Fri Apr 17 2026

Logo

ફેફસાં જ નહીં હવે મગજ પર પણ ખતરો, જાણો કેવી રીતે તમાકુ મગજને સમય પહેલા ઘરડું બનાવે છે

2026-04-09 15:04:00
Author: Mumbai Samachar Team
Article Image

AI Generated Image


સામાન્ય રીતે લોકો સિગરેટ કે માદક દ્રવ્યોના સેવનને માત્ર ફેફસાં કે કેન્સર જેવી બીમારીઓ સાથે જોડે છે, પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધને સૌને ચોંકાવી દીધા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તમાકુ અને ગાંજાનું સેવન માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક રીતે પણ વ્યક્તિને પાયમાલ કરી રહ્યું છે. આ રિસર્ચ મુજબ, આ વ્યસનો માનવીના મગજને સમય પહેલા જ વૃદ્ધ બનાવી રહ્યા છે અને તેની કાર્યક્ષમતામાં ઘટાડો કરી રહ્યા છે.

નોંધનીય છે કે, સંશોધકોએ અંદાજે 72000 થી વધુ લોકો પર કરવામાં આવેલા 100 જેટલા અલગ-અલગ અભ્યાસોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. આ તપાસમાં સામે આવ્યું છે કે સિગરેટ અને ગાંજો મગજને સંકોચી રહ્યા છે. આ માત્ર એક ખરાબ આદત નથી, પરંતુ એક ગંભીર ચેતવણી છે કે તે મગજની કામ કરવાની પદ્ધતિમાં કાયમી ફેરફાર કરી શકે છે. લાંબા સમય સુધી આ વ્યસન ચાલુ રાખવાથી મગજના કોષો નબળા પડવા લાગે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વ્યસનની સૌથી વધુ અસર મગજના યાદશક્તિ અને લાગણીઓ સાથે જોડાયેલા ભાગો પર થાય છે. ગાંજાના સેવનથી મગજનો 'એમીગડાલા' (Amygdala) હિસ્સો નાનો થઈ જાય છે, જે ડર અને નિર્ણય લેવાની ક્ષમતાને નિયંત્રિત કરે છે. તેવી જ રીતે, તમાકુના કારણે 'હિપ્પોકેમ્પસ' (Hippocampus) સંકોચાય છે, જેના લીધે યાદશક્તિ નબળી પડે છે. આ ઉપરાંત, મગજનો 'ગ્રે મેટર' એટલે કે વિચારવાની મુખ્ય શક્તિમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

રિસર્ચમાં એક સ્પષ્ટ કડી જોવા મળી છે: વ્યક્તિ જેટલી વધારે સિગરેટ પીવે છે, મગજ સંકોચાવવાનું જોખમ એટલું જ વધી જાય છે. તમાકુના ધુમાડામાં રહેલા હાનિકારક તત્વો મગજમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને સોજો ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયાને કારણે ન્યુરોન્સ (મગજના કોષો) ધીમે-ધીમે મરવા લાગે છે. જોકે, ક્યારેક ક્યારેક વ્યસન કરનારાઓ પર તેની અસર તરત નથી દેખાતી, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે મગજમાં થતા આ નકારાત્મક બદલાવ વર્ષો પછી ગંભીર માનસિક રોગોનું કારણ બની શકે છે.