Sun May 17 2026

Logo

ફોકસ પ્લસ: યુવાનોની જાન છે સ્માર્ટ ફોન

2026-05-17 12:24:00
Author: Vivek Kumar
Article Image

ફોકસ પ્લસ - વિવેક કુમાર

આજના સમયમાં જો કોઈ ચીજને યુવાનોની જાન કહેવામાં આવતી હોય તો એ છે તેમનો સ્માર્ટ ફોન. હેરાન કરે એવી વાત એ છે કે  યુવાનો કોઈ પણ ચીજથી એક-બે વર્ષમાં કંટાળી જાય છે ત્યારે એક દશકથી સ્માર્ટ ફોનમાં તેમનો રોમાંચ યથાવત છે. છેલ્લા એક દશકથી સ્માર્ટ ફોન ન ફક્ત યુવાનોની જિંદગીનું કેન્દ્ર બન્યો છે, પણ એ તેમનું એક પસંદીદા ગૅજેટ પણ છે. આ દરમ્યાન સમય બદલાયો, ટેક્નિક બદલાઈ, ટ્રેન્ડ બદલાયો પરંતુ સ્માર્ટ ફોન સદાબહાર સ્ટાઇલ સ્ટેટમેન્ટની જેમ યુવાનો માટે સ્ટેટસ સિમ્બૉલ છે. સવાલ એ છે કે આટલા નાના ડિવાઇસમાં એવું તે શું છે કે યુવાઓ વર્ષોથી એનો મોહ છોડવાની વાત તો દૂર, એનો લગાવ જરા પણ ઓછો નથી કરી શકતા. 
આ એક ઉપકરણ નથી, પૂરી જીવનશૈલી છે

સ્માર્ટ ફોન ફક્ત એક ડિવાઇસ કે ઉપકરણ નથી. આજે એ યુવાનોની જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બની ગયો છે. પહેલાં મોબાઇલ ફોનનો ઉપયોગ ફક્ત કોઈને મેસેજ કે ફોન કરવા પૂરતો જ થતો હતો, પરંતુ જેમ-જેમ સમય વીતતો ગયો તેમ એનો ઉપયોગ અને આકર્ષણ વધતાં ગયાં. આજે સ્માર્ટ ફોન એક મલ્ટીફંક્શનલ સાથીમાં બદલાય ગયો છે જે મનોરંજન પણ કરે છે, શિક્ષિત પણ કરે છે, નોકરી શોધવામાં કામ આવે છે, દોસ્તી વધારવામાં પણ કામ આવે છે, આ બધું એક નાના સ્માર્ટ ફોનમાં છે. આ બધાને કારણે એક દશકથી સ્માર્ટ ફોન યુવાનો માટે એક મનપસંદ ગૅજેટ બની ગયું છે અને દિવસે-દિવસે યુવાનો માટે એના પ્રત્યેનો મોહ વધી રહ્યો છે.

કૅમેરાથી પુસ્તક સુધી બધું છે

આજે એક સ્માર્ટ ફોન ન ફક્ત કોઈ જમાનાનો હાઈ ક્વૉલિટી સ્માર્ટ કૅમેરા છે, પરંતુ એક જમાનાનું લક્ઝરી ટીવી બની ચૂક્યો છે. રેડિયો તો છે જ, ન્યૂઝ પેપરો તો એમાં સમાયાં જ છે અને પુસ્તકોની તો એ ખાણ છે. એ તમારી દરેક કેનેક્ટિવિટીનું સાધન છે. બૅન્ક તેમ જ બીજી નાણાકીય ગતિવિધિઓને અંજામ આપે છે. એક સ્માર્ટ ફોનમાં કોઈ જમાનાનાં ડઝનો અને અત્યાર સુધીનાં સેંકડો ગૅજેટ સમાઈ ચૂક્યાં છે. એટલે એ ટૂ ઇન વન કે ફોર ઇન વન નહીં હન્ડ્રેડ ઇન વન છે અને ભવિષ્યમાં એ ઑલ ઇન વન બની જશે. એટલે ફક્તો યુવાનો જ નહીં દરેક કામકાજી માણસ માટે સ્માર્ટ ફોન એક પસંદીદા ગૅજેટ છે. 

