધાન કઈ રીતે કરી શકે. ભૂતકાળમાં આવા વીડિયો વાયરલ થયા છે, ત્યારે ચકાસણી કરવામાં આવી નથી.