Sun Mar 15 2026

Logo

ખામેનેઈનો પુત્ર મોજતબા બન્યો ઈરાનનો સુપ્રીમ લીડર, જાણો કેવી રીતે થાય છે પસંદગી

Tehran   1 week ago
Author: Mayur Patel
Article Image

ઈરાનની 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' દ્વારા તેમની ખામેનેઈના ઉત્તરાધિકારી તરીકે વરણી કરવામાં આવી હતી

તેહરાનઃ મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિને આજે પાંચમો દિવસ છે. ઈઝરાયેલી મીડિયાના અહેવાલો અનુસાર, આયાતુલ્લાહ અલી ખામેનેઈના પુત્ર મોજતબા હુસૈની ખામેનેઈને ઈરાનના આગામી સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, ઈરાનની 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' દ્વારા તેમની ખામેનેઈના ઉત્તરાધિકારી તરીકે વરણી કરવામાં આવી હતી.  ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોરના દબાણમાં આ પસંદગી કરવામાં આવી હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્તમાન યુદ્ધ સ્થિતિના કારણે પૂર્ણ બેઠક શક્ય નહોતી તેથી વર્ચ્યુઅલ બેઠક અને આંતરિક પરામર્શથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરે કથિત રીતે કટ્ટરપંથી જૂથોને એકજૂટ કરીને મોજતબા ખામેનેઈના પક્ષમાં દબાણ બનાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેના પિતાના નજીકના સાથી છે અને સુરક્ષા તંત્ર પર મજબૂત પકડ ધરાવે છે.

કોણ છે મોજતબા ખામેનેઈ


મોજતબા ખામેનેઈ (ઉ.વ.56) એક શિયા ધર્મગુરુ છે. લાંબા સમયથી પડદા પાછળ પ્રભાવશાળી ભૂમિકા ભજવતા આવ્યા છે. તેઓ આઈઆરજીસી અને બસિજ મિલિશિયા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. મોજતબાની ધાર્મિક માન્યતાને પણ સર્વોચ્ચ નેતાના પદ માટે અપૂરતી માનવામાં આવે છે. પરંતુ આઈઆરજીસીના સમર્થને તને શક્ય બનાવી દીધું હતું.

જોકે તેમની નિમણૂક પર વિવાદ છે. કારણકે ઈસ્લામી ક્રાંતિની મૂળ ભાવનમાં વંશાનુગરત ઉત્તરાધિકારીને પસંદ કરવામાં આવતા નથી. અનેક કટ્ટરપંથી પણ તેને રાજાશાહી માનીને વિરોધ કરી શકે છે. 

મોજતબા 2009થી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં પ્રદર્શનકારીઓના રોષનું નિશાન રહ્યા છે. ખાસ કરીને 2022માં પોલીસ કસ્ટડીમાં એક યુવતીના મોત બાદ ઈરાનમાં ફાટી નીકળેલા મહિનાઓ લાંબા અશાંતિના સમયગાળા દરમિયાન તેઓ ચર્ચામાં રહ્યા હતા. તે યુવતીની ધરપકડ ઈસ્લામિક રિપબ્લિકના કડક ડ્રેસ કોડના કથિત ઉલ્લંઘન બદલ કરવામાં આવી હતી.

તેઓ શાસન સમર્થક રેલીઓમાં દેખાયા છે, પરંતુ ભાગ્યે જ જાહેરમાં બોલ્યા છે. ગયા વર્ષે તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે કુમ ખાતે પોતે લેતા ઇસ્લામિક કાયદાના વર્ગો સ્થગિત કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે તેના કારણો અંગે અનેક અટકળો વહેતી થઈ હતી.

તેમનો ચહેરો તેમના પિતા સાથે ઘણો મળતો આવે છે, અને તેઓ સૈયદ હોવાની ઓળખ આપતી કાળી પાઘડી પહેરે છે, જે દર્શાવે છે કે તેમનો પરિવાર તેમનો વંશ પયગંબર મોહમ્મદ સાથે જોડાયેલો હોવાનું માને છે.

ટીકાકારોનું કહેવું છે કે મોજતબા પાસે સર્વોચ્ચ નેતા બનવા માટે જરૂરી ધાર્મિક લાયકાત નથી. તેમનો 'હોજાતોલેસ્લામ'નો હોદ્દો 'આયાતુલ્લાહ'ના હોદ્દા કરતા એક ક્રમ નીચે છે—જે હોદ્દો તેમના પિતા અને ઈસ્લામિક રિપબ્લિકના સ્થાપક રુહોલ્લાહ ખોમેનેઈ ધરાવતા હતા.

2007માં લખાયેલા અને વિકિલીક્સ રા પ્રકાશિત યુએસ રાજદ્વારી કેબલમાં ઈરાની સ્ત્રોતોને ટાંકીને જણાવાયું હતું કે મોજતબા એ ખામેનેઈ સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ છે.

સુપ્રીમ લીડરની પસંદગી કોણ કરે છે?

ઈરાની બંધારણ મુજબ, સુપ્રીમ લીડરની પસંદગી 88 વરિષ્ઠ ધાર્મિક વિદ્વાનોની એક પરિષદ (એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ) દ્વારા કરવામાં આવે છે. ઈરાનમાં સુપ્રીમ લીડરની વરણી 'વિલાયત-એ-ફકીહ' ના સિદ્ધાંત પર આધારિત હોય છે. આ સિદ્ધાંત હેઠળ, ઈરાનમાં માત્ર કોઈ મહાન ધાર્મિક વિદ્વાન અથવા મૌલવી જ સુપ્રીમ લીડરનું પદ મેળવી શકે છે.

આયાતુલ્લાહ અલી ખામેનેઈને ક્યાં દફનાવાશે

બીજી તરફ, ઈરાનની સરકારી સમાચાર એજન્સી 'ફાર્સ' અનુસાર, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈને મશહદમાં દફનાવવામાં આવશે. જોકે, હજુ સુધી દિવસ કે તારીખ નક્કી કરવામાં આવી નથી. ખામેનેઈને ઈમામ રઝાની દરગાહ પાસે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખામેનેઈનો જન્મ પણ 1939માં મશહદમાં જ થયો હતો.