Sun Sep 06 2026

Logo

મુંબઈ એરપોર્ટ પર અચાનક મોટો હોબાળો મચી ગયો! મુસાફરો ગુસ્સે થયા; એરપોર્ટ પર ખરેખર શું બન્યું?

2026-05-18 21:03:15
Author: Mumbai Samachar Team
મુંબઈ એરપોર્ટ પર અચાનક મોટો હોબાળો મચી ગયો! મુસાફરો ગુસ્સે થયા; એરપોર્ટ પર ખરેખર શું બન્યું?

X


મુંબઈઃ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એર ઈન્ડિયાના મુસાફરોને ઘણી તકલીફ સહન કરવી પડી હતી. ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અચાનક હડતાળ પર જતા એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ઘણી ફ્લાઇટ્સનું સમયપત્રક ખોરવાઈ ગયું હતું. હડતાળને કારણે 15 થી વધુ ફ્લાઇટ્સ દોઢથી બે કલાક મોડી પડી હતી.

અહેવાલ મુજબ મુંબઈથી ઉપડતી 15 ફ્લાઇટ્સ સમયસર ઉડાન ભરી શકી નહીં. તેમજ  મુંબઈ આવતી ફ્લાઇટ્સ પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ. હૈદરાબાદથી મુંબઈ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સવારે 11:45 વાગ્યે ઉતરી, પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફના અભાવે, મુસાફરો પોણા કલાક સુધી વિમાનમાંથી ઉતરી શક્યા નહીં. જેના કારણે પુણેના ઉદ્યોગપતિ સુજીત દિલીપ મુંબઈમાં તેમની મહત્વપૂર્ણ બિઝનેસ મીટિંગ ચૂકી ગયા.

મુંબઈથી દેહરાદૂન જતી ફ્લાઇટ AI 431 બપોરે 12:10 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ તે બે કલાક મોડી પડી હતી. મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે એરલાઇને કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી.

આ બધી અંધાધૂંધી બાદ એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરતા એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું. કંપનીએ કહ્યું હતું કે થર્ડ-પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીના કર્મચારીઓ દ્વારા અચાનક કામ બંધ થવાને કારણે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ છે. અમે શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે એરપોર્ટ અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ સાથે કામ કરી રહ્યા છીએ. મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

જો કે, હડતાળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ, આ અચાનક થયેલા વિરોધને કારણે સેંકડો મુસાફરો પ્રભાવિત થયા હતા અને મુંબઈ એરપોર્ટ પર થોડા સમય માટે અંધાધૂંધી સર્જાઈ હતી.