અમિત ત્રિવેદી
ગયા અઠવાડિયે મેસેજિંગ પ્લેટફોર્મ્સ (જેમ કે WhatsApp) પર એક કટાક્ષવાળો મેસેજ ફરી વાયરલ થયો: આજથી SEBIનો નવો નિયમ: જો તમારે સ્ટોક માર્કેટ કે ફ્યુચર-ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરવું હોય, તો PAN કાર્ડ અને KYC સિવાય બીજા કેટલાંક ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. આ નવાં ડોક્યુમેન્ટ્સમાં કાર્ડિયોગ્રાફ (ECG), બ્લડ પ્રેશરનું રીડિંગ અને ડોક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ સામેલ છે.
આ મેસેજ દર્શાવે છે કે શૅરબજારની વધઘટ સામાન્ય માણસને કેટલો માનસિક સ્ટ્રેસ આપી શકે છે. પૈસાની આપણી માનસિક સ્થિતિ પર ખૂબ ઊંડી અસર પડે છે.
આથિક ક્ષેત્રના મારા અનુભવો પછી મેં જોયું છે કે આપણે શાંતિથી જીવી શકીએ અને સુરક્ષા મળે એટલા માટે પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ, પણ ઘણા લોકોને ઇન્વેસ્ટ કર્યા પછી જ પોતાની માનસિક શાંતિ ગુમાવતા જોયા છે.
તો શું એનો અર્થ એ કે શૅરબજાર ખરાબ છે? ના, બિલકુલ નહીં. આ એક રેલવે ટ્રેક જેવું છે. ઓવરબ્રિજનો ઉપયોગ કરવાને બદલે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે અકસ્માતમાં ઘણા લોકો જીવ ગુમાવે છે. તો શું રેલવે ટ્રેક ખરાબ ગણાય?
આવા મોટાભાગના કિસ્સાઓમાં, શૅરબજાર હોય કે રેલવે ટ્રેક એ ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવ્યા છે. જો કોઈ સિસ્ટમનો ખોટો ઉપયોગ કરે તો પરિણામ ભોગવવા માટે તેણે તૈયાર રહેવું પડે.
હજુ હમણાં જ એક ભાઈ પોતાના મિત્રો સાથે વાત કરતા શૅરબજારને ‘કેસિનો’ (જુગાર અડ્ડો) સાથે સરખાવી રહ્યા હતા. અવારનવાર આવા શબ્દો માત્ર એટલા માટે વપરાય છે, કારણ કે લોકોમાં શૅરબજાર વિશે કેટલીક ગેરસમજો પ્રવર્તે છે.
તો ચાલો, સમજીએ કે શૅરબજારનું સાચું કામ શું છે.?
નામ પરથી જ ખબર પડે છે કે આ એક એવું માર્કેટપ્લેસ છે જ્યાં ખરીદનાર (buyer) અને વેચનાર (seller) ભેગા થાય છે અને શૅર કે પૈસાની આપ- લે કરે છે. સ્ટોક માર્કેટનું કામ એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે, જ્યાં આ ટ્રાન્ઝેક્શન એકદમ સરળતાથી, કાર્યક્ષમ રીતે અને ઓછામાં ઓછા ચાર્જ સાથે થઈ શકે.
એકવાર આવું પ્લેટફોર્મ મળી જાય, પછી સ્ટોક માર્કેટ એકદમ ન્યૂટ્રલ (તટસ્થ) થઈ જાય છે. તમે આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરો છો તેની સાથે માર્કેટને કોઈ લેવાદેવા નથી. કોઈ મોંઘા ભાવે ખરીદે કે સસ્તા ભાવે, કોઈ મોંઘા ભાવે વેચે કે સસ્તા ભાવે બજાર ન્યૂટ્રલ રહે છે. ટ્રાન્ઝેક્શન કઈ કિંમતે થાય છે તેનાથી બજારને કોઈ ફરક નથી પડતો, કારણ કે તે દરેક વ્યક્તિને તે સમયના ભાવે ખરીદવા કે વેચવાનો નિર્ણય લેવાની છૂટ આપે છે.
શૅરનો ભાવ બજાર પોતે નક્કી નથી કરતું, પરંતુ ડિમાન્ડ અને સપ્લાયના આધારે બધા રોકાણકારો મળીને નક્કી કરે છે. આ ડિમાન્ડ અને સપ્લાય ખરીદનાર અને વેચનાર પાસે રહેલી માહિતી (information) પર આધારિત હોય છે. તેથી સાચી માહિતી સમજીને નિર્ણય લેવાની જવાબદારી ટ્રેડિંગ કરનાર વ્યક્તિની પોતાની છે.
જો આપણે માર્કેટનું મૂળ કામ સમજી લઈએ, તો એ સ્પષ્ટ થઈ જાય છે કે આપણા નિર્ણય અને તેના પરિણામોની જવાબદારી માત્ર આપણી જ છે. આ નિર્ણય લેવા માટે માનસિક મજબૂતી (mental toughness) જોઈએ, કારણ કે દરેક સમયે માર્કેટમાં બે પ્રકારના લોકો હશે કેટલાક પોઝિટિવ (bullish) અને કેટલાક નેગેટિવ (bearish).
ઇન્વેસ્ટિંગમાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે શાંત મગજે નિર્ણય લઈ શકો. આને વધુ સારી રીતે સમજવા માટે બેન્જામિન ગ્રેહામના પુસ્તક ‘ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર’માંથી ‘મિસ્ટર માર્કેટ (Mr. Market) ની વાર્તા જરૂર વાંચવી જોઈએ.
એટલે જ, પહેલા પેરેગ્રાફના મેસેજમાં હું એક નાનો ફેરફાર કરીશ: રોકાણકારને કાર્ડિયોગ્રાફ કે બ્લડ પ્રેશરના રિપોર્ટની જરૂર નથી; તેને મેન્ટલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર છે. ઇન્વેસ્ટિંગની દુનિયામાં સફળ થવા માટે માનસિક શાંતિ અને સાચા નિર્ણયો લેવાની ક્ષમતા કેળવવી સૌથી જરૂરી છે.