સોશ્યલ કનેક્ટિવિટી

આજે ગ્લોબલ વિલેજનો જમાનો છે. પૂરી દુનિયા એક સ્ક્રીનમાં સમેટાઈ ગઈ છે અને એને આસાન અને સુલભ સ્માર્ટ ફોને જ બનાવી છે. એના કારણે જ સ્માર્ટ ફોન અમારી સોશ્યલ કનેક્ટિવિટી માટે સૌથી તેજ, ઉપયોગી અને જરૂરી માધ્યમ છે. આજે સ્માર્ટ ફોન દુનિયામાં ઉપયોગમાંં આવતી દરેક ક્ધટેન્ટ માટે સૌથી મોટો સ્રોત છે. સ્માર્ટ ફોન દ્વારા યુવા પોતાને અભિવ્યક્ત કરે છે, બીજાથી જોડાય છે અને પોતાની મોજૂદગી દર્જ કરે છે. આ જ કારણ છે કે સ્માર્ટ ફોનનો કોઈ વિકલ્પ નથી મળી રહ્યો.

પર્સનલાઇઝેશન અને સ્ટાઇલ

સ્માર્ટ ફોન હવે ફક્ત ઉપયોગી ચીજ નથી, પરંતુ એ એક સ્ટેટસ સિમ્બૉલ પણ છે. કયું મોડલ છે, કૅમેરા કેવો છે, કવર કેવું છે આ બધું યુવાનોની ઓળખનો એક હિસ્સો બની ગયો છે. એટલે આ ગૅજેટ તમે કોણ છો એ પણ બતાવે છે અને બીજા કોણ છે તેની ઓળખ પણ કરે છે. શિક્ષા અને કરિયરમાં સ્માર્ટ ફોન સારથી તો છે જ. આ ઉપરાંત ઑનલાઇન ક્લાસિસ, ડિજિટલ કોર્સ, સ્કિલ લર્નિંગ, ઍપ્સ વગેરે જેવી ઘણી બાબતોમાં યુવાનોને નવા-નવા અવસર આપ્યા છે. એટલે આજે એવું કોઈ ડિવાઇસ નથી જે સ્માર્ટ ફોનની જગ્યા લઈ શકે. આ જ કારણ છે કે એક દશકથી પણ વધારે સમયથી યુવાનો માટે સ્માર્ટ ફોન એક પસંદગીનું ગૅજેટ બની ગયું છે.

સ્માર્ટ ફોન કેમ છે યુવાનોનું દિલ

- કેમ કે એ ઓલ-ઇન વન ગૅજેટ છે. એક ડિવાઇસમાં પૂરી દુનિયા સમાઈ છે.

- સોશ્યલ કનેક્શન, એ દોસ્તી, ઓળખ અને અભિવ્યક્તિનું સૌથી સરળ અને પ્રભાવી માધ્યમ છે.

- આ બધાને કારણે આજે દુનિયાનો દરેક યુવાન સ્વયં ક્ધટેન્ટ ક્રિયેટર પણ છે.

- ગેમિંગથી લઈને ઓટીટી સુધી એ આજે મનોરંજનનું પાવરહાઉસ છે.

- એ ફક્ત મનોરંજન જ નહીં, પરંતુ શીખવાનું અને કમાવાનું સૌથી સ્માર્ટ સાધન પણ છે.

- સ્માર્ટ ફોન પોતાની સ્ટાઇલ અને સ્ટેટસને કારણે આજે દરેકના વ્યક્તિત્વનો અરીસો બની ચૂક્યો છે.