Wed Sep 02 2026

Logo

શિવાજી જન્મોત્સવ દરમિયાન શિવનેરી કિલ્લામાં નાસભાગ; મહિલાઓ-બાળકો સહીત 20 ઘાયલ

2026-02-19 09:18:00
Author: Savan Zalariya
શિવાજી જન્મોત્સવ દરમિયાન શિવનેરી કિલ્લામાં નાસભાગ; મહિલાઓ-બાળકો સહીત 20 ઘાયલ

 
પુણે
: આજે પુણે જીલ્લાના જુન્નરમાં આવેલા શિવનેરી કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી દરમિયાન નાસભાગ મચી ગઈ હતી, અહેવાલ મુજબ 15 થી 20 લોકો ઘાયલ થયા છે.

હિંદવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે ઉત્સાહથી ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજની જન્મસ્થળ એવા ઐતિહાસિક કિલ્લા શિવનેરીમાં શિવાજી જન્મજયંતીની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. મધ્યરાત્રિથી કિલ્લામાં વિસ્તાર "જય ભવાની, જય શિવાજી" ના નારાથી ગુંજી ઉઠ્યા હતાં. એક વીડિયોમાં જોવા મળે છે કે મોટી સંખ્યામાં લોકો શિવ જ્યોત અને ભગવા ધ્વજ લઈને કિલ્લામાં જઈ રહ્યા છે.

શિવનેરી કિલ્લાની ક્ષમતા કરતાં વધુ લોકો એકઠા થઇ ગયા હતાં, જેને કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. અંબરખાના નીચેના રસ્તાઓ, હાટ્ટી દરવાજા અને ગણેશ દરવાજા ખુબજ સાંકડા છે, એક સાથે હજારો લોકો આવી પહોંચતા આ વિસ્તારોમાં ભારે ભીડ સર્જાઈ હતી. 
 

લોકો સામસામે આવી ગયા:
લોકો કિલ્લાથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે સામે મોટી સંખ્યામાં લોકો ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઓછી જગ્યામાં બંને તરફથી લોકોએ પસાર થવાનો પ્રયાસ કર્યો હતો, ભીડમાં રહેલા લોકોએ એકબીજાને ધક્કો મારવાનું શરુ થયું હતું, લોકોએ બુમાબુમ કરી મુકી હતી. જેમાં કેટલાક લોકો નીચે પડી ગયા, લોકો તેમના પરથી ચાલી ગયા. કેટલાક લોકોના શ્વાસ લેવામાં તકલીફ પડતા બેભાન પણ થઇ ગયા હતાં.

અહેવાલ મુજબ આ ઘટનામાં 15-20 લોકો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી. 

તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.