નવી દિલ્હી : કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેની બાદ કોંગ્રેસ પક્ષમાં સંગઠનાત્મક ફેરફારોની અટકળો તેજ બની છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતી, સંગઠનમાં બદલાવ અને કોંગ્રેસને ફરી મજબૂત કરવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ માત્ર ઔપચારિક બેઠક નહોતી
સોનિયા ગાંધી સાથેની આ બેઠકમાં રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જનાર્દન દ્વિવેદી, મુકુલ વાસનિક, પવન બંસલ અને યામી યાજ્ઞિક સહિત અનેક અનુભવી નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. પાર્ટીના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે આ માત્ર ઔપચારિક બેઠક નહોતી.
કોંગ્રેસ પાર્ટીને પાયાના સ્તરે ફરીથી સક્રિય કરવાની વ્યૂહરચના
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીએ દેશના વર્તમાન રાજકીય વાતાવરણ અંગે વરિષ્ઠ નેતાઓ પાસેથી વિગતવાર પ્રતિભાવ માંગ્યા હતા. તેમજ સંગઠનમાં અમલમાં મુકાઈ રહેલા ફેરફારો અને કોંગ્રેસ પાર્ટીને પાયાના સ્તરે ફરીથી સક્રિય કરવાની વ્યૂહરચના પર પણ ગંભીર ચર્ચા કરી હતી.
વર્તમાન સ્થિતિની વિગતો આપતા અહેવાલો સુપરત કર્યા
આ બેઠક દરમિયાન વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને વિવિધ રાજ્યોની રાજકીય પરિસ્થિતિ અને સંગઠનની વર્તમાન સ્થિતિની વિગતો આપતા અહેવાલો સુપરત કર્યા હતા. તેમજ મોદી સરકારના વિરોધમાં જનતા સાથે અસરકારક રીતે જોડાવા માટેની વ્યૂહરચના પર પણ સૂચનો આપવામાં આવ્યા હતા.
કોંગ્રેસે સંસદથી લઈને પંચાયત સુધી તમામ સ્તરે સતત સક્રિય રહેવું જોઈએ
આ ઉપરાંત વરિષ્ઠ નેતાઓએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસે સંસદથી લઈને પંચાયત સુધી તમામ સ્તરે સતત સક્રિય રહેવું જોઈએ. તેમજ જાહેર મુદ્દાઓ પર આંદોલન કરીને તેને વિધાનસભા સુધી લઈ જઈને જ પક્ષ ફરીથી રાજકીય રીતે સક્રિય બનશે.
નવી સમિતિની રચના અંગેનો નિર્ણય પણ ટૂંક સમયમાં લેવાશે
આ બેઠકમાં એવા પણ સંકેત આપવામાં આવ્યો હતો કે પ્રસ્તાવિત સંગઠનાત્મક ફેરબદલમાં અનુભવી નેતાઓની ભૂમિકા વિસ્તૃત થઈ શકે છે. તેમજ પક્ષનું નેતૃત્વ અનુભવી અને યુવા નેતાઓ વચ્ચે સંતુલન જાળવીને નવી જવાબદારીઓ સોંપવાની તૈયારી કરી રહ્યું છે. આ હેતુ માટે નવી સમિતિની રચના અંગેનો નિર્ણય પણ ટૂંક
સમયમાં લેવામાં આવી શકે છે.